ગુજરાતમાં PMJAY યોજનાનું સૌથી મોટું કૌભાંડ ! રૂપિયા આપો તો 15 મિનિટમાં કાર્ડ બની જતા, 6 લોકોની ધરપકડ
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લોકોની સુખાકારી માટે છે., જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય તેમને હોસ્પિટલના મોટા ખર્ચમાંથી રાહત મળે, પરંતુ કેટલાક લેભાગુ તત્વો અને હોસ્પિટલની મિલીભગતથી તેઓ તેનો ગેર ઉપયોગ કરે છે. ખ્યાતિ કાંડ તો આપને ખ્યાલ જ છે. જેની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચને અત્યાર સુધીનું સૌથી મોટું PMJAY કાર્ડ બનાવવાનું કૌભાંડ હાથે લાગ્યું છે.

ખ્યાતિ કાંડમાં તપાસ કરી રહેલી ક્રાઈમબ્રાંચને અત્યાર સુધીનું સૌથી મોટું PMJAY કાર્ડ બનાવવાનું કૌભાંડ હાથે લાગ્યું છે. અનુમાન છે કે 3 હજારથી વધુ લોકોના કાર્ડ બન્યા છે જેના થકી ખ્યાતિ જેવી હોસ્પિટલોએ સરકારને મોટો ચૂનો લગાવ્યો છે. કોઈ પણ વ્યક્તિના PMJAY કાર્ડ બનાવી આપતા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલે 4 વર્ષમાં કુલ 4947 ઓપરેશન કર્યાં છે. તમામ ઓપરેશન PMJAY અંતર્ગત કરાયા હોવાનું ખુલ્યુ છે.
PMJAY યોજના હેઠળ સરકારને જ ચૂનો
ખ્યાંતિ કાંડમાં ક્રાઈમ બ્રાંચ જેમ જેમ તપાસ કરી રહી છે તેમ તેમ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હત્યાકાંડમાં સૌથી મહત્વનું હતું PMJAY કૌભાંડ, આખરે કઈ રીતે તેઓ આ કાર્ડ કઢાવતા અને સરકારને ચૂનો લગાવતા. આ સવાલનો જવાબ મેળવવા ક્રાઈમબ્રાંચે દિવસ રાત એક કર્યા અને જે ખુલાસા થયા તેણે ખળભળાટ મચાવી દીધો છે. ક્રાઈમ બ્રાંચે PMJAY કાર્ડ કઈ રીતે કાઢતા તેની ઝીણવટપૂર્વક તપાસ કરી તો આખો મામલો બહાર આવ્યો.
રૂપિયા આપો, 15 મિનિટમાં કાર્ડ બનાવો !
જે લોકો પાસે કાર્ડના હોય તેવી ફાઈલ સીધી CEO ચિરાગ રાજપૂતને મોકલાતી હતી અને અહિંથી હોસ્પિટલ કાંડની શરૂઆત કરતી હતી. નિમેશ નામનો શખ્સ પણ આ કાંડમાં સામેલ છે કે જે માત્ર 1500 રૂપિયામાં PMJAY કાર્ડ કાઢી આપતો. આરોપીઓ ખુબ જ બિંદાસ્ત રીતે આ વેપારને કરતા હતા. આ લોકો અનેક વ્હોટ્સએપ ગ્રુપ અને પોર્ટલ ચલાવે છે કે જેના થકી ગ્રાહકો સંપર્ક કરી શકે અને રૂપિયા જેવા કોઈ વ્યક્તિ આપે એટલે તુરંત તેનું કાર્ડ બની જાય.
3 હજારથી વધુ લોકોના PMJAY કાર્ડ બન્યા
જાણીને આશ્ચર્ય થશે અને આપ ચોંકી પણ જશો કે આ લોકોએ 3 હજારથી વધુ લોકોના PMJAY કાર્ડ બનાવ્યા છે અને એટલે પોલીસ દ્વારા તપાસને વધુ સઘન કરવામાં આવી છે. આ કાર્ડ બનાવવા પાછળ કઈ કઈ હોસ્પિટલ્સનો હાથ છે તેની પણ તપાસ થશે. આખા કેસમાં અનેક લોકો વોન્ટેડ છે જ્યારે કે જે 6 લોકો ઝડપાયા છે તે તમામના રિમાન્ડ માંગવામાં આવશે. મહત્વની વાત એ છે કે ખ્યાતિના માલિક અને CEO બંન્ને આખા કાંડના મુખ્ય આરોપીઓમાંના છે.
ખ્યાતિ હોસ્પિટલની કૌભાંડ થકી કમાણી !
તપાસમાં સામે આવ્યુ છે કે ખ્યાતિ હોસ્પિટલ પણ PMJAY કાર્ડના કૌભાંડ થકી કમાણી કરતી હતી. તેણે 4 વર્ષમાં કુલ 4947 ઓપરેશન કર્યાં છે. આ તમામ ઓપરેશન PMJAY અંતર્ગત કરાયા છે. 26 કરોડથી વધુના ક્લેમ કરવામાં આવ્યા છે. માત્ર 43 મહિનાના ગાળામાં 26 કરોડના ક્લેમથી ખળભળાટ મચી ગયો છે.
પોલીસનું માનવું છે કે આ કાંડ બની શકે કે રાજ્ય બહાર દેશ વ્યાપી પણ હોય શકે છે. કારણ કે અનેક દર્દીઓ રાજસ્થાન મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી પણ ગુજરાત અને અમદાવાદમાં સારવાર લેતા હોય છે. આવનારા દિવસોમાં તપાસમાં હજુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.