સુરત(Surat ) જિલ્લા એલસીબી (LCB) પોલીસે બાતમી અને હકીકતને આધારે રૂપિયા 21.32 લાખના કુલ મુદ્દામાલ સાથે ટેમ્પા ચાલકની અટક કરવામાં આવી હતી. જ્યારે કામરેજના(Kamrej ) વાવ ખાતે રહેતી બે મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી. સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે પલસાણા ખાતે નેશનલ હાઇવે પરથી કેમિકલની આડમાં ટેમ્પામાં સંતાડી કામરેજ તાલુકાના વાવ ખાતે રહેતી બે મહિલા બુટલેગરને ત્યાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલો નંગ 691 જેની કિંમત રૂપિયા 69,050 ના કુલ મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક ની અટક કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, દમણ ખાતેથી કેમિકલની આડમાં વિદેશી દારૂનો જથ્થો કામરેજ લઈ જવામાં આવતો હોવાની બાતમી સુરત જિલ્લા એલ.સી.બી પોલીસને મળી હતી. જે ચોક્કસ બાતમી આધારે પોલીસ સ્ટાફ દ્વારા નેશનલ હાઈવે નં.48 પર પલસાણા તાલુકાની હદ વિસ્તારમાં વોચ ગોઠવી દેવામાં આવી હતી.
બાતમી અને વર્ણન અનુસરનો આઇસર ટેમ્પો નં જીજે-15-એટી-9894 આવી પહોંચતા તેને અટકાવી ટેમ્પામાં તલાશી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 691 જેની કિંમત રૂપિયા 69,050ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ દ્વારા સ્થળ પરથી 1 મોબાઇલ, આઇસર ટેમ્પો,ટેમ્પામાં ભરવામાં આવેલા પીપમાં 5703 કિલોગ્રામ એબી એસિડ 120 ગુણ મળી આવતા કુલ 21.32 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ચાલક ચંપકભાઈ ધનસુખભાઈ ઓડ (રહે.ગડત, કુંભારવાડની પાછળ, ગણદેવી, નવસારી) ની અટક કરવામાં આવી હતી. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર કામરેજ તાલુકાના વાવ ખાતે આવેલી આર કે કોલોનીમાં રહેતી ઉષાબેન જયેશભાઇ પટેલ તેમજ રમીલા ઉર્ફે પૂજાને વોંટેડ જાહેર કરવામાં આવી છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Input Credit – Jignesh Mehta (Bardoli)