એ ગુજરાતી…જેમનું નામ સાંભળી થર થર ધ્રુજવા લાગતી પાકિસ્તાની સેના, 1962 અને 1971ના યુદ્ધમાં ભારતીય સેનાને કરી હતી મદદ
એક એવા ગુજરાતી કે જેમનું નામ સાંભળી પાકિસ્તાની સેના થર થર ધ્રુજવા લાગતી. તેઓ એક સામાન્ય વ્યક્તિ હતા, પરંતુ જ્યારે 1965 અને 1971માં પાકિસ્તાન સાથે ભારતના યુદ્ધની વાત આવે છે, ત્યારે તેમના યોગદાનને કેવી રીતે ભુલી શકાય. આ બંને યુદ્ધમાં આ ગુજરાતીએ ભારતીય સેનાને પાકિસ્તાન સામે યુદ્ધ જીતાડવામાં મદદ કરી હતી.
જ્યારે પણ ભારતીય સેનાના વીર જવાનોની બહાદુરીની ગાથાનો ઉલ્લેખ થાય છે, ત્યારે એવા અનેક જવાનોના નામ સામે આવે છે, જેમની બહાદુરીથી દુશ્મનો પણ થર થર ધ્રુજવા લાગતા એવા કેટલાક રીયલ હીરો કે જેમના વિશે લોકો બહુ જાણતા નથી, પરંતુ જ્યારે તેમની બહાદુરીની કહાની સામે આવે છે, ત્યારે દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચું થઈ જાય છે.
રણછોડદાસ પગી પણ એક એવા જ રીયલ હીરો હતા, જે એક સામાન્ય વ્યક્તિ હતા, પરંતુ જ્યારે 1965 અને 1971માં પાકિસ્તાન સાથે ભારતના યુદ્ધની વાત આવે છે, ત્યારે તેમના યોગદાનને કેવી રીતે ભુલી શકાય. આ બંને યુદ્ધમાં રણછોડદાસ પગીએ ભારતીય સેનાને પાકિસ્તાન સામે યુદ્ધ જીતાડવામાં મદદ કરી હતી.
કોણ હતા રણછોડદાસ પગી ?
રણછોડદાસ પગીનો જન્મ 1901માં પાકિસ્તાનના સિંધ પ્રાંતના પેથાપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સવાભાઈ અને માતાનું નામ નાથીબા હતું, જેઓ વ્યવસાયે પશુપાલક હતા. રણછોડદાસ અને તેમનો પરિવાર ઘેટાં, બકરાં અને ઊંટ પાળીને એટલે કે પશુપાલન દ્વારા તેમનું ગુજરાન ચલાવતા હતા. તેઓ અભણ હોવા છતાં તેમની પાસે એક અદ્ભુત કળા હતી.
રણછોડદાસ પાસે જમીન પર કોઈ પશું કે માણસોના પગના નિશાનો ઓળખવાની કળા હતી. તેઓ પગના નિશાન પરથી કહી શકતા હતા કે વ્યક્તિનું વજન કેટલું હશે. તો ઊંટના પગના નિશાન જોઈને તે કહી શકતા હતા કે તેના પર કેટલા લોકો સવાર હતા. આ ઉપરાંત તેઓ ચોક્કસ પ્રમાણે કહી શકતા કે પગના નિશાન કેટલા સમય પહેલાના છે અને તેના પર સવાર વ્યક્તિ કેટલી દૂર ગઈ હશે. તેથી તેઓ “પગી” તરીકે ઓળખાતા હતા.
પાકિસ્તાનમાં ત્રણ પોલીસકર્મીઓની હત્યા કરીને હિન્દુસ્તાન આવ્યા
1947માં જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે રણછોડદાસના પરિવારે પાકિસ્તાનમાં જ રહેવાનું નક્કી કર્યું હતું. પરંતુ થોડા સમય બાદ તેમના પરિવારને સ્થાનિક લોકો, પોલીસ અને પાક આર્મીના અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન એક દિવસ જ્યારે ત્રણ પાકિસ્તાની પોલીસકર્મીઓ તેમના ઘરે આવ્યા અને તેમને હેરાન કરવાનું શરૂ કર્યું, ત્યારે રણછોડ પગીએ ત્રણેયની હત્યા કરી અને તેમના મૃતદેહ એક ઓરડીમાં છુપાવી દીધા. આ પછી તે પરિવાર સાથે ભારત આવી ગયા હતા. આ સમય દરમિયાન પણ તેઓ તેમના તમામ પશુઓને ભારત લાવવામાં સફળ રહ્યા હતા. કારણ કે, તેઓ ભારતમાં પ્રવેશવાના તમામ ગુપ્ત માર્ગો જાણતા હતા. ભારત આવ્યા બાદ પરિવાર સાથે બનાસકાંઠાના લીંબાળા ગામમાં સ્થાયી થયા.
પાકિસ્તાને 50 હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું હતું
ત્રણ પાકિસ્તાની સૈનિકોની હત્યા કરીને ફરાર થઈ ગયા બાદ પાકિસ્તાન સરકારે રણછોડ પગી વિશે માહિતી આપનાર અથવા તેને પાકિસ્તાનને સોંપવા માટે 50,000 રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. બીજી તરફ જ્યારે લીંબાળા ગામના લોકોને રણછોદાસની પગના નિશાનો ઓળખવાની અદભૂત કળા વિશે જાણ થઈ ત્યારે તેઓએ તેમને ગામના ચોકીદાર તરીકે નિયુક્ત કર્યા. આ સમયગાળા દરમિયાન તેમણે પગના નિશાનો ઓળખી ઘણા ચોરોને પકડી પાડ્યા હતા. જ્યારે પોલીસ અધિકારીઓને આ વાતની જાણ થઈ ત્યારે બનાસકાંઠાના પોલીસ અધિક્ષક વનરાજસિંહ ઝાલાએ તેમને પોલીસ ગાઈડ તરીકે નિયુક્ત કર્યા હતા.
1200 પાકિસ્તાની સૈનિકો છુપાયા હોવાની માહિતી ભારતીય સેનાને આપી હતી
1965નો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો એ સમય હતો. વિઘાકોટ પાકિસ્તાને કબજે કરી લીધું હતું અને તેઓ જંગલોમાં છુપાઈને ભારતીય સૈનિકોની ચોકીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન રણછોડ પગીને પગના નિશાન પરથી પાકિસ્તાની સૈનિકોની ઘૂસણખોરીની જાણ થઈ હતી. આ પછી તેમને એ પણ જાણવા મળ્યું કે વિધાકોટમાં લગભગ 1200 સૈનિકો એકઠા થયા છે, જેઓ હવે આગળ વધી શકે છે. રણછોડ પગીએ સમયસર ભારતીય સૈનિકોને આ માહિતી પહોંચાડી હતી. એટલું જ નહીં આ પછી રણછોડ પગીએ ભારતીય સૈનિકોને વિધાકોટ પહોંચવાનો ગુપ્ત રસ્તો પણ જણાવ્યો હતો. આ પછી ભારતીય સૈનિકોએ હુમલો કરીને પાકિસ્તાની સેનાને ભગાડી હતી અને જીત હાંસલ કરી હતી.
1971માં ભારતીય સૈનિકોને ઊંટ મારફતે દારૂગોળો પહોંચાડ્યો
ભારતના વિજયી ઈતિહાસમાં રણછોડદાસનું યોગદાન માત્ર એક યુદ્ધ પૂરતું મર્યાદિત ન હતું. 1965ના યુદ્ધ આ પછી તેમણે 1971માં બીજા યુદ્ધ દરમિયાન ભારતીય જવાનોની મદદ પણ કરી હતી. તે દરમિયાન રણછોડ પગી ઊંટ મારફતે પાકિસ્તાની સરહદે પહોંચી ગયા હતા અને તેમને ખબર પડી હતી કે પાકિસ્તાની સૈનિકો ધોરા વિસ્તારમાં કેમ્પ કરી રહ્યા છે અને અહીંથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. આ માહિતી બાદ ભારતીય સેનાએ ધોરા પર હુમલો કર્યો. આ સમય દરમિયાન જ્યારે ભારતીય સૈનિકો પાસે દારૂગોળો ખતમ થઈ ગયો, ત્યારે રણછોડ પગીએ 50 કિમી દૂરથી ઊંટ પર દારૂગોળો લાવીને સેનાને આપ્યો લઈ હતો. આ રીતે તેમણે પાકિસ્તાન સામે ભારતની જીતના ઈતિહાસમાં તેમનું નામ અંકિત છે.
જનરલ માણેકશા પણ પગીના ફેન હતા
રણછોડદાસે વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં સેનાને ન માત્ર માર્ગદર્શન આપ્યું હતું, પરંતુ દારૂગોળો પૂરો પાડવામાં પણ ઘણી મદદ કરી હતી. જ્યારે ભારતીય સેનાએ જીત મેળવી અને પાકિસ્તાનના પાલીનગર શહેર પર તિરંગો લહેરાવ્યો ત્યારે તેમાં રણછોડદાસે મોટી ભૂમિકા ભજવી હતી. માણેકશાએ પોતે આ માટે પગીને પોતાના ખિસ્સામાંથી 300 રૂપિયાનું રોકડ ઇનામ આપ્યું હતું અને તેમની સાથે ડિનર કર્યું હતું.
ભારતીય સેના દ્વારા ત્રણ મેડલ એનાયત કરાયા
રણછોડ પગીને તેમના ઐતિહાસિક યોગદાન બદલ ભારતીય સેના દ્વારા ત્રણ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સંગ્રામ સેવા મેડલ, મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ, ઈન્ડિયન પોલીસ મેડલ અને સમર સેવા સ્ટાર મેડલ-1965નો સમાવેશ થાય છે. રણછોડદાસના નામનું સૌથી મોટું સન્માન એ છે કે BSFએ કચ્છ બોર્ડર પર તેમના નામે 990નો પિલર ઊભો કર્યો છે.
તેમની બે અંતિમ ઈચ્છાઓ આદરપૂર્વક પૂરી કરાઈ
રણછોડદાસની બે અંતિમ ઈચ્છાઓ હતી કે જ્યારે તેઓ મૃત્યુ પામે ત્યારે તેમના શરીર પર પાઘડી મુકવામાં આવે અને અંતિમ સંસ્કાર ખેતરમાં જ કરવામાં આવે. 18 જાન્યુઆરી, 2013ના રોજ જ્યારે તેમણે અનંતકાળનો માર્ગ અપનાવ્યો ત્યારે તેમની બંને ઈચ્છાઓ તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને સંપૂર્ણ સન્માન સાથે પૂર્ણ કરવામાં આવી હતી.
1965 અને 1971ના યુદ્ધમાં ભારતની જીતમાં સન્માનનીય ભૂમિકા ભજવનાર બનાસકાંઠાના રણછોડદાસ પગીના જીવન પર ‘ભુજઃ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ નામની ફિલ્મ પણ બની છે, જેમાં સંજય દત્તે રણછોડદાસ પગીનું પાત્ર ભજવ્યું છે.
આ પણ વાંચો સ્પેન પહેલા ક્રિશ્ચિયન દેશ હતો, બાદમાં મુસ્લિમ બન્યો અને ફરીથી ક્રિશ્ચિયન દેશ કેવી રીતે બન્યો ?