રાજકોટમાં કોંગ્રેસનો ફરી ફસાયો પેચ, પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દેતા ફરી ઉમેદવારની શોધમાં કોંગ્રેસ- વીડિયો
રાજકોટથી કોંગ્રેસના ઉમેદવારને લઈને હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. પહેલા પરેશ ધાનાણીના નામની ચર્ચા હતી કે તેઓ ચૂંટણી લડશે પરંતુ છેલ્લી ઘડીએ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે ત્યારે કોંગ્રેસ મજબુત ઉમેદવારની શોધમાં છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની સ્થિતિ દિવસે દિવસે વધુ કથળી રહી છે અને તેમના એકબાદ એક ઉમેદવારો રણછોડ બની રહ્યા છે. ત્યારે હવે સવાલ એ છે કે રાજકોટથી કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે.
આ વખતના લોકસભા ચૂંટણીના મહાસંગ્રામમાં કોંગ્રેસની મુશ્કેલી વધી ગઈ છે. ખાસ કરીને રાજકોટ બેઠક પર કોંગ્રેસને કોઈ મજબુત ઉમેદવાર નથી મળી રહ્યા. ભાજપે રાજકોટથી કડવા પાટીદાર ચહેરા પુરુષોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે ત્યારે રૂપાલાની સામે કોંગ્રેસ પરેશ ધાનાણીને ચૂંટણી લડાવવાનું વિચારી રહી હતી પરંતુ પરેશ ધાનાણીએ છેલ્લી ઘડીએ જ નનૈયો ભણી દેતા કોંગ્રસેની સ્થિતિ કફોડી બની છે.
સૌરાષ્ટ્રમાં હાલ કોંગ્રેસના ગીરસોમનાથથી વિમલ ચુડાસમા એકમાત્ર ધારાસભ્ય બચ્યા
સૌરાષ્ટ્રમાં કોગ્રેસનો સફાયો થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો હાલ એકમાત્ર એક જ ધારાસભ્ય બચ્યા છે જે છે ગીરસોમનાથના વિમલ ચુડાસમા. આ અગાઉ પોરબંદરથી અર્જુન મોઢવાડિયા રાજીનામુ આપી ચુક્યા છે. માણાવદરથી અરવિંદ લાડાણી પણ કોંગ્રેસને અલવિદા કરી ચુક્યા છે. ત્યારે સંગઠનમાં સામેલ અનેક મહત્વના નેતાઓએ પણ કોંગ્રેસને રામ-રામ કર્યા છે. હવે કોંગ્રસની હાલત એવી છે કે દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી લડવાથી પાછીપાની કરી રહ્યા છે.
રાજકોટ બેઠક પર ઉમેદવારની પસંદગી અંગે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ જણાવ્યુ કે કોંગ્રેસ ઉમેદવારને લઈને ટૂંક સમયમાં નિર્ણય કરશે. રાજકોટ એ હાઈપ્રોફાઈલ સીટ છે. સૌરાષ્ટ્રનું પાટનગર છે આથી અહીં મજબુત ઉમેદવાર જોઈએ, જો કે ઈન્દ્રનિલ રાજ્યગુરુનું જૂથ 2009નુ પૂનરાવર્તન કરવા પાટીદાર વર્સિસ ઓબીસી માટે વિક્રમ સોરાણીના નામનું લોબિંગ કરી રહ્યુ છે, તેવી પણ ચર્ચા છે.
2002માં ધાનાણીએ રૂપાલાને 16000 મતથી હરાવ્યા
રાજકોટથી ભાજપે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસે રૂપાલાને ટક્કર આપવા માટે પરેશ ધાનાણીને મેદાને ઉતારવાનું નક્કી કર્યુ હતુ. પરંતુ પરેશ ધાનાણીએ 2002ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી બેઠકથી રૂપાલાને 16 હજાર મતોથી હરાવ્યા હતા. પરંતુ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દેતા હવે 22 વર્ષ બાદ એ જંગ ફરી જોવા નહીં મળે.
રાજકોટ પહેલેથી રહ્યુ છે ભાજપનો ગઢ
રાજકોટ પહેલેથી હાઈપ્રોફાઈલ બેઠક રહી છે. જનસંઘ વખતથી રાજકોટ પર ભાજપની પકડ રહી છે. જનસંઘના સમયથી અહીથી આ પક્ષ જીતતો આવ્યો છે. પાછળથી જનસંઘનું ભાજપ થયુ અને રાજકોટ ભાજપનો ગઢ બની ગયુ છે. રાજકોટ એ સૌરાષ્ટ્રની મહત્વની બેઠક ગણાય છે. અહીના રાજકારણની સૌરાષ્ટ્રભરના અલગ અલગ જિલ્લાઓમાં છાંટ અને અસર જોવા મળે છે. હાલ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની સ્થિતિ અત્યંત કફોડી બની છે અને કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.
રાજકોટમાં પાટીદાર મતદારો કિંગમેકરની ભૂમિકામાં
રાજકોટ બેઠક પર કુલ 23 લાખ મતદારો છે. જેમા સૌથી વધુ પાટીદાર મતદારો છે. લેઉવા અને પાટીદાર મતદારોની સંખ્યા 4-4 લાખ છે. આ ઉપરાંત 3 લાખ સવર્ણ જ્ઞાતિના મતદારો છે. જેમા બ્રાહ્મણ, લોહાણા, જૈન વાણીયા અને સોની છેે. 2.75 લાખ કડીયા, સુથાર સહિત ઈત્તર જ્ઞાતિના મતદારો છે. 3 લાખથી વધુ કોળી મતદારો છે, જ્યારે 12 લાખ પુરુષ મતદારો અને 11 લાખ સ્ત્રી મતદારો છે. રાજકોટ લોકસભા બેઠક પર 35 ટકા ગ્રામીણ વિસ્તારની અને 65 ટકા શહેરી વિસ્તાર આવે છે.
હાલના તબક્કે તો રાજકોટમાં ભાજપની સ્થિતિ ખુબ મજબૂત જોવા મળી રહી છે. જો કે સામે કોંગ્રેસમાં અનેક ડખાં જોવા મળી રહ્યા છે. ઉમેદવારની પસંદગી થઇ નથી અને જૂથવાદ પણ તેની ચરમ પર છે. આવી સ્થિતિમાં કેવી રીતે રાજકોટમાં કોંગ્રેસ કમાલ કરશે. તે સૌથી મોટો સવાલ છે.
આ પણ વાંચો: અમરેલી બેઠક પરથી કોંગ્રેસે શિક્ષિત, લડાયક, પાટીદાર યુવા મહિલા ચહેરા તરીકે જેની ઠુમ્મરની કરી પસંદગી