નવસારીમાં કમોસમી વરસાદ, બાગાયતી પાક કેરી-ચીકુમાં નુકસાનની ભીતિ, સાંભળો ખેડૂતોએ શું કહ્યું..
નવસારી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. મરોલી અને વેસ્મા સહિતના વિસ્તારોમાં માવઠું પડતાં કેરી અને ચીકુ જેવા બાગાયતી પાકોને ભારે નુકસાનની ભીતિ છે.

ચાલુ વર્ષે લગભગ 5 મહિના લાંબુ ચોમાસું રહ્યું બાદ હવે ફરી એકવાર કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. નવસારી જિલ્લામાં મરોલી અને વેસ્મા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બાગાયતી પાકોમાં મોર આવવા અને ફળ બેસવાની મહત્વની મોસમ દરમિયાન માવઠું પડતા ખેડૂતો માટે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. ખાસ કરીને કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાત્રે ઠંડી અને દિવસે ગરમી
ડિસેમ્બર અને જાન્યુઆરી માસ બાગાયતી પાકો માટે અત્યંત મહત્વના ગણાય છે. આ સમયગાળા દરમિયાન આંબા પર આમ્ર મંજરી બેસે છે, જ્યારે ચીકુના ઝાડ પર ફળો મોટા થવાની શરૂઆત થાય છે. રાત્રે ઠંડી અને દિવસે ગરમી રહેવાને કારણે ફળોના કદમાં કુદરતી રીતે વધારો થાય છે, જે ઉત્પાદન માટે અનુકૂળ માનવામાં આવે છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે અનુસાર નવસારી જિલ્લાના મરોલી–નવસારી રોડ વિસ્તાર તથા વેસ્મા અને આસપાસના બાગાયતી વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આંબા પર મોર આવવાના મહત્વના સમયગાળામાં માવઠું પડતાં ખેડૂતો માટે આ વરસાદ દુશ્મન સમાન સાબિત થઈ રહ્યો છે.
કમોસમી વરસાદના કારણે આમ્ર મંજરી કાળી પડી જવી, મોર હરણ થઈ જવો અને ફળ બેસવાની પ્રક્રિયા પર નકારાત્મક અસર થવાની શક્યતા રહે છે. ડિસેમ્બર અને જાન્યુઆરી એવા નિર્ણાયક મહિના ગણાય છે જેમાં મોરની સંખ્યા અને આખા સીઝનનો પાક કેટલો આવશે તે નક્કી થાય છે. આ સમયગાળામાં પડેલો વરસાદ ખેડૂતોની ચિંતા વધારતો બન્યો છે.
70,000 હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાકો લેવાય છે..
ખેતીવાડી વિભાગ દ્વારા આગાહી બાદ ખેડૂતોને સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ ખુલ્લી વાડીઓમાં મોટા પાયે આમ્ર મંજરી પર માવઠું પડતાં નુકસાન થવાની શક્યતા વધી છે. નવસારી જિલ્લામાં અંદાજે 70,000 હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાકો લેવાય છે, જેમાં આંબા અને ચીકુનો સમાવેશ સૌથી વધુ થાય છે.
અચાનક આવેલા હવામાન પરિવર્તનના કારણે આંબા અને ચીકુના પાકો પર સીધી અસર થવાની ભીતિ ઊભી થઈ છે. હવે ખેડૂતો આગામી દિવસોમાં હવામાન સુધરે તેવી આશા સાથે પાક બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
અમદાવાદમાં ફ્લાવર શૉની શરૂઆત, જાણો સમય અને ટિકિટની કિંમત