આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા બોલાવશે જમાવટ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદનું એલર્ટ- Video
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રથી લઇને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં 3થી 4 ઇંચ વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી 2 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે. અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ ભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં એક-બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ જશે. દક્ષિણ બાદ ઉત્તરના રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થશે, પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હાલમાં જ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ચાર જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું અનુમાન સેવાઇ રહ્યું છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં વાજતે ગાજતે ચોમાસાની એન્ટ્રી થવા જઈ રહી છે. ચોમાસું હવે ગણતરીના કલાકોમાં જ ગુજરાતમાં એન્ટ્રી કરશે. એવું કહો કે વાવણી લાયક વરસાદની હવે ઘડીઓ ગણાઈ રહી છે. મુંબઈ પહોંચ્યા બાદ વિસેક દિવસ વિરામ લઈ, ગુજરાતના ખેડૂતોના લાંબી રાહ જોવડાવનાર મેઘરાજાની સવારી હવે સંપૂર્ણ પણે ગુજરાતમાં પધારવા માટે તૈયાર છે.
બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય થઈ ગયા છે. એક બાદ એક 5-6 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે ગુજરાત સુધી ભેજવાળા પવનોનું જોર વધ્યું છે. ઉત્તરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, બંગાળની ખાડીમાં 2-2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેના કારણે ટ્રફ લાઈન સર્જાઈ રહી છે. જે વરસાદી પવનોને ખેંચી રહ્યા છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં હાલ અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાંથી ભેજવાળા પવનોનું આગમન શરૂ થશે. એ સાથે જ વરસાદી ગતિવિધિઓને અને ચોમાસાને જોરદાર વેગ મળશે. ન માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે. હાલ જે પ્રમાણેની સ્થિતિ છે એ જોતા એવું લાગી રહ્યું છે કે એક વખત દક્ષિણ ગુજરાતમાં ચોમાસું એન્ટર થયા બાદ તીવ્રતાથી આગળ વધી શકે છે અને એકાદ બે દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને કવર કરી શકે છે. કારણ કે ન માત્ર અરબ સાગર પરંતુ વાયા મધ્ય પ્રદેશ તરફથી બંગાળની ખાડીના ભેજવાળા પવનો પણ આવી રહ્યા છે.
અલગ અલગ વેધર મોડલના આધારે જે અનુમાન છે એ પ્રમાણે 20 જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છવાશે. ન માત્ર હળવો પરંતુ ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું જોર રહી શકે છે. આમ ગરમીથી હવે છૂટકારો મળવા જઇ રહ્યો છે અને ધોધમાર વરસાદના દિવસો આવી રહ્યા છે.