શું જવાહર ચાવડાની કોંગ્રેસમાં થશે ઘરવાપસી? સોશિયલ મીડિયા પોસ્ટ પર ચાવડાએ કરી સ્પષ્ટતા- જુઓ વીડિયો
સૌરાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ કેબિનેટ મંત્રી રહેલા અને કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા માણાવદરના પૂર્વ ધારાસભ્ય શું કોંગ્રેસમાં ઘર વાપસી કરશે એ તમામ અટકળો પર તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરી સ્પષ્ટતા કરી છે.
લોકસભાની ચૂંટણી સમયે જ જવાહર ચાવડા ભાજપના એકપણ કાર્યક્રમમાં જોવા મળતા નથી. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા એ દિવસે વંથલી ખાતે સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં પણ જવાહર ચાવડાની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જે બાદ જવાહર ચાવડા ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરશે તેવી અટકળો ચાલી રહી હતી. આ તમામ અટકળો મુદ્દે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે સ્પષ્ટતા કરી છે.
“હું સંપૂર્ણ રીતે ભાજપ સાથે જ જોડાયેલો છું અને રહીશ”
જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ભાજપમાં જ રહેવાની સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યુ હું સંપૂર્ણ રીતે ભાજપ સાથે જોડાયેલો છુ અને રહીશ. રાજકીય ફેરફારની વાતો પાયાવિહોણી છે. છેલ્લા કેટલાય સમયથી જવાહર ચાવડા ભાજપથી નારાજ હોવાની અને કોંગ્રેસમાં જોડાવાની અટકળો ચાલતી હતી. જેને જવાહર ચાવડાએ સ્પષ્ટપણે રદિયો આપ્યો છે.
વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપના જ જૂથે હરાવ્યો આક્ષેપ
2022ની વિધાનસભા ચૂંટણીમાં જવાહર ચાવડા માણાવદર બેઠકથી કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે હારી ગયા હતા. જે બાદ ચાવડાને હરાવવામાં ભાજપનું જ જૂથ કાર્યરત હતુ તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ. છેલ્લા કેટલાય સમયથી તેઓ સ્થાનિક સ્તરે નિષ્ક્રીય દેખાઈ રહ્યા છે. ના તો તેઓ પક્ષના કોઈ કાર્યક્રમમાં દેખાય છે ના તો કોઈ સરકારી કાર્યક્રમમાં હાજરી આપે છે.
મંત્રીપદની શરતે કોંગ્રેસમાંથી ભાજપમાં કર્યો હતો પક્ષપલટો
આપને જણાવી દઈએ કે જવાહર ચાવડા લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ પક્ષપલટો કરી ભાજપમાં આવ્યા હતા. રૂપાણી કેબિનેટમાં મંત્રીપદ આપ્યા બાદ તેમને પડતા મુકાયા હતા જે બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેમને કોઈ હોદ્દો અપાયો ન હતો. જે બાદ વિધાનસભાની ચૂંટણીમાં તેમની હાર થયા બાદ તેઓ જાણે અજ્ઞાતવાસમાં જતા રહ્યા હોય તેમ રાજકીય કાર્યક્રમોમાં દેખાતા બંધ થયા છે. ત્યારે લોકસભાની ચૂંટણી સમયે કંઈ નવાજુનીના સંકેત મળી રહ્યા હતા. જો કે ચાવડાએ સોશિયલ મીડિયા પોસ્ટ પર સ્પષ્ટતા કરી છે કે તેઓ અન્ય કોઈ પક્ષમાં જોડાવાના નથી.
આ પણ વાંચો: રંગોત્સવના પર્વે રાજ્યમાં રાજકોટ, સુરત અને પંચમહાલમાં અલગ અલગ ઘટનામાં થઈ મારામારી- જુઓ વીડિયો