Surat : નિર્ધારિત સમય કરતાં છ માસ પહેલા પૂર્ણ થશે પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રોજેક્ટ, સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીએ કામગીરીનો સંતોષ વ્યક્ત કર્યો
સુરત (Surat) મહાનગર પાલિકાના અલગ - અલગ ઝોન વિસ્તારમાં સાકાર થઈ રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) હેઠળના પ્રોજેક્ટોની મુલાકાતે સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના (Slum Improvement Committee) સભ્યો પહોંચ્યા હતા.
સુરત (Surat) મહાનગર પાલિકાના અલગ – અલગ ઝોન વિસ્તારમાં સાકાર થઈ રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) હેઠળના પ્રોજેક્ટોની મુલાકાતે સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના (Slum Improvement Committee) સભ્યો પહોંચ્યા હતા. જોકે, આ મુલાકાત દરમ્યાન મોટા ભાગના પ્રોજેક્ટોની કામગીરીથી સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના સભ્યોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ભેસ્તાન ખાતે સાકાર થઈ રહેલ પ્રોજેક્ટ (Project) તેના નિર્ધારિત સમય મર્યાદા કરતાં છ મહિના પહેલા પૂર્ણ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીએ સચિન, ભેસ્તાન, ડિંડોલીમાં કરી તપાસ
સુરત શહેરના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ઘરનું ઘર મળી રહે તે આશય સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. સુરતના સચિન, ભેસ્તાન, ડિંડોલી સહિતના વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વિવિધ પ્રોજેક્ટોની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ પ્રોજેક્ટસની મુલાકાતે આજે સ્લમ કમિટીના પ્રમુખ દિનેશ પુરોહિત સહિતના સભ્યો પહોંચ્યા હતા. વહેલી સવારથી વિવિધ પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન કમિટીના સભ્યોએ અલગ – અલગ કામગીરીની સમીક્ષા કરી હતી. અધિકારીઓની સાથે સચિન, ડિંડોલી, ભેસ્તાન સહિતના સ્થળે બની રહેલા પ્રોજેક્ટની કામગીરીથી કમિટીના સભ્યો દ્વારા પણ સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પ્રોજેક્ટ વહેલો પૂર્ણ થાય તેવી શક્યતા
સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીએ સુરતના ભેસ્તાન ખાતે 24.63 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની મુલાકાત લીધી હતી. સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવેલી આ પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન પ્રોજેક્ટ તેના નિર્ધારિત સમય મર્યાદા કરતાં છ મહિના પહેલા જ પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. એક તરફ મનપાના એક તરફ કરોડોના ખર્ચે બની રહેલા પ્રોજેક્ટોની સમયમર્યાદા યેન કેન પ્રકારે ટલ્લે ચઢતી હોય છે ત્યારે આ પ્રોજેક્ટ તેની સમય મર્યાદા કરતાં છ મહિના પહેલા જ સાકાર થાય તો તેનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને મળી રહે.