Kheda: મતદાર યાદી નિરીક્ષક રંજીથ કુમારે મતદાર યાદી સુધારણા અન્વયે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કરી બેઠક
મતદાર યાદી નિરીક્ષક રંજીથ કુમારે મતદાર યાદી સુધારણા અન્વયે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી રચનાત્મક સૂચનો મેળવ્યા હતા. રંજીથ કુમારે ખેડા જિલ્લાના નડિયાદ શહેરના સંતરામ મંદિરની મુલાકાત લીધી હતી.
મતદાર યાદી ( Electoral Roll) નિરીક્ષક રંજીથ કુમારે મતદાર યાદી સુધારણા (Reform of Electoral Roll) કામગીરીની ખેડા (Kheda) ખાતે સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. અને બીએલઓને (BLO) અનુરોધ કર્યો હતો કે મતદાર યાદીમાં નામ સામેલ કરવામાંથી કોઈ પણ મતદાતા વંચિત ન રહેવું જોઈએ. ભારતીય ચૂંટણીપંચની સૂચના મુજબ જિલ્લામાં તા. 12 ઓગસ્ટથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો હતો, જેનો આજે છેલ્લો રવિવાર છે.
ત્રણ રવિવારની ઝુંબેશના દિવસની કામગીરી પૂર્ણ થઇ છે અને આજે છેલ્લા તબક્કાનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હતો. આ સમગ્ર કામગીરીના સંચાલન અને દેખરેખ માટે જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે રંજીથ કુમારે કલેકટર કચેરી ખેડા ખાતે નડિયાદ શહેર અને જિલ્લાની છ વિધાનસભા બેઠકોના ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી. શહેર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મતદાર યાદી નિરીક્ષક રંજીથ કુમારે શહેરના વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ મતદાર યાદી સુધારણા કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
તેમણે શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાયકાત ધરાવતા તમામ મતદારોના નામ નોંધાય તે સુનિશ્ચિત કરવા સાથે એક પણ મતદાર નામ નોધણીથી વંચિત ન રહે તે અંગે તેમણે ચૂંટણી અધિકારીઓને અપીલ કરી હતી. મતદારયાદીમાં નામ નોંધણી અંગે સરળતા રહે તે માટે જે તે વિસ્તારના બી.એલ.ઓ.ના નામ અને નંબરની યાદી નાગરીકોને આપવા સૂચના આપી હતી તથા 1950 વોટર હેલ્પલાઈન નંબર, NVSP અને VHA નો મહત્તમ પ્રચાર પ્રસાર થાય તે મુજબનું આયોજન કરવા સૂચના આપી.
ઉપરાંત આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં કોઈપણ લાયકાત ધરાવતાં નાગરીક મતદારયાદીમાં નામ નોંધણી કરાવવાની કામગીરી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.એલ. બચાણીએ જણાવ્યું કે, ખેડા જિલ્લામાં આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી 18 વર્ષની વયના યુવા મતદારોનો મતદારયાદીમાં સમાવેશ સુનિશ્ચિત કરી શકાય તે અંગે ખાસ ઝુંબેશ અન્વયે મતદાર જાગૃતિ તથા કેળવણી હેઠળ જિલ્લામાં તમામ વિધાનસભા મતવિસ્તાર તથા શહેરી વિસ્તારમાં મતદાર જાગૃતિ અંગેના કાર્યક્રમ આયોજીત ક૨વામાં આવ્યો હતો.
મતદાર યાદી નિરીક્ષક રંજીથ કુમારે મતદાર યાદી સુધારણા અન્વયે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી રચનાત્મક સૂચનો મેળવ્યા હતા. રંજીથ કુમારે ખેડા જિલ્લાના નડિયાદ શહેરના સંતરામ મંદિરની મુલાકાત લીધી હતી. તેમજ શહેરની નગર પ્રાથમિક શાળા નં 22 ની મુલાકાત લીધી અને બી.એલ.ઓ.ને મતદાર જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું અને તમામ બી.એલ.ઓ.ની કામગીરી બિરદાવી હતી.