પતંગ રસીકો માટે સારા સમાચાર છે. આ વર્ષે ઉત્તરાયણમાં પવનદેવ મહેરબાન રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે આ વર્ષે ઉત્તરાયણમાં સારો પવન રહે તેવી શક્યતા છે. પવનની ગતિ 6 કિલોમીટરથી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકે રહે તેવી શક્યતા છે.
15 જાન્યુઆરી સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ઠંડીનો ચમકારો વર્તાશે. ગુજરાતના અનેક ભાગોમાં 15 જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધી ઠંડીનું જોર યથાવત રહે તેવી શક્યતા છે. આગામી 24 કલાકમાં કઈંક અંશે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડી ઘટી શકે છે. ઉતરાયણથી અમુક જિલ્લાઓમાં વાદળો આવશે. 22- 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. 24 જાન્યુઆરીથી ફરી ઠંડી પડવાની શક્યતા છે. 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઇ શકે છે.
ભરશિયાળે કાળઝાળ ગરમી પડવાની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તરાયણ બાદ ગરમીનો પારો 34 ડિગ્રી સુધી પહોચી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 34 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી રહેવાની શક્યતા. ઠંડી કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં તારીખ 14 સુધી રહેશે. હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીથી રાહત મળશે. સૌરાષ્ટ્રમાં જે પ્રકારે અચાનક ઠંડી આવી. તેવી જ રીતે આગામી દિવસોમાં અચાનક ગરમી આવી જશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અનેક શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.
જો કે હાલમાં, આગામી 24 કલાક સુધી રાજ્યમાં ઠંડી ચાલુ રહેશે. ઠંડા પવનોને કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં પારો ગગડ્યો છે. હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી 2 દિવસ સુધી ઠંડી લોકોને પરેશાન કરતી રહેશે. આ પછી, લોકોને થોડી રાહત મળી શકે છે કારણ કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં તાપમાન 2 ડિગ્રી વધી શકે છે. જોકે, આ પછી તાપમાન ફરી 3 ડિગ્રી ઘટી શકે છે.
Input Credit- Ravindr Bhadoria- Gandhinagar