International Yoga Day 2023 : 21મી જૂને સુરત ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મહેસાણાના પૂજા પટેલ કરશે યોગ નિદર્શન
સુરત ખાતે 21મી જૂને યોજાનારા રાજ્ય કક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં મહેસાણાના બેચરાજી તાલુકાના અંબાલા ગામના વતની અને વર્લ્ડ મિસ યોગીની પૂજા પટેલ યોગ નિદર્શન કરશે.
Mehsana: 21મી જૂને સુરત ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં મહેસાણાના (Mehsana) બેચરાજી તાલુકાના અંબાલા ગામના પૂજા પટેલ યોગ નિદર્શન કરશે. પૂજા પટેલે 6 વાર મિસ વર્લ્ડ યોગીનીનું બિરૂદ મેળવ્યું છે. આ ઉપરાંત 116થી વધારે મેડલ્સ, 140 ટ્રોફી અને 200 ઉપરાંત પ્રમાણપત્ર મેળવનાર યોગીની પૂજા પટેલ 8 મિનિટમાં 190 જેટલા યોગાસનો કરી શકે છે.
મહેસાણાના બેચરાજી તાલુકાના અંબાલા ગામના સામાન્ય ખેડૂત ઘનશ્યામભાઈ પટેલને પૂજા અને યશ નામના બે સંતાનો છે. યોગ તેમજ ભક્તિ અને ધર્મથી પ્રેરિત ઘનશ્યામભાઈએ પોતાના બાળકોને કંઈક વિશેષ કરાવવાનું શરૂ કર્યું અને માત્ર આઠ વર્ષની નાની ઉંમરે પોતાની દીકરી પૂજાને યોગ શીખવવાનું શરૂ કર્યું અને આજે વિશ્વમાં પૂજાએ ડંકો વગાડ્યો. પૂજાએ છ વાર મિસ વર્લ્ડ યોગીનીનું બિરૂદ મેળવ્યું. આ ઉપરાંત 116થી વધારે મેડલ્સ, 140 ટ્રોફી અને 200 ઉપરાંત પ્રમાણપત્ર મેળવનાર યોગીની પૂજા પટેલ 8 મિનિટમાં 190 જેટલા યોગાસનો કરી શકે છે.
સુરત ખાતે યોજાનારા યોગ દિવસ કાર્યક્રમમાં પૂજા પટેલ યોગ નિદર્શન કરશે
21મી જૂને સુરત ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં પૂજા પટેલ પણ યોગ નિદર્શન કરશે. પોતાની આ સિદ્ધિ અને પ્રતિભાનો યશ પૂજાબેન પટેલ પોતાના ખેડૂત પિતા અને ગુરુ ઘનશ્યામભાઈને તો આપે જ છે પણ આ સાથે તેમને આ મુકામ પર પહોંચાડનારા ઘણા લોકોને સફળતાના યશભાગી ગણાવે છે. વર્ષ 2008માં જાહેરમાં યોગ કર્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ખેલ મહાકુંભ તેમની આવડત અને ઈચ્છાને અવકાશ આપનારો અવસર બન્યો.
આ પણ વાંચો Surat : ઉધના સ્ટેશનને બનાવાશે વર્લ્ડ ક્લાસ, અપગ્રેડશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી યાત્રીઓની સુવિધાઓ વધારાશે
સ્વર્ણિમ ખેલ મહાકુંભ 2010ના પ્રારંભથી યોગ માટેના તેમના પ્રેમને વિશ્વ ફલક મળ્યું અને તેમની પ્રતિભાને પારખનારા તેમના તમામ ગુરૂઓ અને શિક્ષકોએ તેમને વિશ્વમાં યોગ કરવા માટે પ્રોત્સાહન અને સંપૂર્ણ ટેકો આપ્યો. કમલેશભાઈ પટેલ, તેમજ કોરોનાના સમયમાં બધાને યોગથી સ્વાસ્થ્ય જાળવવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર તરફથી 21 દિવસનો કોચિંગ કેમ્પ અડાલજ ખાતે કરવામાં આવ્યો ત્યારે ડાયરેક્ટર ઉમંગભાઈ અને દિવ્યાબેન સહિતનાઓએ સાથ આપી યોગ ભગાડે રોગને સાર્થક કરવામાં સંપૂર્ણ સહયોગ કર્યો.
નેશનલ ગેમ્સમાં યોગાસનમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ એથલેટ પૂજા પટેલ
દર ચાર વર્ષે યોજાતી નેશનલ ગેમ્સમાં ગત વર્ષે યોજાયેલી 36મી નેશનલ ગેમ્સમાં ટ્રેડિશનલ યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ એથ્લેટ બનેલા પૂજાબેને બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યા છે. વિશ્વમાં યોગનો ડંકો વગાડનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા તેમના પિતા ઘનશ્યામભાઈ અને પૂજાબેન યોગને માનવ કલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ માને છે અને ભારતીય સંસ્કૃતિને યોગ દ્વારા ઘર ઘર સુધી પહોંચાડવાના વડાપ્રધાનના પ્રયત્નને આગળ ધપાવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો