23 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સુરતમાં કામરેજના અંત્રોલી ગામ પાસેની કેનાલમાં બે સગીર ડૂબી ગયા

|

Sep 23, 2024 | 8:53 PM

આજે 23 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

23 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સુરતમાં કામરેજના અંત્રોલી ગામ પાસેની કેનાલમાં બે સગીર ડૂબી ગયા

Follow us on

અમેરિકાના ન્યૂયોર્કમાં ભારતીય સમૂદાયને PM મોદીએ સંબોધન કર્યુ. કહ્યુ- અમેરિકા-ઈન્ડિયા દુનિયાનો નવો AI પાવર છે.  ક્વાડ સમિટની બેઠકમાં નામ લીધા વિના ચીન પર PMએ નિશાન સાધતા કહ્યું, અમે કોઈની વિરુદ્ધ નથી, પ્રાદેશિક અખંડિતતા માટે આદર છે.  ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ જંગના એંધાણ છે. હિઝબુલ્લાએ 150થી વધુ રોકેટ છોડ્યા છે. બોંબ શેલ્ટરમાં છૂપાવવા લોકો મજબૂર છે. તિરુપતિ પ્રસાદ વિવાદ મુદ્દે જગને PMને પત્ર લખ્યો છે. ચંદ્રાબાબુ જુઠ્ઠાણા ફેલાવતા હોવાનો આક્ષેપ કર્યો. તો દ્વારકા પીઠના શંકરાચાર્યે પણ પવિત્રતા જાળવવા અપીલ કરી છે. દાહોદમાં બાળકીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો. શાળાનો આચાર્ય જ હત્યારો નીકળ્યો.  બાળકી પર દુષ્કર્મના પ્રયાસ કર્યો હતો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Sep 2024 08:44 PM (IST)

    ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરી પાસે વિદ્યાર્થિનીની છેડતી

    અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરી પાસે વિદ્યાર્થિનીની છેડતીની એક ઘટના સામે આવી છે.  ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં એક વ્યક્તિએ વિદ્યાર્થીનીઓ સામે અશ્લીલ હરકતો કરી હતી. અશ્લીલ હરકતો કરતા વ્યક્તિને વિદ્યાર્થિનીઓએ જ ઝડપી પાડ્યો હતો. ડિપાર્ટમેન્ટના સિક્યોરિટી ગાર્ડે , વિદ્યાર્થીનીઓએ પકડેલા વ્યક્તિને ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો. યુનિવર્સિટીએ વિદ્યાર્થીની છેડતી કરનાર વ્યક્તિની તપાસ કરાવતા તે માનસિક રોગી હોવાની બાબત સામે આવી છે.

  • 23 Sep 2024 08:40 PM (IST)

    સુરેન્દ્રનગરના દુધરેજ ગામનું ગામતળનું રેકર્ડ ગુમ થતા ગ્રામજનોને હાલાકી

    સુરેન્દ્રનગરના દુધરેજ ગામનું ગામતળનું રેકર્ડ ગુમ થતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 1994 થી દુધરેજ ગામ સુરેન્દ્રનગર નગરપાલિકામાં ભળ્યું છે. ત્યારથી દુધરેજ ગામતળનું રેકર્ડ ગુમ થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગામતળનો સત્તાવાર રેકર્ડ ના હોવા થી 2 હજારથી વધુ ઘરના દસ્તાવેજ અને વારસાઈ જેવા કામો અટકી પડ્યા છે. મુખ્યમંત્રી સુધી ગ્રામજનોએ કરી છે. જો કે રજુઆત છતાં પણ કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. દુધરેજના 2 હજાર ઘરના લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાના લાભ પણ નથી મળી રહ્યા. તાત્કાલિક યોગ્ય ઉકેલ લાવવા સ્થાનિકોની માંગ છે.


  • 23 Sep 2024 08:37 PM (IST)

    સુરતમાં કામરેજના અંત્રોલી ગામ પાસેની કેનાલમાં બે સગીર ડૂબી ગયા

    સુરતમાં કામરેજના અંત્રોલી ગામ પાસેની કેનાલમાં બે સગીરો ડૂબી ગયા છે. કેનાલમાં હાથ પગ ધોઈ રહ્યા હતા તે દરમિયાન બે પૈકી એક સગીરનો પગ લપસી ગયો હતો. જેને બચાવવા જતા બીજા સગીરનો પણ પગ લપસી જતા કેનાલમાં પડ્યા હતા. બન્ને સગીરો કેનાલના પાણીમાં તણાઈ ગયા હોવાની વિગતો સામે આવી છે. કેનાલમાં ડૂબી જનારા સગીર, સુરત સીટીમાંથી માંગરોળના પીપોદરા ગામે મોગલ માતાના મંદિરે મિત્રો સાથે દર્શન કરવા આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની ટીમે ડૂબી ગયેલા સગીરોની શોધખોળ હાથ ધરી છે.

  • 23 Sep 2024 08:15 PM (IST)

    જૂનાગઢ જિલ્લા જેલમા કેદીએ ખીલ્લી ખાઈ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

    જૂનાગઢ જિલ્લા જેલમા કેદ, કાચા કામના કેદી સાગર મુંધવાએ ખીલ્લી ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. જેલમાં ફર્નીચરનુ કામ ચાલતુ હોઈ, લોખંડની ખીલ્લી ખાધી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. દુષ્કર્મના ગુનામાં સાગર મુંધવા હાલ જૂનાગઢ જેલમા છે. થોડા દિવસ પહેલ જેલ કર્મી સાથે આરોપી સાગર મુંધવાએ કરી હતી ઝપાઝપી. લોખંડની ખીલ્લી ખાઈ જનારા આરોપી સાગર મુંધવાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.

  • 23 Sep 2024 07:20 PM (IST)

    બદલાપુર રેપ કેસનો ગુનેગાર અક્ષય શિંદે એન્કાઉન્ટરમાં માર્યો ગયો

    મહારાષ્ટ્રના બદલાપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આખા દેશને હચમચાવી દેનાર બદલાપુર બળાત્કાર કેસના મુખ્ય આરોપીએ અચાનક પોલીસ પર ગોળીબાર કર્યો, જ્યાં પોલીસે જવાબી ફાયરિંગમાં આરોપી અક્ષયનું મોત નીપજ્યું. ફાયરિંગમાં અક્ષય ગંભીર રીતે ઘાયલ થયો હતો, જે બાદ હોસ્પિટલ પહોંચતા જ અક્ષયનું સારવાર દરમિયાન મોત થયું હતું.

  • 23 Sep 2024 07:02 PM (IST)

    રાજકોટ, સુરત, ગાંધીનગર મનપાના રસ્તા માટે રૂ. 255 કરોડ મંજૂર કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગાંધીનગર, રાજકોટ અને સુરત એમ ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ 255.06 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના ઘટકમાંથી છેલ્લા ચાર વર્ષમાં સુરત મહાનગરપાલિકાને 1493 કામો માટે રૂ. 730.85 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને શહેરી સડકના 29 કામો માટે રૂ. 168.94 કરોડ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાને 07 કામો માટે રૂ. 57.68 કરોડ મળીને કુલ શહેરી સડકના 1529 કામો માટે 961.47 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

  • 23 Sep 2024 06:46 PM (IST)

    સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી પહોચી 138.02 મીટરે

    વર્તમાન ચોમાસા દરમિયાન પહેલીવાર  સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138 મીટરને પાર થવા પામી છે. હાલમાં ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક 1,32,221 ક્યુસેક થઈ રહી છે. જેના પગલે, સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધીને 138.02 મીટરે પહોચી છે. જો કે જળસપાટી 138.68 મીટર સુધી પાણી પહોચે તો જ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થાય. જો કે, સરદાર સરોવર નર્મદા ડેમનો એક દરવાજો  0.65 મીટર ખુલ્લો રાખવામાં આવ્યો છે. નર્મદા નદીમાં ટોટલ 46,813 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

  • 23 Sep 2024 06:24 PM (IST)

    અમદાવાદમાં હવે બગીચામાં જવું પડશે મોંધુ, ભાજપ શાસિત AMC વસુલશે રુપિયા 10

    ભારતીય જનતા પાર્ટી શાસિત અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત થલતેજના ગોટિલા ગાર્ડન અને બોડકદેવના મોન્ટેકાર્લો ગાર્ડનમાં જવા માટે હવે રૂપિયા ચૂકવવા પડશે. ગોટિલા અને મોન્ટેકાર્લો ગાર્ડનમાં જવા માટે 10 રૂપિયા ચૂકવવા પડશે. જો કે સવારે મોર્નિગ વોક કરનારાઓનો રોષ વહોરવો ના પડે તે માટે એએમસી સત્તાવાળાઓએ, સવારે 6 થી 10 સુધી બંને ગાર્ડનમાં લોકો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. સવારના 10 વાગ્યા પછી ગોટિલા અને મોન્ટેકાર્લો રાત્રીના સમયે બંધ થાય ત્યાં સુધી પ્રવેશનાર પાસેથી રૂપિયા 10 વસૂલવામાં આવશે.

     

  • 23 Sep 2024 06:19 PM (IST)

    AMTSની રૂટ નંબર 144 બસમાંથી CNG સિલિન્ડર નીકળી ગયું, મુસાફરોનો આબાદ બચાવ

    નવરંગપુરા ફાટક ક્રોસ કરતી વખતે એએમટીએસના રૂટ નંબર 144ની બસમાંથી CNG સિલિન્ડર રસ્તા પર પડ્યું હતુ. રેલવે ફાટક પર સીએનજી ગેસની બોટલ નીચે પડતા તંત્ર દોડતું થયું હતું. ફાયર વિભાગની સમય સૂચકતાને કારણે  બસમાં સવાર 50 જેટલા મુસાફરોના જીવ બચ્યાં હતા. આ ઘટનાને પગલે, AMTS નાં ટેકનિકલ વિભાગ પર અનેક સવાલ ઉઠ્યા છે. જો બસની ગૅસ બોટલમાં બ્લાસ્ટ થયો હોત તો જવાબદાર કોણ? બસને રૂટ પર મોકલ્યા પહેલા ચેકીંગ કરાયું હતું કે કેમ? નવરંગપુરા રેલવે ફાટક નજીક ચાલુ AMTS બસમાંથી CNG સિલિન્ડર નીકળી ગયા અંગે અનેક સવાલ સર્જાયા છે.

     

  • 23 Sep 2024 06:13 PM (IST)

    ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત

    ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત. પ્રમુખ પદેથી બ્રિજેશ ત્રિવેદીને હટાવવાની માંગ સાથે 63 લોકોએ કમિટીને લખ્યો હતો પત્ર. પત્રને ધ્યાને લઈને 14 તારીખના રોજ અવિશ્વાસના પ્રસ્તાવ પર થશે વોટિંગ. પ્રમુખ પદ પર રહીને યોગ્ય કાર્ય ન કરતા હોવાના આક્ષેપ સહિતના મામલાઓને લઈને બ્રિજેશ ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત કરાઈ છે.

  • 23 Sep 2024 06:09 PM (IST)

    સુપ્રીમ કોર્ટનો આદેશઃ વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે IAS વિનોદ રાવ સામે થશે તપાસ

    વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાના તત્કાલીન મનપા કમિશનર વિનોદ રાવની અરજી પર સુપ્રીમ કોર્ટનો લેખિત આદેશ જાહેર થયો છે. IAS વિનોદ રાવ સામે થશે તપાસ. સુપ્રીમકોર્ટે IAS વિનોદ રાવની અરજી ફગાવતા કર્યા અવલોકન. સુપ્રીમ કોર્ટે કહ્યું કે,  અમારી તપાસની શરૂઆતના સ્ટેજ પર જ વિફલ કરવાનું કોઈ કારણ નથી. તપાસ કરનાર અધિકારી કોર્ટના આદેશની ટિપ્પણીઓથી પ્રભાવિત થયા વિના તપાસ કરે. સત્ય શોધક સમિતિનાં અહેવાલમાં બંને તત્કાલીન મ્યુ. કમિશનરોની બેદરકારી અંગેનો થયો હતો ઉલ્લેખ.

  • 23 Sep 2024 05:30 PM (IST)

    ગુજરાતના કેટલાક ભાગમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

    હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટ આપવામાં આવી છે. આવતીકાલે દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી અને, ડાંગમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરાઈ છે.  અમદાવાદના તાપમાનમાં વધારો થયો છે. સામાન્ય તાપમાન કરતા 1.7 ડિગ્રીનો વધારો નોંધાયો છે. મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 33 થી 34 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું છે.

  • 23 Sep 2024 05:28 PM (IST)

    ડો. વૈશાલી જોષી આત્મહત્યા કેસમાં PI બી.કે ખાચરની જામીન અરજી ફગાવાઈ

    અમદાવાદમાં ચર્ચાસ્પદ બનેલ ડો. વૈશાલી જોષી આત્મહત્યા કેસમાં આરોપી પોલીસ ઈન્સ્પેકટર,  બી.કે ખાચરને સેશન્સ કોર્ટથી ઝટકો લાગ્યો છે. સેશન્સ કોર્ટે P.I ખાચરની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, આરોપી સામે ગંભીર આરોપ છે. આરોપીની ગુનામાં સક્રિય ભૂમિકા જોતા જામીન આપી ના શકાય.

  • 23 Sep 2024 04:57 PM (IST)

    મહારાષ્ટ્ર સરકારે પુણે એરપોર્ટનું નામ બદલ્યું

    મહારાષ્ટ્ર સરકારે પુણે લોહગાંવ એરપોર્ટનું નામ બદલી નાખ્યું છે. એરપોર્ટ હવે સંત તુકારામના નામે ઓળખાશે. લોહગાંવ એરપોર્ટ પુણે એરપોર્ટ તરીકે પણ ઓળખાય છે. મહારાષ્ટ્ર કેબિનેટે, પુણે એરપોર્ટનું નામ બદલવાનો નિર્ણય લીધો છે.

  • 23 Sep 2024 02:58 PM (IST)

    સરકારને બદનામી અપાવવા અધિકારીઓ અવનવા ગતકડા કરે છે: શાળા સંચાલક મહામંડળ

    સરકારે વિદ્યાર્થી શિષ્યવૃત્તિના નિયમોને વધુ અઘરા બનાવતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હેરાન- પરેશાન થયા છે. આ અંગે હેરાન થયેલા સરકારી શાળાના બાળકનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શિષ્યવૃત્તિ લેવા પડતી તકલીફને બાળકે પોતાની કાલીઘેલી ભાષામાં પત્ર સ્વરૂપે રજૂ કરી છે. શિષ્યવૃત્તિ માટે આટલા બધા કાગળ માંગવામાં આવે છે કે માતા-પિતા તાલુકા મથકે ધક્કા ખાઈને થાક્યા છે. કંટાળી આખરે માતાએ કહ્યું કે, હવે આપણે શિષ્યવૃત્તિ નથી જોઈતી. સ્કૂલના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે રેશનકાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યો હોવાના મામલે, શાળા સંચાલક મહામંડળે વિરોધ નોંધાવ્યો છે. સરકાર પાસે વિદ્યાર્થીનું આધારકાર્ડ છે, વિદ્યાર્થીની માહિતી છે, તો પછી રાશનકાર્ડ શા માટે? કેટલાક અધિકારીઓ અટપટ્ટા નિયમ બનાવીને સરકાર બદનામ થાય તેવા ગતકડાં કરે છે તેવો આક્ષેપ શાળા સંચાલક મંડળે લગાવ્યો છે.

  • 23 Sep 2024 02:21 PM (IST)

    સુરત : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૌથી મોટો પર્દાફાશ

    સુરત : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૌથી મોટો પર્દાફાશ થયો છે. સુરતમાં બે દિવસ પહેલા કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર સામે આવ્યુ હતુ. આ મામલામાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ઘટનાને પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી છે. સુભાષ પોદારે પોતે જ પેડ લોક કાઢ્યા હતા.
    એવોર્ડ અને પ્રમોશન મેળવવા રેલવે કર્મચારીઓએ રચ્યું ષડયંત્ર.

  • 23 Sep 2024 01:36 PM (IST)

    વડોદરા : કૌટુંબિક કાકા સસરાએ પુત્રવધુ પર આચર્યુ દુષ્કર્મ

    વડોદરામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.  કૌટુંબિક કાકા સસરાએ પુત્રવધુ પર દુષ્કર્મ આચર્યુ. અણગઢ ગામે રહેતી પુત્રવધુની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યુ. પીડિતાએ કાકા સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી. આરોપી ભાજપનો કાર્યકર હોવાનું પણ ખુલ્યુ.

  • 23 Sep 2024 11:23 AM (IST)

    કચ્છમાં ફરી નોંધાયો ભૂકંપનો આંચકો

    કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો નોંધાયો છે. રાપરથી 12 કિમી દૂર  તેનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યુ છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા  3.3 ની નોંધાઇ છે. આજે સવારે 10.05 મિનિટે ભૂકંપ અનુભવાયો હતો.

  • 23 Sep 2024 11:13 AM (IST)

    અમદાવાદ કોંગ્રેસના એક વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલતા છલકાઈ

    અમદાવાદ કોંગ્રેસના એક વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલતા છલકાઈ છે. કોંગ્રેસના ચાંદખેડાના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો પોસ્ટ થયા છે. આધેડ કાર્યકરે ફોટો પોસ્ટ કરતા મહિલા કાર્યકરો શરમમાં મુકાઇ. ચાંદખેડા બૂથ ટીમ અને સંગઠનના ગ્રુપમાં ફોટો શેર થયા હતા. અશ્લીલ ફોટો ડિલેટ કરી કાર્યકરને ગ્રુપમાંથી રિમૂવ કરવામાં આવ્યો છે. જો કે  આધેડનો મોબાઇલ હેક થયાનો હોદ્દેદારોનો દાવો છે.

  • 23 Sep 2024 10:07 AM (IST)

    રાજકોટ: મારવાડી કોલેજમાં વિધાર્થીનીઓ વચ્ચે બબાલ

    રાજકોટ: મારવાડી કોલેજમાં વિધાર્થીનીઓ વચ્ચે બબાલ થઇ. એક વિધાર્થીનીએ રૂમમેટનો વીડિયો ઉતારતા બબાલ થઈ. રૂમમેટનો નહાતો વીડિયો ઉતાર્યો હોવાની શંકાએ એક યુવતીને માર મરાયો.  વિદ્યાર્થીનીઓ વચ્ચે બબાલનો વીડિયો વાયરલ થયો. હોબાળો થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

  • 23 Sep 2024 10:06 AM (IST)

    રાજકોટ: ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખનું દારૂના કેસમાં ખુલ્યું નામ

    રાજકોટ: ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખનું દારૂના કેસમાં નામ ખુલ્યું. શહેરના વોર્ડ નં-૧૪ના ભાજપ બક્ષી પંચના પ્રમુખનું નામ ખુલતા ચકચાર મચી છે. દારૂના કેસમાં જયદીપ દેવડાનું નામ સામે આવ્યું છે. ગોપાલ નગર-9માં ભક્તિનગર પોલીસે બાતમી આધારે રેડ પાડી હતી. રેડ દરમિયાન પોલીસે પ્રિયાંક લોખીલ, મિત દેવડા નામના શખ્સોને ઝડપ્યા હતા. 54 બોટલ દારૂ અને 24 ટીન બિયર મળી આવ્યા હતા.

  • 23 Sep 2024 08:13 AM (IST)

    અરઠી કાદરપુર વચ્ચે અકસ્માતમાં પોલીસકર્મીનું મોત

    મહેસાણા: ખેરાલુ સતલાસણા હાઈવે પર અકસ્માત સર્જાયો છે. અરઠી કાદરપુર વચ્ચે અકસ્માતમાં પોલીસકર્મીનું મોત થયુ છે. અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો.. બાઈક સવાર પોલીસકર્મી સાથે તેમના પત્ની હતા. બંનેને ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર અર્થે વડનગર સિવિલ ખસેડાયા હતા. ફરજ પરના તબીબે પોલીસકર્મીને મૃત જાહેર કર્યો હતો.

  • 23 Sep 2024 07:29 AM (IST)

    અમદાવાદઃ બાકરોલમાં ઓનર કિલિંગનો કેસ

    અમદાવાદઃ બાકરોલમાં ઓનર કિલિંગનો કેસ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીઓનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. 4 આરોપીના 8 દિવસના રિમાન્ડ પર છે. પરિવારજનોએ જ યુવતીની હત્યા કરી હતી. પિતા અને પિતરાઈ ભાઈ સહિત ચાર આરોપી રિમાન્ડ પર છે. તપાસ દરમિયાન અન્ય આરોપીઓના નામ ખૂલી શકે છે.

  • 23 Sep 2024 07:27 AM (IST)

    PM મોદીએ ન્યૂયોર્કમાં કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે દ્વિપક્ષીય બેઠક કરી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ ખાલિદ અલ-હમદ અલ-સબાહ અલ-સબાહ સાથે ન્યુયોર્ક, યુએસએમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

Published On - 7:26 am, Mon, 23 September 24