અમરેલી બેઠક પરથી કોંગ્રેસે શિક્ષિત, લડાયક, પાટીદાર યુવા મહિલા ચહેરા તરીકે જેની ઠુમ્મરની કરી પસંદગી
અમરેલી બેઠક પર કોંગ્રેસ પક્ષે સત્તાવાર રીતે તેમના ઉમેદવારની ઘોષણા કરી દીધી છે. આ બેઠક પર શિક્ષિત,લડાયક, યુવા અને પાટીદાર મહિલા ચહેરા તરીકે જેની ઠુમ્મર પર પસંદગી ઉતારી છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર વર્ચસ્વ ધરાવતી બેઠક પર પ્રથમવાર પાટીદાર મહિલાને ચૂંટણી મેદાને ઉતારી કોંગ્રેસે ભાજપને બરાબર ટક્કર આપવાનું મન બનાવ્યુ છે.
અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર તરીક કોંગ્રેસે સત્તાવાર રીતે જેની ઠુમ્મરનુ નામ જાહેર કર્યુ છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં આ બેઠક અતિ મહત્વની ગણાય છે. આ બેઠક પર હજુ સુધી ભાજપ દ્વારા કોઈ ઉમેદવાર જાહેર નથી કરાયો. જેના કારણે આ બેઠક વધુ ચર્ચાસ્પદ બની છે. કોંગ્રેસે અહીંથી શિક્ષિત, યુવા મહિલા અને પાટીદાર ચહેરા પર પસંદગી ઉતારી ભાજપને બરાબરની ટક્કર આપવાનું મન બનાવ્યુ છે. અમરેલી લોકસભા બેઠકની જો વાત કરીએ તો અહીં સતત ત્રણ ટર્મથી ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા જીતતા આવ્યા છે, કોંગ્રેસ અત્યાર સુધી અહીંથી વીરજી ઠુમ્મરને ટિકિટ આપતી આવી છે. વીરજી ઠુમ્મર અમરેલીથી 2004માં કોંગ્રેસના સાંસદ બન્યા હતા. આ વખતે કોંગ્રેસે વીરજી ઠુમ્મરના પુત્રી જેની ઠુમ્મર પર પસંદગી ઉતારી છે.
અભ્યાસ
- જેની ઠુમ્મરે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાંથી 2003માં કોમ્પ્યુટર સાઈન્સમાં ગ્રેજ્યુએટ થયા
- 2004માં તેમણે લંડનની ફોર્બ્સ ઈન્સ્ટીટ્યુટમાંથી કોમ્પ્યુટર સાયન્સ ફાઉન્ડેશનનો કોર્સ કર્યો
- 2006માં તેમણે લંડનની લિટેન કોલેજમાંથી ડિપ્લોમાં ઈન્ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો
- 2008માં લંડનની મિડલસેક્સ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કરેલુ છે.
કોણ છે જેની ઠુમ્મર?
2008થી સક્રિય રાજકારણમાં આવનારા જેની ઠુમ્મર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અન પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરના પુત્રી છે. લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા જેની ઠુમ્મર અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વર્ષ 2015થી 2018 સુધી મહત્વપૂર્ણ કામગીરી કરી ચુક્યા છે. કોંગ્રેસે અમરેલી લોકસભા બેઠક પરથી જેની ઠુમ્મરને મેદાને ઉતારી પાટીદાર અને મહિલા બંને કાર્ડ રમવાનો પ્રયાસ કર્યો છે. અનેક મહિલાઓના ગૃપ સાથે સંકળાયેલા હોવાના કારણે જિલ્લાની મહિલાઓની નાડ જેની બરાબર પારખે છે. વારસામાં મળેલા રાજકારણને કારણે જેની ઠુંમર એક પરિપકવ નેતા તરીકે અમરેલી અને સમગ્ર ગુજરાત કોંગ્રેસમાં સારી નામના ધરાવે છે
ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ જેની ઠુમ્મરની સમગ્ર જિલ્લામાં શિક્ષિત મહિલા નેતા તરીકેની ઓળખ ધરાવે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી સમયે અનેક જિલ્લાઓ અને રાજ્યમાં તેમન મહિલા નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. 2023માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી સમયે ઝાલાવાડ બેઠક પરથી કોંગ્રેસના નિરીક્ષક તરીકેની તેઓ જવાબદારી પણ નિભાવી ચુક્યા છે. 2018 થી 2021 સુધી તેઓ ઈન્ડિયન યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી પણ રહી ચુક્યા છે.
શિક્ષિત મહિલા નેતાની ઓળખ ધરાવતા જેની ઠુમ્મર આ મુદ્દાઓને લઈને જનતા વચ્ચે જશે
અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પસંદગી થતા જેની ઠુમ્મરે શિર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યુ કે આ ચૂંટણીમાં મન કી બાત અને 26 માંથી 26ની હેટ્રિક મારવા સહિતના તમામ દાવાઓ ખોખલા સાબિત થશે. તેમા શંકાને કોઈ સ્થાન નથી કે લોકોની સમસ્યાઓ વિકરાળ બની છે. લોકોના અનેક પ્રશ્નો છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 15 વર્ષથી જિલ્લામાં ભાજપના સાંસદ છે. ડબલ એન્જિનની સરકાર હોવા છતા લોકોની અનેક સમસ્યાઓ છે. અમરેલી જિલ્લામાંથી યુવાનો માઈગ્રેટ કરી રહ્યા છે. જિલ્લામાં પાંચેપાંચ ધારાસભ્યો ભાજપના છે છતા વિકાસની રફ્તારને બ્રેક લાગી ગઈ છે. તેમણે કહ્યુ હું અમરેલીની દીકરી છુ અને જ્યારે દીકરીઓ આગળ આવી છે ત્યારે આ દીકરી જીત સુધી પહોંચશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.
જેની ઠુમરના પિતા પણ અગાઉ સાંસદ રહી ચૂક્યા છે
23 એપ્રિલ 1994ના રોજ જન્મેલા જેની ઠુમ્મર 41 વર્ષના છે. તેઓ પરિણિત છે અને સંતાનમાં તેમને બે દીકરીઓ છે. જેની ઠુમ્મર રાજકીય પરિવારમાંથી આવે છે. પિતા વીરજી ઠુમ્મર કોંગ્રેસના લડાયક અને સિનિયર નેતા છે. અગાઉ સાંસદ અને ધારાસભ્ય રહી ચુક્યા છે. હવે કોંગ્રેસ પક્ષે તેમની દીકરીને તક આપી છે. ત્યારે બનાસકાંઠાની જેમ જ અમરેલી બેઠક પર પણ ચૂંટણીનો જંગ રસપ્રદ બનશે