સાળંગપુરધામ અને અયોધ્યામાં રંગોના પર્વની અનોખી ઉજવણી, વૃંદાવનમાં બાંકેબિહારી મંદિરમાં ઉડી રંગોની છોળો- જુઓ વીડિયો
દેશભરના મંદિરોમાં પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણની નગરી તેની ખાસ હોળી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. રંગોના તહેવારની ઉજવણી માટે વૃંદાવન એક ઉત્તમ સ્થળ છે. આ શહેર તેના ફૂલોની હોળી માટે જાણીતું છે અને તેની મુખ્ય ઉજવણી બાંકે બિહારી મંદિરમાં થાય છે. વળી, વૃંદાવનમાં અનેક પ્રકારની હોળી રમવામાં આવે છે.
દેશભરમાં આજે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુપ્રસિદ્ધ મંદિરોમાં પણ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા છે. ખાસ કરીને અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ મોટો પર્વ આવ્યો છે ત્યારે ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે અને અયોધ્યામાં રામ મંદિરને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
અયોધ્યામાં ભગવાન રામલલાને હોળી પર્વે વિશેષ શણગાર
અયોધ્યામાં પણ ભગવાન રામલલાને વિવિધરંગી ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે. અયોધ્યાવાસીઓનો આ હોળીનો પર્વ ઘણો ખાસ બની રહ્યો છે કારણ કે અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ પ્રથમ મોટા તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. રામલલાને પણ આજના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે અને લાખો ભક્તો રામલલાના દર્શન માટે ઉમટી પડ્યા છે.
બાંકેબિહારી મંદિરમાં ફુલોની હોળીની ઉજવણી
વૃંદાવનમાં હોળી-ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોય છે. અહીં પ્રભુને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. દેશભરમાં વૃંદાવનની હોળી વખણાય છે ત્યારે લાખોની સંખ્યામાં ભાવિકો બાલગોપાલ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી માટે વ્રજમાં જતા હોય છે. રંગોત્સવની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. રંગબેરંગી ફુલોથી ભગવાનને શણગાર કરાયો છે. સાથોસાથ મંદિરને પણ વિશેષ રીતે સજાવવામાં આવ્યુ છે.
કષ્ટભંજન દેવને વિવિધરંગી ફુલોનો વિશેષ શણગાર
આ તરફ ગુજરાતના બોટાદમાં આવેલા સાળંગપુરધામમાં પણ કષ્ટભંજન દેવને ધૂળેટી પર્વે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. સાળંગપુરમાં પણ વિશેષ રીતે મંદિરની સાજસજ્જા કરવામાં આવી છે અને વિવિધરંગી ફુલોછી સજાવટ કરાઈ છે. અયોધ્યા, વૃંદાવન અને સાળંગપુરમાં ધૂળેટીના પર્વની અનોખી ઉજવણી કરવામા આવી છે. સાળંગપુરમાં દરેક તહેવાર પર કષ્ટભંજનદેવને વિશેષ શણગાર કરવામાં આવે છે.