મહેસાણા: દૂધસાગર ડેરી સંચાલિત શિબિરમાં મધમાખી ઉછેર તાલીમની સાથે પ્રાકૃતિક ખેતીની પણ સમજ આપવામાં આવી
સંસ્થાના ચેરમેન અશોક ચૌધરીના દિર્ઘ દષ્ટિકોણથી આવનાર સમયમાં મધમાખી ઉછેર થકી એક નવી ક્રાંતિની વિસ્તારમાં શરૂઆત થશે તેવો પશુપાલકો એ વિશ્વાસ વ્યક્ત કર્યો.
મધમાખી એ પ્રકૃતિની રખેવાળ છે અને મધ એ તેનું સૃષ્ટિને એવું પ્રદાન છે જે ઔષધિય, પોષક અને સૌન્દર્યતા બક્ષનાર છે. લોહીની જેમ મધનું (Honey) ઉત્પાદન પણ લેબોરેટરીમાં માનવ સર્જિત શક્ય નથી. એ કુદરતનો પ્રસાદ છે. દૂધસાગર ડેરી સંચાલિત મધમાખી ઉછેર તાલીમ શિબિરમા તાલીમાર્થી પશુપાલકોને મધમાખી ઉછેરની વાસ્તવિક તાલીમ આપવાની સાથે પ્રાકૃતિક ખેતીની સમજ આપવામાં આવી હતી. પશુપાલક એટલે એક અર્થમાં ધરતીપુત્ર (Farmers) અને ધરતીપુત્ર જ્યારે માની ગોદમાં જાય ત્યારે હરખાયા વિના રહે ખરો?
NATIONAL BEE BOARD (NBB) અને NATIONAL DAIRY DEVELOPMENT BOARD (NDDB) અને મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (દૂધસાગર ડેરી) ના ઉપક્રમે શરૂ કરવામાં આવેલ મધમાખી ઉછેર તાલીમ શિબિરની પ્રથમ બેન્ચની સાત દિવસીય તાલીમ પૂર્ણ થતાં આજે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા.
NDDB સહીત દૂધસાગર ડેરીના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પશુપાલકો એ પોતાની તાલીમના સાત દિવસોના અનુભવ રજૂ કર્યા. સંસ્થાના ચેરમેન અશોક ચૌધરીના દિર્ઘ દષ્ટિકોણથી આવનાર સમયમાં મધમાખી ઉછેર થકી એક નવી ક્રાંતિની વિસ્તારમાં શરૂઆત થશે તેવો પશુપાલકો એ વિશ્વાસ વ્યક્ત કર્યો.
YOUTUBE થી મધમાખી ઉછેરના વ્યવસાયને અપનાવનાર અને પોતાના બે ભાઇઓના સહકારથી 500 મધ પેટી ધરાવનાર રાધનપુરના સંજયભાઇ પુરોહિતે કહ્યુ કે, આ વ્યવસાયમાં પૈસાનો ધોધ થાય છે. રાધનપુરી લઢણમાં કહ્યું મસ્ત પૈસા મળે છે. હમણાં જ અજમાના ખેતરમાં ઉત્પાદિત 2400 કિલો એક જ સિઝનનું મધ એક જ પાર્ટી ને 450 ના ભાવે વેચ્યું. આવી તો વર્ષમાં ચારથી પાંચ સિઝન લઇ શકાય.
મારી પાસે તો પોતાની જમીન પણ નથી. ખાલી મધપેટીઓ સ્થળાંતર માટેની નવી ફળદ્રુપ જગ્યાઓના લોકેશન ધ્યાનમાં રાખવાની આવડત હોય તો ભયો ભયો !! મધમાખી જ્યાં ઉછરે ત્યાંના પાકના ઉત્પાદનમાં પણ અગાઉ કરતાં 25% વધારો થઇ જતો હોવાથી નવી સિઝનમાં ખેડૂતો સામેથી પોતાના ખેતરમાં મધપેટીઓ લગાવવા આમંત્રણ આપે છે. એક વાર લાઇન પકડાઇ જાય પછી મજા મજા !!
સમગ્ર સાત દિવસ સહિત આજના કાર્યક્રમનું સફળ આયોજન સંસ્થાના મેનેજર અશ્વિનભાઇ ચૌધરી અને ભરતભાઇ જાની સહિત જગુદણ તાલીમ કેન્દ્રના ઇન્ચાર્જ ભગત સાહેબે સૂપેરે જવાબદારી નિભાવી પાર પાડ્યું હતું. રહેવા અને જમવા સહિતની સગવડ ઉભી કરવા બદલ પશુપાલકો એ સંસ્થા સહિત ચેરમેન અને ઉપરોક્ત અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : ખેડૂતોએ ફેબ્રુઆરી માસમાં જુદા-જુદા શાકભાજીના પાકોમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
આ પણ વાંચો : Success Story : અળસિયાનું ખાતર તૈયાર કરી આ પ્રગતિશીલ ખેડૂત દર મહીને કરે છે દોઢ લાખની કમાણી