ગુજરાતમાં સંસ્કારોનું આદાન પ્રદાન આર્યોના આગમનથી થયું હતું. પરંતુ સંગીત અને નૃત્યના સંસ્કારો રોપવાનું શરુ થયું યાદવોના કાળથી, અને આ પ્રવૃત્તિઓના સંસ્કાર નાયક હતા શ્રી કૃષ્ણ. આવું જ એક સંસ્કૃતિ સંસ્કાર સભર સ્થાપત્ય કલાથી ભરપુર એવું મોઢેરાનું સૂર્ય મંદિર છે. પ્રતિ વર્ષ 14 જાન્યુઆરી પછી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર સક્રાંતિ પછી સૂર્ય પૃથ્વીની ઉત્તરમાં ગતિ કરે છે જે સંક્રીયાને ઉત્તરાયણ કહે છે. ત્યારે દર વર્ષે ઉત્તરાયણ બાદ મહેસાણાના મોઢેરામાં ઉત્તરાર્ધ પર્વની પણ ખાસ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આવો જાણીએ ઉત્તરાર્ધ પર્વે મોઢેરામાં આવેલા સૂર્ય મંદિરનો અનોખો ઈતિહાસ છે.
પ્રાચીન ભારતમાં ભવ્ય સ્થાપત્યકલા અને અદ્વિતીય મંદિરોના મંડપમાં સુર્યદેવની પૂજા અર્ચના થતી. દર વર્ષે ૧૪ જાન્યુઆરી બાદ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. એટલે કે, મકરસક્રાંતિ બાદ સૂર્ય પૃથ્વીની ઉત્તરમાં ગતિ કરે છે. જે સંક્રીયાને ઉત્તરાયણ કહે છે. જેને લઈને મકરસક્રાંતિ પર્વ ઉજવાય છે. સૂર્યની આ સંક્રીયા થતા આપને ઉત્તરાયણ પર્વ ઉજવીએ છે.
ત્યારે મહેસાણા મોઢેરા સ્થિત સૂર્ય મંદિર સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિક સમાન છે. મોઢેરા પ્રાચીનકાળમાં સુર્યપૂજકોનું મુખ્ય સ્થાન હતું. પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં મોઢેરા અને તેની આજુબાજુણા પ્રદેશને ધર્મારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. સ્કંદપુરાણ અને બ્રહ્મપુરાણમાં મોઢેરાનો ઉલ્લેખ ધર્મારણ્ય તરીકે કરવામાં આવ્યો છે.
મોઢેરા સત્ય યુગમાં ધર્મારણ્ય ક્ષેત્ર, ત્રેતા યુગમાં સત્યમંદિર, દ્વાપર યુગમાં વેદભુવન અને કળીયુગમાં મોઢેરા ઓળખાવા લાગ્યું. લોકવાયકા મુજબ ભગવાન શ્રી રામચંદ્રજીએ અહી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દેવોની સન્મુખ સૂર્યદેવની પૂજા કરી હતી. પ્રાચીન સાહિત્યના ઉલ્લેખમાં મોઢેરા હારીક્ષેત્ર તરીકે પ્રચલિત હતું. પછી મહોરીક્પુર અને મોધેર્ક પછી મોઢેરા તરીકે ઓળખાય છે.
મહેસાણાથી 25 કિલોમીટર દુર આવેલું સુપ્રસિદ્ધ સૂર્યમંદિર ગુજરાતને સોલંકીઓના સાશનથી સુવર્ણશક્તિ પ્રદાન કરે છે. સોલંકી યુગના આ સૂર્ય મંદિરના ગર્ભગૃહની ભીતમાં સંવત 1083નો શિલાલેખ છે. ઈ.સ.1027 માં આ મંદિર બંધાયું હશે. મહેસાણા જીલ્લામાં સૌથી વધુ સૂર્ય મંદિરો હોવાના ઐતિહાસિક પુરાવા પણ સાંપડે છે.
જેમાં મોઢેરા સુર મંદિર, સરસ્વતી નદી કિનારે ભાયલ સ્વામી સુર્ય મંદિર, નુગરનું સૂર્ય મંદિર, પીલુદરાનું સૂર્ય મંદિર, ખેરાલુનું સૂર્ય મંદિર, કોનાર્ક સૂર્ય મંદિર, દવાડાનું સૂર્ય મંદિર, આસોડાનું સૂર્ય મંદિર વગેરેનો ઉલ્લેખ કરી શકાય છે.
મહેસાણા જીલ્લામાં આટલા બધા સૂર્ય મંદિરો શા માટે બંધાયા હશે તેની પર નજર કરીએ તો, સોલંકી કાલીન રાજવીઓના રાજ ધ્વજ ઉપર કુકડાનું નિશાન રહેતું. કુકડો સૂર્યના આગમનને પોકારનાર, અરુણોદયની આહલેકને જગાવનાર હોવાનું મનાય છે. જો કે, જયારે સૂર્યોદય થાય, ત્યારે તેનું પહેલું કિરણ મોઢેરા સૂર્ય મંદિરમાં પડતું અને ગર્ભ ગૃહમાં રહેલી સૂર્યની મૂર્તિ ને સ્પર્શ કરતુ હશે ! એવું માનવામાં આવે છે.
આ પણ વાંચો : Surat: પતંગના પેચ કાપવામાં કોઈનો જીવ ન કપાય તેનું ધ્યાન રાખવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની અપીલ
આમ, સૂર્યની ઉત્તર તરફની ગતિ જેને સક્રાંતિ તરીકે ઓળખીએ છીએ, ત્યારે ઉતરાયણ બાદ મહેસાણાના મોઢેરામાં આવેલા સૂર્ય મંદિર ખાતે ઉજવાતા ઉત્તરાર્ધ મહોત્સવને લઈને પણ લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે. જેથી તેના ઐતિહાસિક મહત્વને જાણવું પણ એટલું જરૂરી છે. ઉત્તરાયણ બાદ મોઢેરા સૂર્ય મંદિર ખાતે બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ પણ ઉજવાતો હોય છે. જ્યાં દેશના નામચીન કલાકારો પોતાના કલાના કામણ પાથરે છે જે અનેરો લ્હાવો હોય છે.