RAJKOT : ધોરાજીમાં અતિવૃષ્ટિથી ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન, સર્વેની કામગીરીને લઇને ખેડૂતોના સવાલો
ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકના ખેડૂતોની હાલત છેલ્લા બે વર્ષથી કફોડી છે. અતિ વૃષ્ટિ લોક ડાઉન અને માવઠા જેવા માર સહન કર્યા છે. અને આર્થિક નુકસાન પણ ભોગવ્યું છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભાદરવામાં પડેલ ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુક્સાન થયું છે. સરકારે સર્વે કરવાની ખાત્રી તો આપી. પરંતુ સર્વેની ઢીલી કામગીરીથી ખેડૂતોમાં પણ રોષ છે. અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ સર્વેની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.
ભાદરવામાં આફત બની અને વરસેલા વરસાદએ ખેતરોમાં વિનાશ વેર્યો, ખેતરોમાં ઉભો પાક ભારે વરસાદને કારણે નષ્ટ થઈ ગયો, ધોરાજીમાં ખેડૂતોએ અનેક આકાશી અને માનવ સર્જિત આફતોનું સામનો કરી ચૂક્યા હતા. આ વર્ષ ધોરાજીના ધરતી પુત્રોને આશા હતી કે વરસાદ સારો થશે. પાકનું ઉત્પાદન સારું મળશે. અને બજારમાં પાકના સારા ભાવ મળશે. તો ધરતી પુત્રો દેવાના ડુંગરમાંથી બહાર આવશે. આવી આશાએ ધોરાજીના ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું. મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવા ખાતર સહિતના ખર્ચ કરી અને વાવેતર કર્યું અને પાક લેવાનો સમય આવ્યો. ત્યારે ભાદરવા મહિનામાં પડેલ ભારે વરસાદથી ખેડૂતોનો ઊભો પાક બળી ગયો, અને પાકમાં આવેલ ફાલ ખરી ગયો, આમ ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો.
ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકના ખેડૂતોની હાલત છેલ્લા બે વર્ષથી કફોડી છે. અતિ વૃષ્ટિ લોક ડાઉન અને માવઠા જેવા માર સહન કર્યા છે. અને આર્થિક નુકસાન પણ ભોગવ્યું છે. આ વર્ષે પણ ભાદરવામાં વરસેલા ભરપૂર વરસાદને કારણે ખેતરોમાં ઉભો પાક બળી ગયો છે. ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો. અને હવે ખેડૂતો પાસે માત્ર ને માત્ર મહેનત સિવાય કાઈ બચ્યું નથી. ખેડૂતો એ એક વીઘા દીઠ આઠ થી દસ હજારનો ખર્ચ કર્યો તમામ ખર્ચ પાણીમાં ગયો.
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ સર્વેની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. લલિત વસોયા એ કહ્યું કે ધોરાજી ઉપલેટાના ભાદર-2, મોજ, વેણુ સહિતના ડેમો ઓવરફલો થયા અને ડેમમાંથી પાણી છોડવાને કારણે અને ભારે વરસાદ વરસતા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન અને ધોવાણ થયું છે. સર્વેના અધિકારીઓ સર્વેની કામગીરીમાં ઢીલી નીતિ અપનાવી રહ્યા છે.
ખેડૂતો સરકાર સમક્ષ ફરી રી સર્વે કરવા માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ધિરાણએ નાણા લઈ અને વાવેતર કર્યું છે. હવે જો સહાય નહિ મળે તો શિયાળુ પાક વાવેતર નહિ કરી શકે.