હવે કાર કે બાઈકમાં જ નહીં પરંતુ રેલવેમાં પણ સાવધાન રહેજો. કિંમતી સર સામાનને બરાબર સાચવીને રાખજો. ગઠિયાઓ નજર ચૂકવીને સિફતપૂર્વક ચોરી કરી જતા હોય છે એ તો સાંભળ્યુ છે, પરંતુ એક્સપ્રેસ ટ્રેનમાંથી પણ ગઠિયાઓ ચોરી પર્સ તફડાવી કે ઝૂંટવીને અંધારામાં પલાયન થઈ જતા હોય છે. ઓછી જોવા મળતી આવી ઘટના મહેસાણામાં નોંધાઈ છે.
મહેસાણા રેલવે પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હવે ગઠિયાની ઓળખ કરવા માટે તપાસ શરુ કરી છે. આ માટે ટ્રેનમાં કેવી રીતે તે ચડ્યો અને ક્યાં કેવી રીતે વહેલી પરોઢના અંધકારમાં ફરાર થઈ ગયો એ તમામ વિગતોની તપાસ શરુ કરવામાં આવી છે.
વાત મહેસાણાની છે. જોધપુરના ડેડિયા વાલેસરનો પરિવાર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. આ દરમિયાન વહેલી પરોઢના અરસા દરમિયાન એક ગઠિયાએ પરિવારની યુવતી પાસે રહેલ પર્સને ઝૂંટવી લીધુ હતુ. હાલમાં મુંબઈ રહેતી યુવતી પરિવાર સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન મહેસાણા રેલવે સ્ટેશન નજીક તેની સાથે આ ઘટના સર્જાઈ હતી.
તેની પાસે રહેલ સોના અને ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ ભરેલ પર્સને તેણે સીટમાં સુવા દરમિયાન પોતાના માથા નિચે દબાવીને સંતાડી રાખ્યુ હતુ. સલામત રહે કિંમતી સામાન એ માટે તેણે પોતાનું માથું તેની પર દબાવી રાખ્યું હતુ. પરંતુ મહેસાણા રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચતા થોડીક ધીમી પડી હતી. આ દરમિયાન મોકો જોઈને અજાણ્યો શખ્શ યુવતીના માથા નિચે દબાવેલ પર્સ ઝૂંટવીને ધીમી ચાલી રહેલ એક્સપ્રેસ ટ્રેનમાંથી ફરાર થઈ ગયો હતો.
આ મામલે હવે મહેસાણા રેલેવે પોલીસે 13 લાખની મત્તાની ચોરી અંગેની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. યુવતી નોંધાવેલી ફરિયાદનુસાર પર્સમાં સોના અને ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલ હતા. પોલીસે હવે આરોપીની ઓળખ કરવા માટે તપાસ શરુ કરી છે. આ માટે રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ સહિતની ચકાસણી શરુ કરાઈ છે.
Published On - 4:10 pm, Sat, 30 December 23