Breaking News : રાજકોટમાં લાલો ફિલ્મના પ્રમોશનમાં થયેલી અફરાતફરીની ઘટનામાં ફિલ્મની સ્ટારકાસ્ટને પોલીસનું તેડું ! કલાકારો પર થઈ શકે જાહેરનામા ભંગની ફરિયાદ
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં ગત મંગળવારે લાલો ગુજરાતી ફિલ્મના પ્રમોશન અને પ્રીમિયર શો દરમિયાન સર્જાયેલી અફરાતફરીની ઘટનાએ ચર્ચા જગાવી છે. આ કાર્યક્રમમાં ફિલ્મના સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ ઉપસ્થિત હતા. જેના પગલે હવે પોલીસ કલાકારોની પણ પુછપરછ હાથ ધરશે.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં ગત મંગળવારે લાલો ગુજરાતી ફિલ્મના પ્રમોશન અને પ્રીમિયર શો દરમિયાન સર્જાયેલી અફરાતફરીની ઘટનાએ ચર્ચા જગાવી છે. આ કાર્યક્રમમાં ફિલ્મના સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ ઉપસ્થિત હતા, ત્યારે ચાહકોની અસામાન્ય ભીડ એકઠી થઈ હતી. પરિણામે મોલમાં અવ્યવસ્થા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેક લોકોમાં ધક્કામુક્કી થઈ હતી અને એક બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો. સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજકોટ યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સૌપ્રથમ ક્રિસ્ટલ મોલના મેનેજર સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો અને તેમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમમાં એક વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં ફિલ્મના કલાકારો દ્વારા લોકોને કાર્યક્રમમાં હાજર રહેવા માટે જણાવ્યું હતુ. પોલીસે આ વિડીયોને ગંભીરતાથી લીધો છે.
લાલો ફિલ્મની સ્ટારકાસ્ટને પોલીસનું તેડું !
મોલ મેનેજર પર કાર્યવાહી બાદ હવે પોલીસે ફિલ્મના સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સને પણ નિશાન બનાવ્યા છે. પોલીસે તેમને ટેલિફોનિક જાણ કરીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હાજર રહી નિવેદન નોંધાવવા માટે નોટિસ આપી છે. પોલીસના જણાવ્યા મુજબ, જો તેમના નિવેદનો સંતોષકારક નહીં હોય, તો કલાકારો સહિત ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ શકે છે.
જુઓ Video
ઉલ્લેખનીય છે કે કલાકારોએ હજુ સુધી આ વિવાદ અંગે કોઈ ચોક્કસ સ્ટેટમેન્ટ આપ્યું નથી કે કોઈ માફી પણ માંગી નથી. તેમના કાર્યક્રમને કારણે કોઈ વ્યક્તિનો જીવ જોખમમાં મુકાયો હોત તો તેની જવાબદારી કોની હોત તે એક મોટો સવાલ છે. પોલીસ દ્વારા ગઈકાલે જ કલાકારો અને નિર્માતાઓને ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવી હોવાથી આજે પોલીસ મથકે હાજર રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે.