દશામા મહોત્સવ, જન્માષ્ટમી, ગણેશ મહોત્સવ બાદ પ્રતિમાઓ કુદરતી તળાવ, નદી, ઓવારા તથા અન્ય જળસ્રોતમાં વિસર્જનના પ્રતિબંધનો ચુસ્ત અમલ કરવા માટે હવે મહાનગપાલિકાએ નોંધ ઇસ્યુ કરી છે અને હવે તમામ પાલિકાના ઝોનમાં આ નોંધનો અમલ કરવા તાકીદ પણ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનરની નોંધ મુજબ ઝોન વિસ્તારમાં આવેલ તમામ કુદરતી નાળા, તળાવ, નદી, ઓવારા તથા અન્ય જળસ્રોતમાં પ્રતિમાઓનું વિસર્જન ન થાય તેની ખાસ તહેદરી રાખવા માટે પોલીસ વિભાગ સાથે સંકલન રાખવા ઝોનના કાર્યપાલક ઇજનેરને તાકીદ કરવામાં આવી છે. સાથે જ વોટર બોડીઝના સ્થળે બેરિકેટિંગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
બેરિકેટિંગના સ્થળોએ પ્રતિમાઓના વિસર્જનના પ્રતિબંધ અંગેના સૂચના બોર્ડ લગાવવાની પણ તાકીદ તમામ ઝોનોને કરવામાં આવી છે. આ ઉપરાંત રાત્રીના સમયે પણ પૂરતું નિરીક્ષણ થઇ રહે તે માટે ઝોન સ્તરેથી જરૂરી માત્રામાં ફ્લડલાઇટ્સની સુવિધા પણ ઉભી કરવામાં આવશે અને ઉસબોર્ન વિસર્જનના અગાઉના દિવસથી બીજા દિવસ સુધી જે તે ઝોનમાંથી જરૂરી સ્ટાફને ઝોન વાઈઝ નિમણુંકો કરવાની રહેશે.
એટલું જ નહીં દશામા ઉત્સવ, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ બાદ ધાર્મિક પ્રતિમાઓનું વિસર્જન ઇકો ફ્રેન્ડલી પદ્ધતિથી ઘર આંગણે, સોસાયટીના કોમન પ્લોટમાં કોરોનની ગાઈડલાઈનની અમલવારી સાથે કરવાની રહેશે. આ માટે દરેક નાગરિકો અને ગણેશ સ્થાપક મંડળોને જરૂરી શિક્ષણ અને માર્ગદર્શન આપવા પણ દરેક ઝોનમાં પ્રચાર અભિયાન હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે.
મહાનગર પાલિકાના કમિશનર બંછાનીધી પાનીની આ નોંધ પરથી સ્પષ્ટ છે કે દશામા બાદ હવે ગણેશ વિસર્જન માટે પણ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવશે નહીં. જો કૃત્રિમ તળાવની વ્યયવસ્થા ઉભી કરવામાં આવે તો વિસર્જનના દિવસે લોકોની ભીડ ભેગી થવાની સંભાવના છે. જેથી આ વખતે પણ મનપા દ્વારા કૃત્રિમ તળાવ ઉભા નહીં કરવામાં આવે અને ઓવારો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.
જેથી એક વાત નક્કી છે કે આ વર્ષે પણ ભક્તોએ દશામા અને ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન ઘર આંગણે જ ઇકો ફ્રેન્ડલી રીતે કરવાનું રહેશે.
આ પણ વાંચો : Surat : સુરતના જરદોશી એટલે કે ખાટલી વર્કની પરંપરા આજે પણ યથાવત
આ પણ વાંચો : Surat : સુરતના શ્રમજીવી પરિવારની આ દીકરીઓ રાખડી બનાવી થઇ પગભર