લો કરી લ્યો વાત! રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલે બેડના અભાવે પ્રસુતાની બહાર પરિસરમાં જ કરી નાખી ડિલિવરી- જુઓ Video
રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પદ્મકુંવરબા હોસ્પિટલના પરિસરમાં જ પ્રસુતા મહિલાની ડિલિવરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં બેડના અભાવે પ્રસુતાને બહાર જવા કહેવાયુ હોવાનો આક્ષેપ કરાયો છે.
રાજકોટની ગુંદાવાડીમાં આવેલી સિવિલ હોસ્પિટલના ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. બેડના અભાવે પદ્મકુંવરબા હોસ્પિટલના પરિસરમાં જ પ્રસુતાની ડિલિવરી કરવાની ફરજ પડી હતી. બેડના અભાવે મહિલાની હોસ્પિટલ પરિસરમાં જ ડિલિવરી કરાઈ હતી. ડિલિવરી દરમિયાન મહિલા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અદ્યતન સરકારી હોસ્પિટલોના દાવા વચ્ચે વરવી હકીકત સામે આવી છે. સારવાર માટે ગયેલા દર્દીને જો આ પ્રકારની હાલાકી ભોગવવી પડે તો આરોગ્ય સેવા સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે.
પ્રસુતાની બહાર પરિસરમાં કરાઈ ડિલિવરી
દર્દથી કણસતા દર્દીને મનમાં એક આશ્વાસન હોય છે કે હોસ્પિટલ પહોંચી ગયા પછી યોગ્ય સારવાર થશે. પરંતુ આ પદ્મકુંવરબા હોસ્પિટલમાંથી જે દૃશ્યો સામે આવ્યા છે, તે એ વાતની ચાડી ખાઈ રહ્યા છે કે હોસ્પિટલનું તંત્ર કેટલુ બેદરકાર છે. કોઈ મહિલાની રસ્તા વચ્ચે ડિલિવરી કરવાની નોબત આવે ત્યાં સુધી કોઈ હોસ્પિટલ પ્રશાસન બેદરકાર કેમ થઈ શકે. વોર્ડથી માત્ર 100 મીટરના અંતરે હોસ્પિટલના પરિસરમાં ડિલિવરી કરવામાં આવી રહી છે અને સિવિલ તંત્રમાંથી કોઈ જ અધિકારીનું તેના પર ધ્યાન પણ જતુ નથી.
વોર્ડથી પરિસરનું 100 મીટરનું અંતર છતા કેમ કરાઈ બહાર ડિલિવરી ?
આ સમગ્ર ઘટના અંગે કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ પણ સવાલ ઉઠાવતા જણાવ્યુ કે ગુજરાત માટે આ કાળી ટીલસી સમાન ઘટના છે. આ તરફ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટે લુલો બચાવ કર્યો કે પ્રસુતા વોર્ડમાં એડમિટ હતી પરંતુ ત્યાંથી બહાર નીકળી ગયા. 2 થી 3 મિનિટમાં તેમને લેબર પેઈન ઉપડ્યો અને ડિલિવરી થઈ ગઈ. આવી ઘટના ફરી ન બને તે માટે તપાસ કરીશુ અને કોઈની ભૂલ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. જો કે અહીં સવાલ તો એ ઉઠી રહ્યા છે કે વોર્ડથી 100 મીટરનું પણ અંતર ન હોવા છતા મહિલાની બહાર ડિલિવરી કરવામાં આવી કે એ કોના કહેવાથી. મહિલા વોર્ડમાંથી જાતે શા માટે બહાર નીકળી જાય? સુપ્રીન્ટેન્ડેન્ટ બચાવ કરી રહ્યા છે પરંતુ એ તો વિચારે કે જે માણસ સારવાર માટે આવ્યુ હોય એ વોર્ડમાંથી શા માટે બહાર જાય? હોસ્પિટલમાંથી જ તેને બહાર નીકળી જવા માટે કહેવાયુ હોવાનો પ્રસુતાના સ્વજનોનો સીધો આરોપ છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો