મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે ભારત માં LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે. મળતી માહિતી મુજબ 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં ₹60નો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ ગેસ ઉપરાંત કોમર્શિયલ ઉપયોગ માટે આવતા 19 કિલોના LPG સિલિન્ડરના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર આ સિલિન્ડરની કિંમતમાં લગભગ ₹115નો વધારો થયો છે. નવા દરો મુજબ હવે દિલ્હી માં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ લગભગ ₹1883 સુધી પહોંચ્યો છે, જ્યારે મુંબઈમાં તેની કિંમત આશરે ₹1835 થઈ ગઈ છે.
LPG રિફાઇનરીઓને ઉત્પાદન વધારવાનો નિર્દેશ
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત સરકાર પણ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. મળતી માહિતી અનુસાર શુક્રવારે સરકારે દેશની તમામ LPG રિફાઇનરીઓને ઉત્પાદન વધારવા માટે સૂચના આપી હતી. આ સૂચનામાં સરકારી તેમજ ખાનગી ક્ષેત્રની બંને પ્રકારની રિફાઇનરીઓનો સમાવેશ થાય છે, જેથી દેશમાં ગેસની ઉપલબ્ધતા પર કોઈ અસર ન પડે.
The price of a 14.2-kg domestic LPG cylinder has been increased by Rs 60. In Delhi, 14.2-Kg Domestic LPG Cylinder prices increased from Rs 853 to Rs 913. New rate will be effective from March 7: Sources pic.twitter.com/Mxh7QeIyfl
— ANI (@ANI) March 6, 2026
ભારતને ઊર્જા અછતનો ખતરો નહીં
આ મુદ્દે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે મધ્ય પૂર્વમાં અસ્થિરતા હોવા છતાં ભારતને ઊર્જા પુરવઠાની કોઈ મોટી અછતનો સામનો કરવો પડી રહ્યો નથી. તેમણે કાચા તેલની સપ્લાયમાં સંભવિત અવરોધ અંગે ઉઠી રહેલી ચિંતાઓ પર જવાબ આપતા જણાવ્યું હતું કે દેશમાં જરૂરી ઊર્જા સંસાધનો ઉપલબ્ધ છે.
ભારત પાસે પૂરતો ગેસ અને પેટ્રોલિયમ સ્ટોક
સરકારી સૂત્રો મુજબ હાલમાં ભારત પાસે ગેસ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ક્રૂડ ઓઈલ, પેટ્રોલ, ડીઝલ તેમજ LPG જેવા ઇંધણનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે. ઉપરાંત તેલ કંપનીઓ જરૂરિયાત મુજબ ગલ્ફ વિસ્તાર સિવાયના અન્ય દેશોમાંથી પણ આયાત વધારી રહી છે, જેથી સપ્લાય ચેનમાં કોઈ વિક્ષેપ ન થાય.
કાચા તેલની સપ્લાય પર સંભવિત અસર
યુદ્ધ પછી ઈરાન તરફથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ Strait of Hormuz વિસ્તારમાં જહાજોની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ માર્ગ વિશ્વના ઊર્જા વેપાર માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. જો અહીં અવરોધ સર્જાય તો કાચા તેલની સપ્લાય પર અસર પડી શકે છે અને વૈશ્વિક બજારમાં ભાવ વધવાની શક્યતા પણ રહે છે.
સરકારી સૂત્રોનું કહેવું છે કે મધ્ય પૂર્વમાં બનેલી ઘટનાઓ પર કેન્દ્ર સરકાર સતત નજર રાખી રહી છે અને જરૂરી હોય તો ઊર્જા પુરવઠો સ્થિર રાખવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.

