Rajkot: પૂર્વ CM રૂપાણીએ ખાતમુહૂર્ત કરેલા 5 થી વધુ મુખ્ય પ્રોજેક્ટના કામ 2 વર્ષથી અધ્ધરતાલ, મંથરગતિની કામગીરીથી સ્થાનિકો ત્રાહિમામ

|

Jul 14, 2023 | 5:45 PM

Rajkot: પૂર્વ CM રૂપાણીએ ખાતમુહૂર્ત કરેલા 5 થી વધુ પ્રોજેક્ટનું કામ છેલ્લા બે વર્ષથી અધ્ધરતાલ છે. કામ પૂર્ણ ન થતા સ્થાનિકો પરેશાન છે. એકપણ કામ સમયમર્યાદામાં પૂર્ણ થયુ નથી ત્યારે આ ગોકળગાયની ગતિએ ચાલતા કામ પાછળ કોંગ્રેસે કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગત ગણાવી છે.

Rajkot: પૂર્વ CM રૂપાણીએ ખાતમુહૂર્ત કરેલા 5 થી વધુ મુખ્ય પ્રોજેક્ટના કામ 2 વર્ષથી અધ્ધરતાલ, મંથરગતિની કામગીરીથી સ્થાનિકો ત્રાહિમામ

Follow us on

રાજકોટ શહેરને સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે. વિકાસની દ્રષ્ટિએ રાજકોટ હરણફાળ ગતિએ આગળ વધતું શહેર છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ વિકાસને લુણો લાગ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે. શહેરના વિકાસકામોની જાહેરાત થઇ, ટેન્ડર બહાર પડ્યાં અને કામગીરી પણ સોંપાઇ પરંતુ એકપણ કામ તેની સમય મર્યાદામાં પૂર્ણ થયું નથી.

ગોકળગાયની ગતિએ ચાલતા કામને કોંગ્રેસે કોન્ટ્રાકટ સાથેની મિલીભગત ગણાવી છે. જો કે કેટલાક લોકો આ ધીમી કામગીરી પાછળ સરકારમાં થયેલી ઉથલપાથલને પણ જવાબદાર ગણી રહ્યા છે પરંતુ રાજકોટવાસીઓ સવાલ પુછી રહ્યા છે કે આ કામો ક્યારે પુરા થશે?

રાજકોટ શહેરના એવા કેટલાય પ્રોજેક્ટો છે જેની સમય મર્યાદા પૂર્ણ થઇ હોવા છતા આ કામો હજુ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે આ વિકાસના કામો પૈકી મોટાભાગના કામોનું ખાતમુહૂર્ત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું. રાજ્યમાં સરકાર બદલાઇ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અઘ્યક્ષતામાં નવી સરકાર પણ બની ગઇ પરંતુ આ કામો હજુ પૂર્ણ થયા નથી.આ તમામ પ્રોજેક્ટ રૂપાણી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ હતા. હવે વાંચો આ પ્રોજેક્ટની યાદી.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

પ્રોજેક્ટ નંબર 1

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ

રાજકોટના નવા 150 ફુટ રિંગરોડના વિકાસ માટે રાજ્ય સરકાર દ્રારા મહાનગરપાલિકા હસ્તક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અમલમાં મૂક્યો 136 કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટમાં નવું રેસકોર્ષ ડેવલપ કરવાનું આયોજન હતું. જે પેટે પ્રથમ અટલ સરોવરનું ડેવલોપમેન્ટ હાથ ધરાયું છે, જે અંતર્ગત પર્યટન સ્થળ, શોપિંગ મોલ, વોક વે, લેક વ્યૂ સહિત તૈયાર કરવાનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ ઓગસ્ટ 2022 માં પૂર્ણ કરવાનો હતો પરંતુ હતુ એક વર્ષ વિતવા છતા હજુ પ્રોજેક્ટ પૂરો થયો નથી.

પ્રોજેક્ટ નંબર 2
જનાના હોસ્પિટલ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની સગર્ભા માતાઓ માટે રાજ્ય સરકાર દ્રારા જનાના હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ આ હોસ્પિટલ જર્જરીત હાલતમાં હતી. જેથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હોસ્પિટલના નવિનીકરણ માટે ગ્રાન્ટ ફાળવી અને 104 કરોડના ખર્ચે 9 માળની જનાના હોસ્પિટલ તૈયાર કરાઇ. જેમાં 200 બેડ સગર્ભા મહિલાની સારવાર માટે જ્યારે 300 બેડ બાળકોના વિભાગ માટે તૈયાર કરાયા અહીં પણ કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા બે વખત પૂરી થઇ જવા છતા હજુ આ બિલ્ડીંગનું લોકાર્પણ થયું નથી.

પ્રોજેક્ટ નંબર 3
માધાપર ચોકડી ઓવરબ્રિજ

શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્રારા જામનગર રોડથી રાજકોટ તરફ ઓવરબ્રિજ અને મોરબી રોડ થી 150 ફૂટ રિંગરોડ તરફ અંડરબ્રિજની ડિઝાઇન સાથે ઓક્ટોબર 2020માં 64 કરોડના ખર્ચે આ કામગીરી સોંપવામાં આવી અને 15 મહિનામાં આ કામ પૂરુ કરવાનું હતું પરંતુ હજુ પ્રથમ તબક્કાનું કામ પણ પૂર્ણ થયું નથી. કોન્ટ્રાક્ટરને છેલ્લે તો જૂન 2023ની મુદ્દત આખરી મુદ્દત આપી તો પણ આ કામગીરી પૂર્ણ થઇ નથી.

પ્રોજેક્ટ નંબર 4

રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઇવે

3488 કરોડનો આ પ્રોજેક્ટ રાજકોટથી અમદાવાદ મુસાફરી કરવા જતા લોકો માટે માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. અત્યંત મંથર ગતિએ ચાલતો આ પ્રોજેક્ટ વર્ષ 2020માં પૂર્ણ કરવાનો હતો પરંતુ ત્રણ વર્ષ વિતવા છતા હજુ આ કામ પૂર્ણ થયું નથી. એજન્સીએ છેલ્લી તારીખ 30 જૂન આપી હતી. તે પણ હજુ પૂર્ણ થઇ નથી. ચોંકાવનારી વાત તો એ છે કે કોન્ટ્રાક્ટર કંપનીને રીતસર સરકાર છાવરતી હોય તેવો ઘાટ ઘડાયો છે અને હજુ પણ કામ અઘુરૂ છે.

પ્રોજેક્ટ નંબર 5
કે કે વી હોલ ઓવરબ્રિજ

શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા 129 કરોડના ખર્ચે ઓવરબ્રિજ પર ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો. આ બ્રિજની મુદ્દતમાં પણ ત્રણ વખત વધારો કરવામાં આવ્યો અંતે 10 જુલાઇના રોજ અંતિમ મુદ્દત હતી. આ બ્રિજ તૈયાર તો થયો પરંતુ હજુ લોકાર્પણનું મુહૂર્ત ન આવતા ખુલ્લો મુકાયો નથી.

આ ઉપરાંત રાજકોટના જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડીંગ પણ બની રહી છે જેનું ઉદ્દઘાટન ક્યારે થશે તે મોટો સવાલ છે.

આ પ્રોજેક્ટની સાથે સાથે રાજકોટવાસીઓને આજી રિવરફ્રન્ટ, રામનાથપરા મંદિર નવીનીકરણ અને સાંઢિયા પુલ સહિતના પ્રોજેક્ટ સરકાર ક્યારે હાથમાં લેશે તે એક મોટો સવાલ ઉભો થઇ રહ્યો છે.

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે રાજ્યમાં સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થવાને કારણે તેની સીધી જ અસર કોન્ટ્રાક્ટની પડતર પર થાય છે અને કોન્ટ્રાક્ટર ભાવવધારો માંગે છે. પરિણામે પ્રજાના રૂપિયાનો વ્યય થાય છે. સરકાર કોન્ટ્રાક્ટર પાસેથી ચૂંટણી ફંડ લે છે અને ક્યાંક ભાગીદારી છે જેના કારણે આ કામ પુરા થઇ રહ્યા નથી.

આ પણ વાંચો : Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, રાજ્યના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના સત્તાધીશોનું બેસણું યોજ્યુ

રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ હોવાનો લોકોનો મત !

રાજકોટના બુદ્ધિજીવી નાગરિકો માની રહ્યા છે કે શહેરમાં ધીમી ગતિએ કામો ચાલવા પાછળ રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે. આ તમામ પ્રોજેક્ટો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટ હતા જેથી વર્તમાન સરકાર આ કામગીરીમાં જે રસ દાખવતા નથી અને કોન્ટ્રાક્ટરો અલગ અલગ બ્હાના બતાવીને કામ ધીમી ગતિએ કરી રહ્યા છે.એટલું જ નહિ જે કામગીરી કરી રહ્યા છે તે પેધી ગયેલા કોન્ટ્રાક્ટરો છે જેને કલેક્ટર કે અન્ય કોઇ અધિકારી પણ કંઇ કહી શકતા નથી. સરકાર દ્રારા કરવામાં આવતી રિવ્યૂ બેઠક માત્ર ચા બિસ્કીટ પુરતી મર્યાદિત હોય તેવો ઘાટ ઘડાયો છે.

આ તરફ ભાજપે પોતાનો બચાવ કર્યો હતો. ભાજપના નેતા રાજુ ધ્રુવનું કહેવું છે કે કોરોના કાળ ગયા બાદ અલગ અલગ પ્રોજેક્ટના કામોમાં વિલંબ થયો છે પરંતુ સરકાર આ બાબતે ચિંતિત છે અને રાજકોટ શહેરના તમામ વિકાસકામો જલદી પુરા થઇ જાય તે માટે કટીબદ્ધ છે અને અધિકારીઓ પાસે રિવ્યૂ પણ લેવામાં આવી રહ્યા છે. જે પ્રોજેક્ટમાં કોન્ટ્રાકટરો ધીમું કામ કરી રહ્યા છે તેને શો કોઝ નોટિસ અપાઇ છે અને જો કોન્ટ્રાક્ટર બદલે તો તેની કામ પર અસર થાય છે. જેથી કોન્ટ્રાક્ટરને જલદી કામ પૂરા કરવાની તાકીદ કરાઇ છે.

કારણ રાજકીય હોય કે કોન્ટ્રાક્ટરનું ટેક્નિકલ કારણ હોય પરંતુ ધીમી ગતિએ ચાલી રહેલા કામને કારણે રાજકોટવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે. ગોકળગાયની ગતિએ ચાલતા આ કામોએ અનેક સવાલો ઉભા કર્યા છે. જોવાનું રહેશે ક્યારે આ કામો પુરા થાય છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article