Breaking News : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિધાનસભા જેવો માહોલ, કોંગ્રેસના અનેક ઉમેદવારો ભૂગર્ભમાં ઉતર્યા
ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ પાર્ટી સતર્ક બની છે અને પક્ષના અનેક ઉમેદવારોને ભૂગર્ભમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના આશરે 40 જેટલા મજબૂત ઉમેદવારોને સુરત શહેર બહાર આવેલા ફાર્મ હાઉસમાં ખસેડવામાં આવ્યા છે, જેથી તેઓ પર કોઈ રાજકીય દબાણ કે પ્રભાવ ન પડે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ શહેરમાં વિધાનસભા જેવી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ પાર્ટી સતર્ક બની છે અને પક્ષના અનેક ઉમેદવારોને ભૂગર્ભમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના આશરે 40 જેટલા મજબૂત ઉમેદવારોને સુરત શહેર બહાર આવેલા ફાર્મ હાઉસમાં ખસેડવામાં આવ્યા છે, જેથી તેઓ પર કોઈ રાજકીય દબાણ કે પ્રભાવ ન પડે.
ઉમેદવારોના મોબાઇલ ફોન પણ બંધ કરાવી દેવામાં આવ્યા
પાર્ટીના હાઇકમાન્ડના નિર્દેશ બાદ આ તમામ ઉમેદવારોને શહેરથી દૂર અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ ઉમેદવારોને તેમના પરિવારજનો અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે સંપર્ક ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, ઉમેદવારોના મોબાઇલ ફોન પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે, જેથી કોઈ પ્રકારની ‘હોર્સ ટ્રેડિંગ’ અથવા રાજકીય ખેલ ફરી ન બને.
આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ છે કે અગાઉ નિલેશ કુંભાણી કેસ દરમિયાન જે પ્રકારની રાજકીય ‘રમત’ જોવા મળી હતી, તેવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં. કોંગ્રેસ આ વખતે કોઈપણ પ્રકારની ખામીને ટાળવા માટે સંપૂર્ણ સાવચેતી અપનાવી રહી છે. બીજી તરફ, આ સમગ્ર ઘટનાક્રમને લઈને સુરતની રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ છે અને આવનારી ચૂંટણી માટે ઉત્સુકતા વધતી જઈ રહી છે.
મહત્વનું છે કે હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પક્ષ પલટા અને તોડજોડની નીતિઓ જોવા મળી રહી છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારને જીતાડવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોને બચાવવા ખૂબ પ્રયાસ કરી રહ્યો છે.
ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો
રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી અને ઉમેદવારીની પ્રક્રિયા ચાલી રહી છે. મતદાન પહેલા જ રાજ્યમાં અંદાજે 150 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. કોંગ્રેસે 8 મહાનગરપાલિકાઓ માટે તેના 243 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બીજી તરફ, રાજકોટ જેવા વિસ્તારોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને ઉમેદવારોને અન્ય સ્થળે ખસેડવાની (રિસોર્ટ પોલિટિક્સ) ચર્ચાઓ પણ સામે આવી છે. 14 એપ્રિલ 2026 એ એટલે કે આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે.
આ પણ વાંચો- Breaking News : મતદાન પહેલા જ ‘કેસરીયો દબદબો’,ભાજપના 300 થી વધુ ઉમેદવારો બિનહરીફ, ગુજરાતમાં લોકશાહી મજબૂત કે વિપક્ષ કમજોર?