Junagadh : હર હર મહાદેવના જયઘોષ સાથે મહાશિવરાત્રીના મિની કુંભમેળાનો શુભારંભ, અલખના ધામમાં દિંગબર સાધુ સંતોએ ધૂણી ધખાવી
ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં દૂરથી સાધુ સંતો અને વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો જૂનાગઢ આવી પહોંચે છે અને સતત પાંચ દિવસ સુધી અહીં રહી ધૂણાઓ બનાવવામાં આવે છે. સાધુ સંતો ધૂણાની ભભૂતિ શરીર પર લગાવી અલખની હેલી જગાવે છે. તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓને ભભૂતિને પ્રસાદીરૂપે આપવામાં આવે છે
જૂનાગઢની ભવનાથ તળેટી ખાતે ઐતિહાસિક એવા મહાશિવરાત્રીના મેળાનો શુભારંભ થયો છે, મેળાના પ્રારંભ અગાઊ ધજા રોહણની વિધી પૂર્ણ કરવામાં આવી હતી. સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હરિગીરી બાપુએ ધજારોહણ કર્યું હતું તે સાથે જ ભવનાથ મંદિરના પરિસરમાં હર હર ભોલે, અને હર હર મહાદેવનો નાદ ગૂંજયો હતો. આ સાથે જ શિવરાત્રીના મેળાનો વિધીવત્ પ્રારંભ થયો હતો. આ ધજારોહણ બાદ તળેટીમાં આવેલા અલગ અલગ અખાડાઓમાં પણ ધજારોહણ કરવામાં આવ્યું હતું. ધજારોહણ બાદ અન્નક્ષેત્રો પણ શરૂ કરવામાં આવ્યા હતા.
ધજારોહણની વિધીમાં મનપાના અગ્રણીઓ તેમજ ભવનાથ મંદિરના મહંત હરી ગીરીબાપુ, મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ, ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ સહિત વિવિધ અખાડા પણ હાજર રહ્યા હતા.
15 ફ્રેબુઆરીથી 18 ફ્રેબુઆરી સુધી ચાલશે મેળો
ભવનાથની તળેટીમાં ચાર દિવસ સુધી ભજન , ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. આ મેળાને જોવા માટે દેશ વિદેશના લોકો આવતા હોય છે તો ભાવિકજનો આ મેળાના માહાત્મયને જાણીને દર્શન માટે આવતા હોય છે.
દિગંબર સાધુ સંતોના ધૂણા બને છે આકર્ષણનું કેન્દ્ર
મહાશિવરાત્રીના મેળામાં આકર્ષણનું કેન્દ્ર હોય છે તો તે છે નાગા સાધુ-સંતો દ્વારા બનાવવામાં આવતા ધુણાઓ. જનકલ્યાણ માટે સાધુ સંતો આ ધુણા લગાવે છે. ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં દૂરથી સાધુ સંતો અને વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો જૂનાગઢ આવી પહોંચે છે અને સતત પાંચ દિવસ સુધી અહીં રહી ધૂણાઓ બનાવવામાં આવે છે. માટી અને ઈંટો દ્વારા આ ધુણાઓ બનાવવામાં આવે છે. ધૂણી ધખાવીને બેઠેલા આ સાધુ સંતો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. ધૂણામાં સતત અગ્નિ પ્રજ્વલિત રાખી અને અગ્નિદેવની સાક્ષીમાં શિવ આરાધના સતત પાંચ દિવસ સુધી કરતા રહે છે અને આ ધૂણાની ભભૂતિ શરીર પર લગાવી અલખની હેલી જગાવે છે. તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓને ભભૂતિને પ્રસાદીરૂપે આપવામાં આવે છે અને લોકોનું કલ્યાણ થાય તે માટે સતત સાધુ સંતો પ્રાર્થના કરતા રહે છે. ધુણાએ સાધુ સંતોની ઓળખ છે અને ધૂણામાં જ રસોઈ બનાવી અને ભોજન આરોગે છે. તેમજ શિવરાત્રીનું સ્નાન પૂર્ણ કરી અને ધુણાનું વિસર્જન કરવામાં આવે છે.
મૃગીકુંડમાં સ્નાન કરવા આવતા સાધુસંતોના દર્શન માટે ઉમટે છે લોકો
મહાશિવરાત્રીનો મેળો ચરમસીમાએ ત્યારે પહોંચે છે જ્યારે મહાશિવરાત્રીની રાત્રીએ દિંગબર સાધુ સંતોની રેવડી મૃગીકુંડમાં દર્શન અને સ્નાન માટે પહોંચે છે. આ સન્ના અને આરતી બાદ જ મેળો સંપન્ન થાય છે.