Income Tax ની હિંમતનગરમાં મોટી કાર્યવાહી, હાઈવેના સરકારી કોન્ટ્રાક્ટ ધરાવતી 4 પેઢીઓમાં IT નુ સર્ચ ઓપરેશન
દેશ અને વિદેશમાં પણ હિંમતનગરની કેટલીક પેઢીઓ દ્વારા કોન્ટ્રાક્ટના કામકાજ કર્યા છે. આ ઉપરાંત એક પેઢીનુ નામ થોડાક સમય પહેલા CBI ની અમદાવાદમાં કાર્યવાહી દરમિયાન પણ ચર્ચામાં રહ્યુ હતુ.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં RTO સર્કલ વિસ્તારમાં આવેલ કોન્ટ્રાક્ટર ગ્રુપ પર આયકર વિભાગની ટીમોએ કાર્યવાહી શરુ કરી છે. ઈન્કમટેક્ષના ડઝનબંધ વાહનો શહેરમાં વિવિધ સ્થળોએ સાગમટે પહોંચ્યા હતા. જેના દ્વારા આવી પહોંચેલા ઈન્કમટેક્ષના અધિકારીઓએ સર્ચ કાર્યવાહી શરુ કરી હતી. ખાસ કરીને આરટીઓ સર્કલ વિસ્તારમાં આવેલ રોડ અને સરકારી કોન્ટ્રાક્ટરોને ત્યાં આયકરની ટીમો સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતુ.
ઈન્કમટેક્ષના હિંમતનગરમાં ધામાં હોવાને લઈ શહેરના અનેક વહેપારીઓ અને અન્ય પેઢીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. શહેરમાં અગાઉ એશિયલ સિરામીક ટાઈલ્સ ગ્રુપમાં IT દરોડાની કાર્યવાહી બાદ ફરી એકવાર મોટા પાયે ઈન્કમટેક્ષની સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક પેઢી અગાઉ CBI દ્વારા લાંચ વિરોધી કાર્યવાહી દરમિયાન ચર્ચામાં રહી હતી. અમદાવાદમાં અધિકારીને લાંચ આપવાના મામલે કાર્યવાહી કરાતા એ દરમિયાન નામ ચર્ચામાં રહ્યુ હતુ.
હિંમતનગરમાં ઈન્કમટેક્સ વિભાગેની કાર્યવાહી, RTO સર્કલ આસપાસના 4 કોન્ટ્રાક્ટરોની પેઢીમાં સર્ચ ઓપરેશન | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/4lbXZE9xaQ
— Tv9 Gujarati (@tv9gujarati) February 16, 2023
હાઈવે અને સરકારી કોન્ટ્રાક્ટરોને ત્યાં કાર્યવાહી
શહેરમાં જીએચ વિજાપુરા, એચએસ ખણુશિયા અને અનીશ વિજાપુરા સહિતની પેઢીઓ કોન્ટ્રાક્ટના મોટા કારોબાર ચલાવી રહી છે. દેશના વિવિધ હિસ્સાઓમાં તેઓ દ્વારા હાઈવે અને અન્ય માર્ગો સહિતના કોન્ટ્રાક્ટના કામકાજ કરવામાં આવે છે. આ પેઢીઓ દ્વારા સરકારી કામકાજો મોટા ધરાવતી હોવા છતાં સ્થાનિક સ્તરના કામકાજોમાં તેઓ ટેન્ડરથી દૂર રહેતા હતા. જેને લઈ સ્થાનિક સ્તરથી સિધા સંપર્કથી દૂર રહેવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. જોકે હવે આયકરની કાર્યવાહીની વાત શહેરભરમાં પ્રસરતા જ પેઢીના સંચાલનને લઈની જુદી જુદી જાણકારીઓ બહાર આવવા લાગી છે.
જીએચ વિજાપુરા, એચએસ ખણુશિયા અને અનીશ વિજાપુરા તેમજ એપેક્ષ ગ્રુપમાં ઈન્કમટેક્ષ દ્વારા કાર્યવાહી કરીને હિસાબોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેર અને શહેર બહાર કેટલી સંપત્તિઓ પેઢીના ભાગીદારો અને પેઢી સાથે સંકળાયેલા વ્યક્તિઓ ધરાવે છે, તે તમામ વિગતોને એકઠી કરવામાં આવી રહી છે. આ પૈકીના મોટા કોન્ટ્રાક્ટરની વિજાપુરા અને ખણુશીયા પેઢીના વ્યવહારોમાં કાળા નાણાને લઈને પણ સર્ચ કરવામાં આવી રહ્યુ છે. કેટલાક હવાલાઓની વિગતો પણ સામે આવી હોવાને લઈ તે અંગે પણ ક્રોસ ચેક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય બહારના કોન્ટ્રાક્ટ અને સરકારી કોન્ટ્રાક્ટને લઈને પણ વિગતો ચકાસાઈ રહી હોવાનુ સુત્રો દ્વારા જાણકારી સામે આવી છે. આ સિવાય મુંબઈ સ્થિત હેડ ઓફીસ સહિતના સ્થળે પણ સર્ચ થયુ હોવાના અહેવાલ સામે આવ્યા હતા.
ડઝનબંધ ગાડીઓમાં અધિકારીઓ પહોંચ્યા
શહેરમાં એક સાગમટે જ અધિકારીઓનો કાફલો ડઝન બંધ વાહનોના કાફલા સાથે પહોંચ્યો હતો. દરોડા માટે ઘર અને ઓફીસો સહિતના સ્થળો પર એક સાથે પહોંચવા છતાં કોઈ વાહનો ઈન્કમટેક્ષના હોવાની ઓળખ ના થાય એમ સજ્જ થઈને ટીમો ઉતરી પડી હતી. ઈન્કમટેક્ષના સુત્રો મુજબ 35 થી વધુ વાહનોમાં આયકરના અધિકારીઓ અગાઉથી ઘડીને આવેલ યોજનાનુસાર સ્થળે પહોંચીને કાર્યવાહી શરુ કરી હતી. આ કાર્યવાહી સપ્તાહ લગી ચાલે એમ પણ સુત્રોએ જણાવ્યુ હતુ.
અગાઉ એશિયન સિરામીક ગ્રુપ પર દરોડો આવી જ રીતે મોટા પાયે હાથ ધરાયો હતો. જે વખતે તેમની સાથે એક ફાયનાન્સ પેઢી પણ સાણસામાં આવી હતી. જેને લઈ શહેરના અનેક મોટા કારોબાર ધરાવતી પેઢીઓના સંચાલન બંધ કરી દેવામાં આવ્યા હતા અને સંચાલકો બહારગામ વેપારી કામકાજના બહાને પહોંચ્યા હતા. આમ ફરી એક વખત આવી કાર્યવાહીને પગલે શહેરના અનેક પેઢીઓના સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે.