Income Tax ના કોન્ટ્રાક્ટરોને ત્યાં દરોડાનો મામલો, ફાયનાન્સ, આંગડીયા અને સિમેન્ટ પેઢીઓ સુધી IT તપાસનો રેલો પહોંચ્યો!
IT Search Operation In Himmatnagar: હિંમતનગરના આરટીઓ સર્કલ વિસ્તારમાં આવેલી હાઈવે અને સરકારી મોટા કોન્ટ્રાક્ટનો કારોબાર ધરાવતી પેઢીઓમાં મોટા પાયે સર્ચ કાર્યવાહી આયકર વિભાગે શરુ કરી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આયકરના દરોડા પડ્યા છે. હાઈવે-રોડ સહિતના સરકારી મોટા કોન્ટ્રાક્ટનો કારોબાર ધરાવતી ચાર પેઢીઓ પર ઈન્કમટેક્ષ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ડઝનબંધ વાહનો સાથે ઈન્કમટેક્ષની ટીમો અમદાવાદ અને મહારાષ્ટ્રથી આવી પહોંચી હતી અને સર્ચ ઓપરેશન કરવાની શરુઆત કરી હતી. હિંમતનગરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી મોટા ઈન્કમ ટેક્ષ દરોડા પૈકીની આ કાર્યવાહી મનાઈ રહી છે. આરટીઓ સર્કલ વિસ્તારમાં આવેલી વિજાપુરા અને ખણુશીયા કોન્ટ્રાક્ટ પેઢીઓ નિશાના પર રહી છે.
સર્ચ ઓપરેશન દરમિયાન કેટલીક વિગતો સામે આવી છે. સૂત્રો મુજબ કેટલાક વ્યવહારો શંકાસ્પદ જણાઈ આવ્યા હતા. આ વ્યવહારોને તેનુ ક્રોસ ચેકિંગ શરુ કરવામાં આવ્યુ છે. ગુરુવારે મોડી સાંજે કેટલીક ફાયનાન્સ, આંગડીયા અને સિમેન્ટની પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. ઈન્કમટેક્ષ દ્વારા પેઢીના સંચાલકોના આર્થિક વ્યવહારો અને હવાલાઓને લઈ ક્નેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે હિંમનગર શહેરમાં હવાલા અને ફાયનાન્સને લગતા શખ્શો અને પેઢી સંચાલકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
વ્યવહારોના ક્નેક્શન શોધવાની કવાયત
જીએચ વિજાપુરા, એચએસ ખણુશિયા અને અનિશ વિજાપુરા તેમજ એપેક્ષ પેઢીમાં દરોડાના કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જેમાં વિજાપુરા અને ખણુશિયા પેઢીના વ્યવહારો મોટા પ્રમાણમાં દેશ અને વિદેશમાં ચાલતા હોવાની આશંકા છે. આ પેઢીઓ પૈકી કેટલાક વિદેશમાં પણ કારોબાર કરી ચૂક્યા હોવાની ચર્ચા છે. જેને લઈ આવા કનેક્શનના તાર પણ મેળવવામાં આવી રહ્યા છે. તેમજ મુંબઈમાં ઓફીસો ધરાવતી આ પેઢીઓના વ્યવહાર દેશમાં કયાં ક્યા અને કેવી રીતે થયા તેની વિગતો પણ ચકાસવામાં આવી રહી છે.
સુત્રો મુજબ એક મોટી પેઢીના કેટલાક શંકાસ્પદ વ્યવહારોની વિગતો ઈન્કમટેક્ષના અધિકારીઓને સર્ચ દરમિયાન હાથ લાગી છે. જેના હવાલાઓ હિંમતનગરથી થયા હોવાને લઈ આ અંગેની તપાસ સ્થાનિક સ્તરે શરુ કરવામાં આવી છે. શહેરના બગીચા વિસ્તારમાં આવેલી એક ફાયનાન્સ પેઢીના સંચાલકો અને કર્મચારીઓની પુછપરછ કરવામાં આવી હતી. આ પેઢી પર અગાઉ થોડાક સમય પહેલા જ આઈટી એ દરોડો પાડ્યો હતો. આ ઉપરાંત હિંમતનગર અને અમદાવાદની આંગડીયા પેઢીઓ મારફતે કરેલા હવાલાઓની તપાસ પણ શરુ કરવામાં આવી છે.
સિમેન્ટની પેઢીઓમાં ક્રોસ ચેક!
આ ઉપરાંત હાઈવે અને કોન્ટ્રાક્ટના કામકાજ માટે મોટા પ્રમાણમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેને લઈ સિમેન્ટના હિસાબો અને તેની એન્ટ્રીઓને લઈને હિંમતનગરની એક સિમેન્ટ પેઢીના સંચાલકોની પુછપરછ કરવામાં આવી હતી. આ પેઢી મોટા પ્રમાણમાં સિમેન્ટ સપ્લાય દેશભરમાં કરે છે. મહારાષ્ટ્રના એક કદાવર નેતાના સંબંધીની પેઢીમાં કોન્ટ્રાક્ટરોના વ્યવહારોને લઈ પૂછપરછ કરવામાં આવી હતી.