સુરતની સિવિલ હોસ્પિટલ છે કે અકસ્માતોનું ઘર? વધુ એક વખત સ્લેબના પોપડા પડતા ફફડાટ
ગયા સોમવારે સિવિલ તંત્ર દ્વારા મેડિસિન વિભાગના ત્રણ વોર્ડ કિડની હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ તંત્ર દ્વારા ફક્ત ખાનાપૂર્તિ જ કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે શિફ્ટિંગની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાથી હજી પણ દર્દીઓ તેમજ સ્ટાફના માથા પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.
દક્ષિણ ગુજરાતની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) કે જ્યાં લોકો સારવાર માટે આવે છે તે જર્જરિત થઈ જતા અને સ્લેબના પોપડા પડવાની ઘટનાઓ વારંવાર બનતા હવે અહીં સારવાર લેવા આવતા દર્દીઓ અને અહીં કામ કરતા સ્ટાફમાં એક પ્રકારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગ જર્જરિત થઈ ગઈ છે. જેના કારણે અવાર નવાર સ્લેબના ભાગ તેમજ પોપડા પડવાના અને સ્લેબ ધરાશાયી થવાના કિસ્સા બનતા રહે છે. આ સિલસિલો યથાવત રહ્યો છે. એટલું જ નહીં બિલ્ડિંગનું જર્જરિત સ્ટ્રક્ચર જોઈને શિફ્ટ કરવાની સાથે રીપેરીંગ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
ગયા સોમવારે સિવિલ તંત્ર દ્વારા મેડિસિન વિભાગના ત્રણ વોર્ડ કિડની હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ તંત્ર દ્વારા ફક્ત ખાનાપૂર્તિ જ કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે શિફ્ટિંગની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાથી હજી પણ દર્દીઓ તેમજ સ્ટાફના માથા પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.
આજે સવારે પણ સ્લેબના ટુકડા પડ્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. નવી સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓપરેશન થિયેટર બ્લોકમાં આજે સવારે સ્લેબના ટુકડા પડ્યા હતા. જોકે તે સમયે અહિયાંથી કોઈ વ્યક્તિ પસાર થતી ન હતી, તેમજ આસપાસ કોઈ હાજર પણ નહોતું, જેથી સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી.
જોકે સ્લેબના પડવાના અવાજ સાંભળીને આસપાસ કામ કરી રહેલા કેટલાક કર્મચારી ઓટી પાસે દોડી આવ્યા હતા. અવારનવાર બનતી આવી ઘટનાઓને જોઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે એક બાજુ હજી પણ જર્જરિત થઈ ગયેલા વિભાગોમાં સ્લેબ પડવાના સિલસિલો યથાવત છે, જેના કારણે એ કહી શકાય છે કે દર્દીઓ અને સ્ટાફના માથે જોખમ હજી પણ યથાવત છે.
અવાર નવાર પડી રહેલા સ્લેબના ટુકડા અને પોપડાના કારણે સ્ટાફમાં હંમેશા ભય રહે છે. ક્યારે પોપડા પડે તેનો ભય તેઓને સતત સતાવી રહ્યો છે. આવી ઘટનાઓ જોઈને એવી માંગ ઉઠી છે કે જૂની બિલ્ડિંગને તત્કાલિક રીપેરીંગ કરવાની સાથે સાથે શિફ્ટિંગની કામગીરી ઝડપી હોવી જોઈએ નહિતર આ જ રીતે જર્જરિત ભાગો પડતા રહેશે તો કોઈ વાર મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે.