હિન્દુવાદી નેતાઓને ધમકી, પાકિસ્તાન કનેક્શન, સુરતના મૌલાનાની કર્મ કુંડળીની તપાસ માટે કોર્ટે આપી મંજૂરી, જાણો શું છે ઘટના
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં પકડાયેલા મૌલાનાને લઈને એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ સમગ્ર મામલે હવે ગુજરાતમાં રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. પોલીસ આ મૌલાનાને કોર્ટમાં પણ રજૂ કારવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમ્યાન અનેક ખુલાસા થઈ શકે તેમ છે.
હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને ધમકી આપવા મામલે સુરતમાંથી મૌલવી સોહેલ ટીમોલની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે રવિવારે તેને કોર્ટમાં રજૂ કરીને અલગ-અલગ 16 મુદ્દાઓ પર 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જે અંતર્ગત મૌલવીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે તેની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવી શકે છે. કારણ કે પ્રાથમિક તપાસમાં જ મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન બહાર આવી ચુક્યું છે.
- પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મૌલાના પાકિસ્તાન અને નેપાળના લોકોના સંપર્કમાં હતો.
- મૌલવી સોહેલ ટીમોલ હિન્દુવાદી નેતાઓના નિવેદનને લઈને તેમને ટાર્ગેટ કરતો હતો !
- તે હિન્દુવાદી નેતાઓને ધમકી આપતો અને ઉપદેશ રાણાને મારવાનો તેનો પ્લાન હતો.
- ઉપદેશ રાણાને મારવા મૌલાનાએ પાકિસ્તાનના હેન્ડલરને 1 કરોડ રૂપિયાની સોપારી આપી હતી.
- તપાસમાં ખુલાસો થયો છે કે મૌલાના પાકિસ્તાનથી બંદૂક મગાવવાનો હતો.
- તો પાકિસ્તાનના હેન્ડલર સાથે વાત કરવા માટે લુડો ગેમમાં કોડવર્ડના આધારે ચેટિંગ કરતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.
મૌલાનાની પાકિસ્તાનના હેન્ડલર સાથેની ચેટ પણ સામે આવી છે. ત્યારે તેની ધરપકડ મામલે ગુજરાતનું રાજકારણ પણ ગરમાઈ ચુક્યું છે. આ મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ TV9 સાથેની વાતચીતમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આવા સંવેદનશીલ મુદ્દાઓને પણ રાજકારણનો રંગ આપી દે છે અને ગુજરાતના નાગરિકોની સુરક્ષા સાથે ચેડા કરે છે !
મૌલાના મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના આરોપ બાદ કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે હર્ષ સંઘવીના નિવેદનને મુર્ખામીભર્યું ગણાવ્યું છે. તો વાર પર પલટવાર કરતા ભાજપ નેતા શ્રદ્ધા રાજપૂતે કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવ્યો છે.