ગુજરાતમાં જમીન કૌભાંડનું પાકિસ્તાન કનેક્શન, પાકિસ્તાની પાવર ઓફ એટર્ની ચકાસ્યા વિના નવસારીમાં થયા 7 દસ્તાવેજ

શું પાકિસ્તાની પાવર ઓફ એટર્નીના આધારે ભારતમાં દસ્તાવેજ બની શકે ? કદાચ આપનો જવાબ ના હશે, પરંતુ સામે આવેલી એક ઘટનાએ ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલી નાખી છે. નવસારીમાં 10 વર્ષ અગાઉ 2013માં નવસારીના જલાલપોરના સિમલકની વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની 36 હજાર ચો.મી. જમીનમાં પાકિસ્તાનના કરાચીમાં રહેતી જૈનબ મુસા નાના દ્વારા પાવર ઓફ એટર્ની મોકલવામાં આવી.

ગુજરાતમાં જમીન કૌભાંડનું પાકિસ્તાન કનેક્શન, પાકિસ્તાની પાવર ઓફ એટર્ની ચકાસ્યા વિના નવસારીમાં થયા 7 દસ્તાવેજ
| Edited By: | Updated on: Nov 15, 2023 | 7:03 PM

નવસારીના જલાલપોર તાલુકાના સિમલક ગામે અહીં પાકિસ્તાની પાવર ઓફ એટર્નીને આધારે, એક, બે નહીં પૂરા 7 દસ્તાવેજ થયા. ભારત સરકારના જમીન-મકાન સંબંધિત 1999ના કાયદા મુજબ, ભારતમાંથી છૂટા પડેલા 8 દેશોના નાગરિકો ભારતમાં જમીન ખરીદ-વેચાણ કરી શકતા નથી.

તેવા સંજોગોમાં નવસારીમાં 10 વર્ષ અગાઉ પાકિસ્તાની મહિલાએ આપેલા પાવર ઓફ એટર્નીને આધારે જલાલપોર સબ રજીસ્ટ્રારે 7 દસ્તાવેજોની નોંધણી કરી દીધી. સમગ્ર મુદ્દો બે વર્ષ અગાઉ રાજ્ય સરકારના ધ્યાને આવ્યા બાદ જિલ્લા કલેકટરે રિવ્યુમાં લઈને નોંધણી રદ કરવાનો હુકમ કર્યો હતો. પરંતુ રદ્દ થવાની યોગ્ય નોંધ પડી ન હોવાની ચર્ચા ઉઠતા ફરી તંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર મુદ્દે તત્કાલીન જવાબદાર અધિકારીએ બેદરકારી દાખવી હોવાનો રિપોર્ટ સરકારમાં કર્યો છે.

10 વર્ષ અગાઉ 2013માં નવસારીના જલાલપોરના સિમલકની વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની 36 હજાર ચો.મી. જમીનમાં પાકિસ્તાનના કરાચીમાં રહેતી જૈનબ મુસા નાના દ્વારા પાવર ઓફ એટર્ની મોકલવામાં આવી. જેનો ઉપયોગ કરી 7 દસ્તાવેજોની નોંધ તત્કાલીન જલાલપોર સબ રજિસ્ટ્રાર દ્વારા પાકિસ્તાની જૈનબ મુસાની જમીન અંગેની પાવર ઓફ એટર્ની ચકાસ્યા વિના જ દસ્તાવેજના નંબર પાડી નોંધ કરી દીધી.

આ સમગ્ર પ્રકરણ વર્ષ 2018 રાજ્ય સરકાર સુધી પહોંચ્યું હતું. જેમાં જાન્યુઆરી, 2021ના રોજ પાકિસ્તાની પાવર ઓફ એટર્ની દ્વારા સીમલક ગામની જમીનના થયેલા દસ્તાવેજ અને ગામ દફતરે પડેલી ફેરફાર નોંધને નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો, ત્યારે નવસારીના જાણીતા ધારાશાસ્ત્રીએ દોષિત અધિકારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે.

આ પણ વાંચો : નવસારીની 14 વર્ષીય સગીરાને સ્નેપચેટથી ફોસલાવીને કર્યું અપહરણ, પોલીસે દિલ્હી પહોંચી સગીરાને બચાવી

ભારત સરકારે વર્ષ 1999માં ભારતમાં પાકિસ્તાન, ભૂતાન, ચીન, બાંગ્લાદેશ જેવા 8 દેશોના નાગરિકો દ્વારા જમીન ખરીદ વેચાણ ન થાય તે માટે, ફેમાનો કાયદો ઘડ્યો છે. તો વર્ષ 2000માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પણ નિયમો બનાવવામાં આવ્યા છે. તેમ છતાં પાકિસ્તાની પાવર ઓફ એટર્નીને આધારે જમીન વેચી મારી દસ્તાવેજ કેવી રીતે થઇ ગયો તે એક સવાલ છે. જોવાનું એ રહે છે કે હવે આ કેસમાં કોઇ કાર્યવાહી થાય છે કે કેમ ?

કેવી રીતે બની પાવર ઓફ એટર્ની

  • કરાચી સ્થિત જૈનબ મુસા દ્વારા મોકલાઇ પાવર ઓફ એટર્ની
  • 2013માં જલાલપોરના સિમલક ગામમાં ઘટના સામે આવી
  • વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની જમીનીનો દસ્તાવેજ
  • 36 હજાર ચો. મી. જમીન પર પાકિસ્તાની નાગરીકનો દાવો
  • પાકિસ્તાની પાવર ઓફ એટર્ની દ્વારા દસ્તાવેજની નોંધ
  • સબ રજિસ્ટ્રાર દ્વારા અલગ અલગ 7 દસ્તાવેજોની નોંધ
  • પાકિસ્તાની પાવર ઓફ એટર્ની ચકાસ્યા વિના જ નોંધણી
  • વર્ષ 2018માં સમગ્ર પ્રકરણ રાજ્ય સરકાર સુધી પહોંચ્યું
  • અગ્ર સચિવના આદેશથી કલેકટરે કરી હતી રિવ્યૂ કાર્યવાહી
  • 2021માં દસ્તાવેજ અને ફેરફાર નોંધને નામંજૂરનો હુકમ કર્યો

(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો