રાજકોટ મહાનગર પાલિકાની કામગીરી કેવી છે તે તાજેતારમાં જ બનાવાયેલા આ રોડની સ્થિતિ જોઈને સમજી શકાય છે. નવા બનેલા 150 ફુટ રિંગ રોડ પર હાલ ખાડારાજ જોવા મળી રહ્યુ છે. અડધો કિલોમીટર વિસ્તારમાં આ રોડ એટલી હદે ખખડધજ બન્યો છે કે વાહનચાલકો ભારે પરેશાની વેઠી રહ્યા છે. ખાડાઓમાંથી પસાર થતા વાહનચાલકોને કમર અને મણકાના દુખાવા સહિતની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. અહીંથી વાહન લઈને નીકળવુ એ જીવ પડીકે બાંધીને નીકળવા જેવુ છે. સ્હેજ પણ જો આમતેમ થયા તો વાહનસાથે તમે ધબાય નમ:થઈ શકો છે.
પાલિકાના ભ્રષ્ટ વહીવટને પાપે શહેરીજનો ખાડામાં હિલોળા લેવા લાચાર બની રહ્યા છે. આ રોડ પરથી રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે છતા તંત્રને રોડની મરમ્મત કરાવવાનુ હજુ સૂજતુ નથી. ખાડાગ્રસ્ત રોડમાં વાહનો ચલાવવાથી લોકોના વાહનોને પણ પારાવાર નુકસાન થઈ રહ્યુ છે. શહેરીજનો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસુલતુ તંત્ર નામ માત્રની પણ સુવિધા પણ નથી આપી શકતુ. તાજેતરમાં જ બનાવાયેલા રોડની જો આ સ્થિતિ હોય તો જુના રોડનુ તો પૂછવુ જ શું. દર વર્ષે ચોમાસે આ પ્રકારે જ રોડ બેસી જવા, રસ્તા ધોવાઈ જવા, રસ્તા પર મસમોટા ખાડા પડવા સહિતની સમસ્યાઓનો શહેરીજનોને સામનો કરવો પડે છે. પરંતુ તંત્ર તેના ભ્રષ્ટ વહીવટમાંથી બહાર નથી આવતુ.
આ રોડથી અડધા કિલોમીટરના અંતરેથી જ સ્માર્ટ સિટી શરૂ થઈ જાય છે ત્યારે સ્માર્ટ સિટીના રોડને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે છે તો આ રોડ પ્રત્યે મનપાનું ધ્યાન કેમ નથી જઈ રહ્યુ તે પણ મોટો સવાલ છે. ડાયવર્ઝન હોવાના કારણે હજારો ભારે વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે રોડ પરના ખાડાના કારણે મોટો અકસ્માત થવાની પણ શક્યતા રહેલી છે. સત્વરે જો મનપા દ્વારા આ ખાડાઓ પૂરવામાં નહીં આવે અને રોડની મરમ્મત કરવામાં નહીં આવે તો અહીં અનેક અકસ્માત થઈ શકે છે. રાજકોટ મહાનગરપાલિકાનુ સ્માર્ટ સિટી જ્યાંથી શરૂ થાય છે અને જ્યાં પુરુ થાય છે એ બંને તરફના રસ્તાઓ અત્યંત બિસમાર હાલતમાં છે અને તેને લઈને યોગ્ય આયોજન કરવુ ખૂબ જરૂરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો