Surat : કાપડ માર્કેટના 60 હજાર વેપારીઓમાંથી 99 ટકા એ લઇ લીધી વેક્સિન
સુરતમાં જ્યાં કોરોનાના સંક્રમણનુ વધુ જોખમ રહેલુ ગણાય છે, તેવા કાપડ માર્કેટ વિસ્તારમાં 99 ટકા વેપારીઓએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઇ લીધો છે.
સુરતનું ટેક્સ્ટાઇલ માર્કેટ હવે લગભગ કોરોના મુક્ત થઇ ચૂક્યું છે. માર્કેટમાં કુલ 60 હજાર જેટલા વેપારીઓમાથી 99 ટકા વેપારીઓએ પહેલો ડોઝ લઇ લીધો છે. વેપારીઓ સહીત માર્કેટમાં કામ કરનારા લગભગ 2,44,000 લોકોમાંથી 90 ટકા લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઇ લીધો છે. કાપડ માર્કેટમાં વેપારીઓ સિવાય એકાઉન્ટન્ટ, સેલ્સમેન, શોપ વર્કર, લેબર, પેકીંગ કરનારા, ગ્રે અને એમ્બ્રોઇડરી ની ડિલિવરી કરનારા લોકો પણ કામ કરે છે.
આ તમામથી મોટાભાગના લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઇ લીધો છે. જોકે બીજા ડોઝ માટે વેપારીઓને મુશ્કેલી આવી રહી છે કારણ કે હાલમાં કાપડ માર્કેટમાં ફક્ત એક જ સેન્ટર પર વેક્સીન આપવામાં આવી રહી છે. ગુડલક માર્કેટ તરફથી જણાવવામાં આવ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા વેક્સિનનો સ્ટોક યોગ્ય રીતે નહીં જાળવી રાખવામાં આવતા અહીં રસીકરણ કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે. વેક્સીન નહીં મળવાના કારણે મહાનગરપાલિકા દ્વારા અચાનક સ્ટાફને પરત બોલાવી લેવામાં આવે છે. જેના કારણે બીજો ડોઝ લેવામાં મુશ્કેલી પડી રહી છે.
અન્ય એક કાપડ વેપારીનું કહેવું છે કે ટેક્સ્ટાઇલ માર્કેટમાં મોટા ભાગના લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઇ લીધો છે. ઘણા લેબર વર્કર વેક્સીન લેવાથી દૂર ભાગતા હતા. પરંતુ તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. તેમને વેક્સીન લેવાના ફાયદા વિષે સમજણ આપવામાં આવી હતી. તે પછી તેઓ તેમના પરિવાર સાથે પણ આવ્યા અને વેક્સીન લેવા લાગ્યા છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ તેઓએ વેક્સીન લીધી છે. કારણ કે બધા માટે સુરક્ષિત રહેવું પહેલી જવબદારી છે. વેક્સિનના લીધે જ આપણે આગામી દિવસોમાં કોરોના સામે લડી શકીશું.
ફેડરેશન ઓફ સુરત ટેક્ષટાઇલ એસોસિયેશનના પ્રમુખનું જણાવવું છે કે કાપડ માર્કેટમાં સૌથી વધારે વેપારીઓએ વેક્સિનનો પહેલો ડોઝ લઇ લીધો છે. તેના પછી ઓફિસ સ્ટાફ દ્વારા વેક્સીન લેવામાં આવી છે. 80 ટકા ડિલિવરી અને પેકીંગ કરનારા લોકોએ પણ વેક્સીન લઇ લીધી છે. જોકે બીજા ડોઝ લેવામાં મુશ્કેલી આવી રહી છે. અત્યારસુધી બીજો ડોઝ ફક્ત 50 ટકા લોકો જ લઇ શક્ય છે.
આરોગ્ય અધિકારીનું કહેવું છે કે હાલમાં વેક્સિનના જેટલા ડોઝ રાજ્ય સરકાર મહાનગરપાલિકાને આપી રહી છે તેટલા ડોઝ રોજ લોકોને આપવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા વેક્સિનના ડોઝના આધારે સેન્ટરો નક્કી કરવામાં આવે છે. ડોઝની જેટલી સંખ્યા આવે છે તેના હિસાબે સેન્ટર રાખવામાં આવે છે.
આ પણ વાંચો : Surat: કોરોના વેક્સિનના બીજા ડોઝ માટે 90 હજાર શહેરીજનો લાપરવાહ