વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરતમાં “જલ સંચય જન ભાગીદારી” પહેલને વર્ચ્યુઅલ રીતે લોન્ચ કર્યુ છે . ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે જમ્મુથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આજે ગૃહમંત્રી જમ્મુ જશે અને પાર્ટીનો મેનિફેસ્ટો લોન્ચ કરશે. જેપી નડ્ડા બિહારની 2 દિવસની મુલાકાતે આજે પટના પહોંચશે. સિક્કિમમાં 300 ફૂટ ઉંડી ખીણમાં ભારતીય સેનાનું વાહન ખાબક્યું છે. ચાર જવાનો શહીદ થયા છે. રાજ્યમાં આગામી 7 દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યૂલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદ પડશે.
ખેડા: કપડવંજના અલવા ગામે 2 કિશોર તણાયા. ગામમાંથી પસાર થતી નદીનાં વહેણમાં કિશોર તણાયા હતા. નદી પરનો રસ્તો પસાર કરતા સમયે દુર્ઘટના બની હોવાની અટકળો લગાવાઈ રહી છે. કપડવંજ ફાયરબ્રિગેડ,પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે તણાયેલા બંને કિશોરોની શોધખોળ હાથ ધરી છે.
બનાસકાંઠા: નર્મદાની મુખ્ય કેનાલમાં મહિલાએ લગાવી મોતની છલાંગ. ત્રણ સંતાનો સાથે માતાએ કેનાલમાં ઝંપલાવ્યુ. જેમા એક બાળકનો આબાદ બચાવ થયો.
દિયોદરના લુદ્રા પાસેની ઘટના છે. કેનાલમાં ઝંપલાવનાર મહિલા ભાભરની હોવાનુ અનુમાન છે. સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં શોધખોળ શરૂ કરી છે.
અરવલ્લી: મોડાસાના સાયરા પાસે બ્રિજ પર જોખમી રીતે કાર પસાર કરતો વીડિયો સામે આવ્યો છે. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી જોખમી રીતે કાર પસાર થઈ.
સાયરાથી બ્લોક ફેક્ટરી વચ્ચેના ડીપ બ્રિજ પર માઝમ નદીના પાણી ફરી વળ્યા છે. માઝુમ ડેમ નજીક ડીપ બ્રિજ પરથી પસાર થવુ એ કોઈ જોખમથી ઓછુ નથી.
કાર ચાલકે પાણીના પ્રવાહમાં કાર પસાર કરી જીવ જોખમમાં મુક્યો. સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો.
બનાસકાંઠા: અમદાવાદ પાલનપુર હાઇવે પર સોનાની ચીલઝડપ સામે આવી. છાપી પાસે આવેલા ભરકાવાડાના પાટીયા પાસે શ્રીરામ હોટલ આગળ રાજસ્થાનનો આંગડિયા કર્મી લૂંટાયો. અમદાવાદનો આંગડિયા કર્મી સોનુ લઈને રાજસ્થાન જતો હતો. સોનાના થેલા સાથે હોટલ પર નાસ્તો કરવા ઉતરેલો કર્મચારી લૂંટાયો. અંદાજિત દોઢ કિલો ઉપરાંતનું સોનુ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. લૂંટ કરનાર બે ઈસમો સોનુ ભરેલ બેગ લઈ પાલનપુર તરફ ફરાર થઈ ગયા. બસમાં આવેલા બે લોકોે સોનાની લૂંટને અંજામ આપ્યો. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીના વડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખેતરોમાં મગફળીના પાથરા પલળી જતા મહેનત પાણીમાં ગઇ. વાત કરીએ ઢુંઢીયા પીપળીયા ગામની. અહીં, પણ વરસાદના કારણે મગફળીનો પાક પલળી ગયો. ખેડૂતોએ એક વીઘે 15 હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો. મોંઘા ભાવનું બિયારણ વાવ્યું અને મજૂરી કરી. પરંતુ, વરસાદે એક ઝાટકે પાક તબાહ કરી નાંખ્યો. ઉલ્લેખનીય છે, છેલ્લા 7 દિવસથી વરસાદ બંધ હતો અને તાપ નીકળ્યો ત્યારે, ખેડૂતોએ કુદરતના ભરોસે મગફળી કાઢીને ખેતરમાં પાથરા કર્યા હતા. પરંતુ, હવે પાક પલળતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે અને માગ કરી છે, કે સરકાર પાક નુકસાનીનો સર્વે કરીને સહાય આપે.
સાબરકાંઠા: તલોદમાં ભારે વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 4 ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ગોરા ગામે ભારે વરસાદને પગલે ઘૂંટણસમા પાણી ભરાયા છે. આંગણવાડી, પ્રાથમિક શાળા, મઘ્યાહન ભોજન ખંડ પાણીમાં ગરકાવ થયા છે. આ તરફ મધ્યાહન ભોજન અને આંગણવાડીમાં રહેલો અનાજનો જથ્થો પલળી ગયો છે. હાલ ભારે વરસાદને પગલે પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં રજા જાહેર કરાઈ છે.
બાળકો માટે પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં રજા જાહેર કરાઇ
સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. રાજકોટ ઉપલેટાના ખેડૂતોએ એકત્ર થઇને મામલતદારને આવેદનપત્ર આપ્યુ. ખેડૂતોએ માગ કરી કરે લીલો દુષ્કાળ જાહેર કરી તેમને સહાય ચુકવવામાં આવે. સર્વે કરીને નુકસાની પ્રમાણે વળતર ચૂકવવા સરકાર પાસે માગ કરવામાં આવી. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિત કોંગ્રેસ કાર્યકરો પણ મામલતદાર કચેરીએ ખેડૂતોની સાથે આવેદનપત્ર આપવા સમયે હાજર રહ્યા હતા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે જો સરકાર પુરતી સહાય નહીં ચુકવે તો આંદોલન કરશુ. હાલ ભારે વરસાદને ગલે કપાસ, મગફળી, સોયાબીન, એરંડા સહિતના પાકને નુકસાન પહોંચ્યુ છે.
ગુજરાત રાજ્યમાં કાયમી OBC કમિશન નહીં હોવાનો વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી. માત્ર 1 સભ્ય પર ચાલતા કમિશન મામલે કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો. 2 સભ્યોને નિમણૂક ન આપ્યાનો યોગ્ય ખુલાસો ન આપતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી. 2 સપ્તાહની અંદર ચીફ સેક્રેટરી પાસે હાઇકોર્ટે ખુલાસો માગ્યો છે. કમિશનની કામગીરી સહિતની બાબતો પર સ્પષ્ટતા કરવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. 28 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
સુરત: શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અડાજણ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે મૂશળધાર વરસાદ વરસ્યો.
અનેક વિસ્તારોમાં માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ફરી મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરૂ થયો હોય તેવુ લાગી રહ્યુ છે.
સાબરકાંઠામાં પાછોતરા વરસાદે વિનાશ વિર્યો છે.તલોદમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અને ખેતરોમાં પણ ઘૂંટણસમા પાણી ભરતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.વરસાદને કારણે ખાસ કરીને તલોદનો ગોરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.અને ગામની આંગણવાડી હોય કે પ્રાથમિક શાળા હોય ત્યા પાણી ભરાઇ જતા ભારે મુશ્કેલી પડી હડી.એમાં પણ મધ્યાહન ભોજનમાં પાણી ભરાઇ જતા અનાજનો જથ્થો પલળી ગયો છે.અને બાળકોને ભોજન કઇ રીતે આપવુ તે પ્રશ્ન સતાવી રહ્યો છે.તો ગામમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.તો બીજી તરફ ગામમાં ભરાઇ રહેલા પાણીનો નિકાલ કરવા માટે તંત્રએ બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મમતા બેનર્જીને સણસણતો જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા Xના માધ્યમથી સીએમ ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી કે શબ્દો નહીં કાર્યવાહીની કરવાની જરૂર હોય છે. ગુજરાત સરકારે પોક્સો કેસમાં દાખલારૂપ કાર્યવાહી કરી તેની વિગતો પણ મુખ્યમંત્રીએ આપી. સીએમએ ત્વરીત કાર્યવાહી અને ઝડપી સજાની માહિતી આપી. આંકડ઼ા સાથે વિગતવાર માહિતી આપી મમતા બેનરજીના પ્રહારો પર પલટવાર કર્યો છે.
અમરેલી: જાફરાબાદમાં મધદરિયે બોટ ડૂબી છે. કિનારેથી 45 નોટિકલ માઇલ દૂર બોટ ડૂબી હતી. બોટમાં સવાર તમામ 8 ખલાસીઓનો બચાવ થયો છે. અન્ય બોટ ધારકોની સમયસૂચકતાથી બચાવ થયો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી કરતા કરોડોના ડ્રગ્સ સાથે ઓડિશાના ત્રણ લોકોની ધરપકડ કરી છે. 200 કિલોથી વધુ ગાંજો અને એમ.ડી સહિત ડ્રગ્સનું કન્ટેનર મળી આવ્યું છે. ઓડીસાથી ટ્રકમાં સૂકવેલા ગાંજાનો પાવડર મોટી માત્રામાં મળી આવ્યો છે. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની માહિતી મળી છે. 1100 કિલો ડ્રગ્સ ઓડીસાથી ટ્રકમાં આવતો હોવાની માહિતી મળી હતી. ડ્રગ્સનો જથ્થો વટવા GIDCમાં ઉતારવાનો હતો. ડ્રગ્સ અન્ય કઈ જગ્યા પર ઉતારવામાં આવ્યો હતો જેની તપાસ શરૂ કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ ઠેર ઠેર નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે વડોદરા ભાજપના કાઉન્સિલરો પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે. કાઉન્સિલર્સ કહી રહ્યા છે કે તેઓની કોઈ કિંમત થતી નથી, અધિકારીઓ તેઓને ગણકારતા જ નથી . નવાઈની વાત એ છે કે આવું એક બે નહી પરંતુ અનેક કાઉન્સિલર્સ કહી રહ્યા છે. પૂર બાદ કોર્પોરેટર્સ દ્વારા કરાયેલી ટિપ્પણીથી વડોદરાની જનતા માટે થતા વિકાસ કાર્યો પર ભારે અસર પડી છે. આ તરફ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર દ્વારા કાઉન્સિલરોને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે બધાની સાથે મળી સંકલન કરી તેઓના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી લોકો માટે કરવાના થતા કામોની ચોક્કસથી યોગ્ય ચર્ચાઓ કરવામાં આવશે.
અમરેલી: જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. દૂધાળા સહિતના ગામોમાં મૂશળધાર વરસાદ પડ્યો. પીપાવાવ પોર્ટ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્તા રસ્તાઓ પાણી પાણી થયા છે. સમગ્ર દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.
ડાંગના સાપુતારા જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અહીં અજાણ્યા 3 શખ્સોએ વ્યારાના વેપારી પાસેથી રૂપિયા 6 લાખની લૂંટ ચલાવી. ગિરિમથક સાપુતારાથી વઘઇ જતા રોડ પર માલેગાંવ પાસે આ ઘટના બની. વેપારી નાસિકના નિફાડ ખાતે પેમેન્ટ કરવા માટે જઇ રહ્યો હતો, તે દરમિયાન લૂંટાઇ ગયો. પોલીસને મળેલી ફરિયાદ મુજબ, 5 ઓગસ્ટે વહેલી સવારે 4થી 5 વાગ્યાના સમયગાળામાં 3 શખ્સો બાઇક લઇને આવ્યા હતા. તેમણે વેપારીની કાર રોકાવી અને ધમકી આપીને રૂપિયા ભરેલું બેગ લઇને ફરાર થઇ ગયા. મહત્વનું છે, હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત: ‘જળસંચય જન ભાગીદારી યોજના’નો શુભારંભ થયો છે. PM મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા છે. PM મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી યોજનાનો શુભારંભ કરાવ્યો. CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જળસંચય યોજનાનો પ્રારંભ થયો છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાને લાભ મળશે.
ગાંધીનગર RTOમાં ટ્રેકમાં પાણી ભરાયું છે. ટ્રેકમાં પાણી ભરાવવાથી અરજદારો ધક્કો ખાવા માટે મજબુર થયા છે. ભારે વરસાદના કારણે ટ્રેકની અંદર પાણી ભરાઈ જવાથી શોટ સર્કિટ થયું છે. શોર્ટ સર્કિટ થવાથી વાયરો બળી જવાથી હાલ પૂરતું અરજદારો ટુવહીલર ટેસ્ટ ન આપી શકે. ગઈ કાલે રાબેતા મુજબ અરજદોર ટેસ્ટ આપી શકે તે માટે ટેસ્ટ ડ્રાઇવનો સર્વે પણ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર: દહેગામમાં ધોધમાર અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. સાણોદા, વાસણા, ચોકઠી, માણેકપુર ગામમાં વરસાદ વરસ્યો છે. સાણોદા ગામમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. નીચાણવાળા અનેક ઘરમાં પાણી ઘુસ્યા છે.
સુરેન્દ્રનગર: તરણેતરનો ભાતીગળ લોકમેળો ખુલ્લો મુકાયો છે. ત્રીનેશ્વર મહાદેવની વિશેષ પૂજા કરી મેળો ખુલ્લો મુકાયો છે. વરસાદના વિઘ્ન વચ્ચે 4 દિવસીય લોકમેળો શરૂ કરાયો છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરા, ગ્રામીણ ઓલમ્પિક પશું સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. CM,ગૃહ રાજ્ય પ્રધાન સહિતના નેતાઓ મેળામાં હાજરી આપશે. સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરતા મેળામાં લોકો ઉમટી પડ્યા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. કરોડો રૂપિયાનાં ડ્રગ્સ સાથે ઓડિશાના ત્રણ લોકોની ધરપકડ થઇ છે. 200 કિલોથી વધુ ગાંજો અને એમ.ડી સહિત ડ્રગ્સનું કન્ટેનર મળી આવ્યું છે. ઓડીસાથી ટ્રકમાં સૂકવેલા ગાંજાનો પાવડર મોટી માત્રામાં મળી આવ્યો છે. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની માહિતી છે. 1100 કિલો ડ્રગ્સ ઓડીસાથી ટ્રકમાં આવતો હોવાની માહિતી મળી હતી. ડ્રગ્સનો જથ્થો વટવા GIDCમાં ઉતારવાનો હતો. ડ્રગ્સ અન્ય કઈ જગ્યા પર ઉતારવામાં આવ્યો હતો જેની તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં RMC કચેરી ખાતે કોંગ્રેસે વિરોધ કર્યો છે. ગાર્ડન શાખા દ્વારા વરસાદમાં પડી ગયેલા લાકડાં સગેવગે કરવાના મુદ્દે વિરોધ થઇ રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ લાકડાં સાથે મનપાની કચેરીએ પહોંચ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી તપાસની માગ કરી છે.
સુરત: ચોથા માળેથી નીચે પટકાતા 17 વર્ષીય કિશોરીનું મોત થયુ છે. ભેસ્તાનમાં સિસ્કા પ્લાઝા ખાતે આવેલા ટ્યુશન ક્લાસના ચોથા માળેથી નીચે પટકાતા સ્થળ પર જ મોત થયુ છે. પરિવારે કિશોરીની હત્યા થઇ હોવાના આક્ષેપ કર્યા છે. ભેસ્તાન પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા: અમદાવાદ પાલનપુર હાઇવે પર સોનાની ચીલઝડપ થઇ છે. છાપી પાસે આવેલા ભરકાવાડાના પાટીયા પાસે ઘટના બની છે. શ્રીરામ હોટલ આગળ રાજસ્થાનનો આંગડિયા કર્મી લૂંટાયો છે. અમદાવાદનો આંગડિયા કર્મી સોનુ લઈને રાજસ્થાન જતો હતો. અંદાજિત એક કિલો ઉપરાંતનું સોનુ હોવાની પ્રાથમિક માહિતી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટી 134.73 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાં પાણી આવક વધીને 3 લાખ 80 હજાર ક્યુસેક થઈ છે. પાણીની આવક વધતા ડેમના 15 દરવાજા 2 મીટર ખોલાયા છે. દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાવર હાઉસ મારફતે 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. નદીમાં કુલ 2 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો છે.
મુંબઈઃ લોઅર પરેલમાં આવેલી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. સાત માળની બિલ્ડિંગમાં આગ લાગતા દોડધામ મચી છે. ટાઈમ્સ ટાવર નામની કોમર્શિયલ બિલ્ડિંગમાં વહેલી સવારે આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાની કામગીરી ચાલુ છે. ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે છે.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગેમીંગ એક્ટિવિટી માટે સરકાર નવા નિયમો જાહેર કર્યા છે. ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ જોગવાઈ બનાવાઇ. રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ અંગે જોગવાઈ કરવામાં આવી છે. પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOCની જોગવાઈ કરવામાં આવી છે. અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટની વ્યવસ્થા કરવી પડશે. ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરીયાની વ્યવસ્થા પણ કરવી જરૂરી છે. BU સર્ટિફિકેટ, ફાયર NOC, તમામ લાયસન્સ, સર્ટિફિકેટ, પરમિટ વગેરે પ્રદર્શિત કરવા પડશે.
રાજ્યમાં આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા, કચ્છના ભાગમાં ધોધમારના એંધાણ છે. મધ્ય ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. પંચમહાલ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે.
સુરત: વીર નર્મદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારના પત્રથી વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલતું હોવાનો ચોંકાવનારો દાવો છે. કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ રજિસ્ટ્રારે પત્ર લખ્યો હતો. વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરાવવાની પણ માગ કરી છે. યુનિવર્સિટીમાં ગણેશ સ્થાપનાને લઈને વિવાદ સર્જાયો છે. ગણેશ સ્થાપનામાં એક જૂથ ભયનું વાતાવરણ સર્જે છે તેવો આરોપ છે.
સુરત: માંગરોળના રણકપોર ગામે પૂરથી તારાજી સર્જાઇ છે. માંગરોળ તાલુકામાં ખેતીને ઠેર ઠેર નુકસાન થયુ છે. શેરડી, ડાંગર, કેળા અને શાકભાજી સહિતના પાકોને નુકસાન પહોંચ્યુ છે. રણકપોર ગામે ખેડૂતોનો સંપૂર્ણ પાક નષ્ટ થયાનો દાવો છે. ખેડૂતો દ્વારા વહેલી તકે સર્વેની કામગીરી કરવા માગ કરવામાં આવી છે. નુકસાની સર્વે અને વળતર ચુકવણીના નિયમો સામે નારાજગી જોવા મળી રહી છે.
Published On - 7:33 am, Fri, 6 September 24