રાજકોટ જિલ્લાની સહકારી વિભાગની સૌથી મોટી સંસ્થા રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ગેરરીતિ અંગે હાઇકોર્ટમાં કરાયેલી અરજી પરત ખેંચાઈ છે. થોડા સમય રાજકોટના સહકારી ક્ષેત્રમાં રાદડિયા વિરોધી જૂથ દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે સોમવારે હરીફ જુથના સભ્યો નિતીન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા અને વિજય સખિયા સહિતના સભ્યોએ અરજી પરત ખેંચી લેતા આ વિવાદ હવે પૂરો થયો છે.
છેલ્લા ઘણાં સમયથી રાજકોટના સહકારી ક્ષેત્રમાં ભાજપના જ બે જૂથ વચ્ચે વિવાદ ચાલતો હતો. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં નિતીન ઢાંકેચા અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હરદેવસિંહ જાડેજાના વર્ચસ્વનો અંત આવ્યા બાદ નિતીન ઢાંકેચા અને હરદેવસિંહ જાડેજા સહિતના જૂથ દ્વારા જયેશ રાદડિયા સામે બાંયો ચડાવવામાં આવી હતી. નિતીન ઢાંકેચા સહિતના સહકારી આગેવાનો દ્વારા હાઇકોર્ટમાં જિલ્લા સહકારી બેંકમાં ભરતીમાં ગેરરીતિ ચાલતી હોવાની અને વહિવટમાં કેટલીક ત્રુટી હોવાની અરજી કરી હતી. જો કે ગત સપ્તાહે સહકારી વિભાગના બે જૂથો વચ્ચે મધ્યસ્થી થઇ જતા આ વિવાદનો અંત આવ્યો છે. આ અંગે tv9 એ નિતીન ઢાંકેચાનો સંપર્ક કરતા તેઓ એક સામાજિક કાર્યક્રમમાં હોવાનું કહ્યું હતું અને આ અરજી અંગે કહ્યું હતું કે હા અમે અરજી પરત ખેંચી પોતાની સંમતિ દર્શાવી હતી.
સહકારી વિભાગનો આ વિવાદ માત્ર સહકારી પુરતો સિમીત ન હતો. રાજકીય ક્ષેત્રે પણ આ વિવાદ ગુંજ્યો હતો.વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ અંગેની ચર્ચા સમયે રાદડિયા વિરુદ્ધ જૂથ દ્વારા રાદડિયા વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી હતી. રાદડિયાને ટિકિટ ન મળે તે માટે અનેક ધમપછાડા કર્યા હતા પરંતુ વિરોધી જૂથ ફાવ્યું ન હતું અને રાદડિયાનો દબદબો યથાવત રહ્યો હતો. વિધાનસભાની ચૂંટણી બાદ પણ જયેશ રાદડિયાનો દબદબો યથાવત રહ્યો હતો અને પ્રદેશ ભાજપ દ્રારા સહકારી વિભાગોમાં નિમણૂકની કમાન રાદડિયાને જ સોંપવામાં આવી હતી. જેના કારણે વિરોધી જૂથમાં સોંપો પડી ગયો હતો.
સૌરાષ્ટ્રના રાજકારણમાં હાલમાં લેઉવા પાટીદાર અગ્રણી તરીકે જયેશ રાદડિયાનો દબદબો છે. સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રના અગ્રણી તરીકે રાદડિયાની તાકાત વધી રહી છે. તાજેતરમાં ઇફકોની ચૂંટણીમાં ભાજપ દ્રારા બિપીન ગોતાને મેન્ડેન્ટ આપવામાં આવ્યું હતું પરંતુ તેનો અનાદર કરીને ઇફકોમાં જયેશ રાદડિયાનો વિજય થતા રાદડિયાની તાકાતમાં વધારો થયો છે. એટલું જ નહિ હાલમાં રાદડિયાનો નરેશ પટેલ સાથે વિવાદ ચાલી રહ્યો છે. જો કે હાલમાં સહકારી ક્ષેત્રનો મોટો વિવાદ શાંત થતા રાદડિયા માટે રાહતના સમાચાર છે. જો કે વિવાદ શાંત થવા પાછળ રાદડિયા વિરોધી જુથની શરણાગતિ કે પછી કોઇ બાંહેધરી આપવામાં આવી છે તે આગામી સમય બતાવશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો