22 ઓગસ્ટના મહત્વના સમાચાર : આગામી 7 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી, 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા આગાહી, લાગ્યા 3 નંબરના સિગ્નલ
Gujarat Live Updates આજ 22 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 22 ઓગસ્ટને શુક્વારરના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
24 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
24 ઓગસ્ટ સુધી હજુ પણ ભારે વરસાદ યથાવત રહી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાત પર એક સાથે હાલ 3 સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે હજુ પણ ધોધમાર વરસાદ યથાવત રહેશે. ઉત્તર ગુજરતા અને મધ્ય ગુજરાતમાં હવે ધોધમાર વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આગામી કલાકોમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ આવશે સારો વરસાદ
-
અમદાવાદમાં તોફાની વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો થયા પરેશાન
અમદાવાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા પૂર્વથી લઈ પશ્ચિમના વિસ્તારોમાં આક્રમક અંદાજમાં વરસ્યા. જાણે આજે જ આખી સિઝનનો મેઘો વરસી જવાનો હોય તેમ ધમકોકાર અંદાજમાં મેઘરાજા વરસ્યા. ભારે વરસાદને પગલે મણીનગર, ઈસનપુર અને ખોખરા વિસ્તારમાં માર્ગો પર પાણી ભરાયા અને અનેક વાહનચાલકોના વાહન બંધ પડી ગયા હતા. આ તરફ વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ઼્યો હતો. રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા. જેથી રાહદારીઓને પરેશાની થતી હતી. રસ્તા પર જાણે નદી વહેતી થઈ હોય તેમ પાણી ખળ ખળ વહી રહ્યું હતું. અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. કેટલાક લોકોના વાહન ખોટકાઈ જતા લોકોએ ધક્કા મારવાની નોબત આવી હતી. સાથે જ પ્રચંડ ગાજવીજ સાથે વરસાદના કારણે સમગ્ર બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો.
-
-
2030માં કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં ઓલિમ્પિક ગેમ્સ માટે અમદાવાદ સજ્જ
2030માં કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં ઓલિમ્પિક ગેમ્સ માટે ગુજરાતે યજમાન બનવાની દાવેદારી કરી છે. ત્યારે ગુજરાતમાં હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સજ્જ છે. અમદાવાદના નારણપુરામાં નિર્મિત “વીર સાવરકર” સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સે રમત-ગમતના ક્ષેત્રમાં ગુજરાતની શોભામાં અભિવૃદ્ધી કરી છે. 21 એકરથી વધુ જમીનમાં રૂપિયા 823 કરોડના ખર્ચે બનેલું આ કોમ્પ્લેક્સ 2036ના ઓલિમ્પિક અને 2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. 2036ના ઓલિમ્પિક માટે અમદાવાદને ‘સ્પોર્ટ્સ સિટી’ તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસોના ભાગરૂપે આ કોમ્પ્લેક્સ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
-
વડોદરાઃ પોદાર સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલો
વડોદરાઃ પોદાર સ્કૂલમાં વિદ્યાર્થી એ બીજા વિદ્યાર્થીએ હુમલો કર્યો. ચહેરા પર નખ મારતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો. પોતાની બેન્ચ પરથી હટવાનું કહેતા વિદ્યાર્થીએ હુમલો કર્યો. હુમલો કરનારા વિદ્યાર્થી પાસે ચપ્પુ પણ હોવાનો દાવો, બન્ને વિદ્યાર્થી ધોરણ-7માં કરે છે અભ્યાસ
-
વડોદરા: 291 વર્ષ જૂના માંડવી ના પિલરનો બીજો હિસ્સો પણ થયો ધરાશાયી
વડોદરાની ઐતિહાસિક ઇમારત ની જાળવણી કરવામાં નિષ્ફળ ગયું હોવાના વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરીઓમ છેલ્લા 140 દિવસથી ધરણાં કરી રહ્યા છે અને આ જગ્યા પર સાંસદ થી લઈ પદાધિકારીઓ પણ આ પિલરની મુલાકાત લીધી પણ તે અંગે ચોક્કસ કામગીરી કરવા માટેની ઉત્સુકતા પણ નહીં દર્શાવતા વિરોધ ઉઠી રહ્યો છે. તો બીજી તરફ કામગીરી શરૂ કરે તે પહેલા જ વધુ એક વખત એક ભાગ ધરાશાયી થયો છે.
291 વર્ષ જૂના માંડવીના અગાઉ તૂટેલા પિલરનો બીજો એક હિસ્સો પણ મંગળવારે રાત્રે તૂટી પડતાં દોડધામ મચી હતી. 11 એપ્રિલે માંડવીના ચાંપાનેર ગેટ તરફના પિલરનો એક ભાગ તૂટી પડ્યો હતો. ત્યારબાદ નિર્ણય ન લેવાતાં પાલિકાના હેરિટેજ સેલના એન્જિનિયરિંગ વિભાગે 4 મહિના સુધી કોઇ કામગીરી ન કરી હોવાની વિગતો બહાર આવી છે. જેને લઈ વિઠ્ઠલ મંદિરના મહંત એ વિકાસ ના નામે તંત્ર ઊંઘમાં હોય તેવા આક્ષેપ કર્યા છે.
-
-
બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકી જતા પાણી પાણી થયુ વડોદરા
વડોદરાના શિનોર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શિનોરમાં માત્ર બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.. દામાપુરા, સાધલી સહિત ગામોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. ભારે વરસાદના કારણે શિનોર -સાધલી રોડ પર રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો. શિનોરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભારાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
-
ગુજરાતમાં વિદ્યાર્થિની હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત, અનેક શાળાઓમાં ચેકિંગ
અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ સુરત DEO એક્શન મોડમાં છે.જેમાં શહેર સહિત જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓની બેગનું ચેકિંગ હાથ ધરાયું હતું, શાળામાં બાળકોની સલામતી સંદર્ભે DEO કચેરીએ સૂચનો પણ કર્યા છે. જેમાં DEOના પત્રમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા બાબતે શાળાએ જરૂરી પગલા લેવા અંગે સૂચન કર્યું છે.
-
અમદવાદ ક્રાઈમ બ્રાંચે સેવન્થ ડે સ્કૂલ સામે ગુનો નોંધ્યો
અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચે સ્કૂલ સામે બેદરકારી બદલ ગુનો દાખલ કર્યો છે. સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. જી ઇમેન્યુઅલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સ્કૂલની ગંભીર બેદરકારીનો ખુલાસો થયો છે. મૃતક બાળક 38 મિનિટ સુધી ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો અને સ્કૂલ સંચાલક અને સિક્યુરિટીને જાણ થઇ છતાં કોઈ જ પગલાં લીધા ન હતા અને વિદ્યાર્થીને મરવા માટે છોડી દેવામાં આવ્યો હતો. વાલી અને પોલીસને જાણ કરવામાં પણ શાળાએ વિલંબ કર્યો હતો. સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીને કોઇ પ્રાથમિક સારવાર આપી ન હતી. સ્કૂલમાં ગાડી અને બસ હોવા છતાં વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા ન હતા.
-
અમદાવાદની શાળામાં વિદ્યાર્થી ની હત્યા બાદ વડોદરા શિક્ષણ વિભાગ એલર્ટ
અમદાવાદની ઘટના બાદ વડોદરા શિક્ષણ વિભાગ એલર્ટ થયો છે અને તમામ શાળાઓઓમાં શિસ્ત સમિતિ બનાવવા આદેશ કર્યો છે. વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર બહાર પાડી શાળામાં પ્રવેશ પહેલાં વિદ્યાર્થીઓનાં દફ્તર ચેક કરવા સૂચન કરાયુ છે. રિસેસમાં પણ વિદ્યાર્થીઓ પર નજર રાખવા સૂચના અપાઈ છે. અનિચ્છનીય ઘટના બને તો આચાર્ય, શિક્ષકો જવાબદાર હોવાનું જણાવાયુ છે.
-
સુરત: સચિનના પાલીગામના બાળકનું તાવથી મોત
સુરત પાછલા એક મહિનાથી રોગચાળાના ભરડામાં સપડાયું છે. અહીં ઘરે ઘરે બીમારીના ખાટલા પથરાયા છે. તો હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ છે. જોકે રોગચાળાના ભરડા વચ્ચે સુરતના સચિન વિસ્તારમાં તાવે બાળકનો ભોગ લીધો છે. એક વર્ષના બાળકને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ સર્જાઇ હતી. ગઇ કાલે પણ એક બાળકીનું થયું હતું મોત
-
ખંભાતના સોખડા સ્થિત એકતા ફ્રેશ ફૂડ કંપનીમાં ઝેરી ગેસની અસરથી 2 શ્રમિકોના મોત, 2 ઈજાગ્રસ્ત
આણંદ જિલ્લાના ખંભાતના સોખડા સ્થિત એકતા ફ્રેશ ફૂડ કંપનીમાં ઝેરી ગેસ લાગતા 2 શ્રમિકોના મોત થયા છે. જ્યારે અન્ય 2 શ્રમિકો ઝેરી ગેસની અસરથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. કંપનીના માલિકોએ, શ્રમિકોને ETP ટાંકીની સફાઈ કરવા ઉતારતા જ ઝેરી ગેસની અસરથી 2 યુવકોના મોત થયા. બચાવવા ગયેલા અન્ય 2 યુવકોને પણ ઝેરી ગેસ લાગતા ICUમાં સારવાર હેઠળ દાખલ કરાયા. કાર્ડિયાક કેર હોસ્પિટલ બહાર મૃતક શ્રમિકોના પરિવારનો આક્રંદ. ફૂડ બનાવતી કંપનીમાં ETP પ્લાન્ટમાં મોત મામલે અનેક તર્કવિતર્ક
-
રીબડા પેટ્રોલ પંપ ખાતે ફાયરીંગમાં વપરાયેલ હથિયાર અંગે વકીલ રવિ ગમારાનુ નામ ખુલ્યું
રાજકોટના રીબડા પેટ્રોલ પંપ ખાતે ફાયરીંગ કેસમાં મુખ્ય આરોપી હાર્દિક સિંહ જાડેજા પોલીસ કસ્ટડીમાં સપડાયો. પોલીસની પૂછપરછમાં હથિયાર સાચવનાર વકીલ રવિ ગમારાનું નામ ખૂલવા પામ્યું છે. ગોંડલ તાલુકા પોલીસ દ્વારા વકીલ રવિ ગમારાની ધરપકડ કરવામાં આવી છે. સાંજે ગુનાના કામે રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. શાર્પ શૂટરોને રીબડા ખાતે ફાયરીંગ કરવા માટે હથિયાર રવિ ગમારા દ્વારા આપવામાં આવ્યા હતા. અગાઉ ફાયરીંગનો પ્લાન નિષ્ફળ જતા હથિયારો રવિ ગમારાને સાચવવા આપ્યા હતા.
-
વધુ વરસાદથી કૃષિ પાકને થયેલા નુકસાન અંગે ખેડૂતને રાહત માટે સરકાર નિર્ણય કરશેઃ કૃષિ પ્રધાન રાઘવજી પટેલ
રાજ્યમાં જે જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે અને ખેડૂતોના કૃષિ પાકને નુકશાન થયું છે, તેવા પ્રભાવિત જિલ્લાઓના ખેતીવાડી અધિકારીઓને પાક નુકશાની અંગેની પ્રાથમિક વિગતો મેળવી અને સરકારને સોંપવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારના એક કાર્યક્રમ માં કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, જે જિલ્લાઓમાં ખેડૂતોને નુકશાન થયું છે તેની સર્વગ્રાહી સમીક્ષા બાદ સરકાર કિસાનો માટે રાહત રૂપી નિણર્ય કરશે.
-
બોગસ ખેડૂત ખાતેદાર બનીને ખરીદેલી ખેતીની જમીન, શ્રી સરકાર કરવા મોરબી કલેકટરનો આદેશ
મોરબી જિલ્લામાં બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં કલેકટરે મોટી કાર્યવાહી કરી છે. બોગસ ખેડૂત ખાતેદારે ખરીદી કરેલ જમીન શ્રી સરકાર કરવા કલેકટરે આદેશ કર્યો છે. જોશી પરિવારના ચાર સભ્યોને કલેકટરે બિનખેડૂત જાહેર કર્યા. હળવદના ખોડ ગામે ખેતીની જમીન લેનાર બિનખેડૂતને રૂપિયા 9.71 લાખનો દંડ પણ ફટકાર્યો છે. જિલ્લામાં અન્ય જગ્યાએ કોઈ જમીન લીધી હોય તો તે પણ શ્રી સરકાર કરવા કરાયો આદેશ.
-
PM મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે અમદાવાદની મુલાકાતે, વિકાસકાર્યોનુ લોકાર્પણ તથા ખાતમૂહુર્ત કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાત લેશે પીએમ મોદી. 25 ઓગસ્ટે સાંજે 5-30 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે. સાંજે 6 વાગે નિકોલના ખોડલધામમાં જાહેરસભાને સંબોધન કરશે. 500 કરોડના વિકાસકાર્યોનો લોકાર્પણ તથા ખાતમૂહુર્ત કરાશે. જાહેર સભા બાદ રાજભવન ખાતે પીએમ મોદી કરશે રાત્રી રોકાણ. રાત્રિ રોકાણ દરમિયાન મુખ્યમંત્રી તથા સંગઠનના પદાધિકારીઓ સાથે કરી શકે છે બેઠક. 26 ઓગસ્ટે હાંસલપુર સુઝુકી પ્લાન્ટની લેશે મુલાકાત. ત્યાર બાદ બપોરના 12:30 વાગે દિલ્હી જવા રવાના થશે.
-
સોલા હાઈકોર્ટના કેમેરા, ડેટાબેઝ, IT સેલ હેક કરી વિસ્ફોટ કરવાની ધમકી આપીને, 2000 USD ક્રિપ્ટો કરન્સીની ખંડણી માંગનાર સામે ફરિયાદ
સોલા હાઇકોર્ટને બોમ્બની ધમકી આપવા અંગે સોલા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધી છે. બૉમ્બ અને કેમિકલ પ્લાન્ટની ધમકી આપીને ખડણી માંગી હતી. 2000 USD ક્રિપ્ટો કરન્સીની ખંડણી માંગી હતી. હાઇકોર્ટેના CCTV કેમેરા, કોર્ટનો ડેટાબેઝ અને આઇટી સેલ હેક કરીને બૉમ્બ વિસ્ફોટની ધમકી આપી હતી. પોલીસે ઈમેલ કરીને ખડણી માંગીને ધમકી આપવાના કેસમાં નોંધી ફરિયાદ. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરાઈ રહી છે તપાસ.
-
ગોંડલના પોપટ સોરઠીયા હત્યા કેસમાં, અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી હાઇકોર્ટે રદ્દ કરી
રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને હાઇકોર્ટનો મોટો ઝટકો મળ્યો છે. ગોંડલના પોપટ સોરઠીયા હત્યા કેસમાં અપાયેલ સજા માફી હાઇકોર્ટે રદ્દ કરી છે. IPS ઓફિસર T S બિસ્તે અનિરુદ્ઘસિંહની આજીવન કેદમાંથી મુક્ત કરવાનો હુક્મ કર્યો હતો. સોરઠીયા પરિવાર દ્રારા IPSના હુક્મને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાનો હુક્મ કર્યો છે.
-
અમદાવાદમાં 18,000થી વધુ પેટ ડોગનું કરાયું, પેટ ડોગ માટે બનાવાયું CNG સંચાલિત ખાસ સ્મશાનગૃહ
AMC દ્વારા પાલતુ શ્વાન માટે CNG સંચાલિત સ્મશાનગૃહ બનાવવાનો પાયલોટ પ્રોજેકેટ હાથ ધરાયો છે. પેટ ડોગ અત્યાર સુધીમાં 18,000 થી વધુ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. મૃત પેટ ડોગના અંતિમ સંસ્કાર માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે. હવેથી AMC દ્વારા બહેરામપુરા વિસ્તારમાં ડોગ ક્રીમેટોરીયમ ઊભુ કરાયું છે. એબીસી રૂલ્સ 2023 મુજબ મૃત પાણીના અંતિમ સંસ્કાર વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવાનું સૂચન કરવામા આવ્યું છે. CNCD વિભાગ દ્વારા 30 લાખના ખર્ચ CNG સંચાલિત ડોગ ક્રીમેટોરીયમ બનાવ્યું છે. આગામી 4 માસમાં થશે કાર્યરત. પેટ ડોગ પરિવારના સભ્ય હોવાથી લાગણી બંધાયેલી હોય છે. શબ વાહિની મારફતે પાલતુ શ્વાનને લઈ જઈને અંતિમ સંસ્કાર કરી શકાશે. અંતિમ સંસ્કાર બાદ અસ્થિ પણ માલિકને આપવામાં આવશે. AMC ના CNCD વિભાગ દ્વારા ટોકન ચાર્જ વસુલવામાં આવી શકે છે.
-
નસબંધી કરેલા રખડતા કુતરાઓને તેની તે જ જગ્યાએ છોડોઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ અંગેના તેના અગાઉના આદેશમાં સુધારો કર્યો છે. હવે કૂતરાઓની નસબંધી પછી, તેમને તેની તે જ જગ્યાએ છોડી દેવામાં આવશે, જ્યાંથી તેમને પકડવામાં આવ્યા હતા. આ સાથે, હિંસક કૂતરાઓને છોડવા ન દેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. કોર્ટે આદેશ આપ્યો છે કે તેમને જાહેર સ્થળોએ ખોરાક આપી શકાશે નહીં.
-
ક્રાઈમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કુલ સામે પુરાવાઓ નષ્ટ કરવાનો દાખલ કરી શકે છે ગુનો
ખોખરાની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કુલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ શાળા સામે ફરિયાદ દાખલ કરશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેવન્થ ડે સ્કુલ સામે પુરાવાનો નાશ કરવા ઉપરાંત બેદરકારીનો ગુનો નોંધી શકે છે.
-
સંસદની સુરક્ષામાં છીંડા, દિવાલ કૂદીને એક વ્યક્તિ ગરુડ દ્વાર પહોંચ્યો
સંસદની સુરક્ષા વ્યવસ્થામાં ભંગનો મામલો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સવારે લગભગ 6:30 વાગ્યે એક વ્યક્તિ ઝાડની મદદથી દિવાલ કૂદીને સંસદ ભવનમાં પ્રવેશ્યો હતો. તે રેલ ભવન બાજુથી દિવાલ કૂદીને નવા સંસદ ભવનના ગરૂડ દ્વાર ખાતે પહોંચ્યો હતો. સંસદ ભવનમાં હાજર સુરક્ષાકર્મીઓએ સંસદ પરિસરમાં ઘૂસી આવનાર વ્યક્તિને પકડી લીધો છે અને તેની પૂછપરછ કરી રહ્યા છે.
-
ખોખરાની કુખ્યાત સેવન્થ ડે સ્કુલ સામે ક્રાઈમ બ્રાંચ નોંધશે ફરિયાદ
અમદાવાદના ખોખરામાં આવેલ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થિની હત્યા બાદ એકાએક જાગેલી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચે સેવન્થ ડે સ્કૂલ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે, ફરિયાદ નોંધવા માટે કોર્ટ સમક્ષ મંજૂરી માગી છે. સ્કૂલની બેદરકારી અંગે ક્રાઈમ બ્રાન્ચ સ્કૂલને આરોપી બનાવશે.
-
સુરતના ખટોદરામાં અજાણ્યા ઈસમે 15 ગણેશ મૂર્તિ ખંડિત કરી
સુરતના ખટોદરા વિસ્તારમાં ઉશ્કેરણીજનક ઘટના ઘટવા પામી છે. ખટોદરા વિસ્તારમાં ગણેશની મૂર્તિઓ તોડવામાં આવી છે. અજાણ્યા ઈસમ દ્વારા 15 જેટલી મૂર્તિઓ ખંડિત કરી નાખવામાં આવી છે. ઘટનાને લઇ ગણેશ ભક્તોમાં રોષ જોવા મળ્યો છે. ખટોદરા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં કોઈનો હાથ લાગી જવાથી મૂર્તિઓ ખંડિત થઇ હોઈ શકે.
-
દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજેશ સાકરીયાના મિત્ર-સગા સંબંધીની દિલ્હી પોલીસે કરી પુછપરછ
દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલાને લઈને દિલ્હી પોલીસની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા છે. રાજેશ સાકરીયાના એક મિત્રની પોલીસે પુછપરછ કરી છે. રાજેશ સાકરીયાના રીક્ષાચાલક મિત્રએ રૂપિયા ટાન્સફર કર્યા હતા. દિલ્લી પોલીસની ટીમે રાજેશના અનેક સબંધીઓ અને સંપર્ક ધરાવતા લોકોની પણ પુછપરછ કરી છે.
-
સેવન્થ ડે સ્કૂલ : પોલીસ પુછપરછમાં ખુલાસો, વિધર્મી સગીર છેલ્લા એક વર્ષથી કટર કિચન સાથે રાખતો હતો
ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલે નવો ખુલાસો થવા પામ્યો છે. પોલીસે આરોપી સગીરની કરેલ પુછપરછમાં નવો ખુલાસો થયો છે. વિધર્મી સગીર છેલ્લા એક વર્ષથી કટર કિચન સાથે રાખતો હતો. આજે પણ આરોપી સગીર સહિત અન્ય વિદ્યાર્થીઓની થશે પૂછપરછ. આજે પણ સેવન્થ ડે સ્કૂલમાં શિક્ષણ કર્યા બંધ રાખવામાં આવ્યું છે. ત્રીજા દિવસે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. કોઈ પણ અનિચ્છનીય ઘટના બને નહીં તેને લઈને ગોઠવાયો બંદોબસ્ત.
-
રાજકોટના ચર્ચાસ્પદ અમિત ખૂંટ આપઘાત મામલે રીબડાના અનિરુદ્ધસિંહના આગોતરા જામીન ના મંજૂર
રાજકોટના ચર્ચાસ્પદ અમિત ખૂંટ આપઘાત મામલે રીબડાના અનિરુદ્ધસિંહના આગોતરા જામીન ના મંજૂર થયા છે. સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીનની અરજી નામંજૂર થઈ છે. અમિત ખૂંટ મામલે અનિરુદ્ધસિંહની મુશ્કેલીમાં વધારો થશે. અમિત ખૂંટ આપઘાત મામલે અનિરુદ્ધસિંહ વિરૂદ્ધ ગોંડલ તાલુકા પોલીસમાં ગુન્હો દાખલ કરાયો છે. સમગ્ર મામલે ચાર્જશીટ મૂક્યું છે, જેમાં અનિરુદ્ધસિંહ ફરાર દર્શાવાયા છે.
-
ભાવનગર ધોલેરા નવી રેલવે લાઇનને મળી મંજૂરી, 65 કિલોમીટરની નવી નખાશે રેલલાઈન
ભાવનગરને કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા મોટી ભેટ મળી છે. ભાવનગર ધોલેરા નવી રેલવે લાઇનને મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય મંત્રી નિમુબેનના પ્રયત્નોને સફળતા મળી હોવાનું ભાવનગરમાં ભાજપના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ભાવનગરથી 65 કિલોમીટર લાંબી રેલવે લાઇનને મંજુર કરવામાં આવી છે. ભાવનગરને ધોલેરા વચ્ચે રેલવે લાઈન નખાતા બહુ મોટો ફાયદો થશે. થોડા દિવસો પહેલાજ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ભાવનગર મુલાકાત બાદ મંજૂરી અપાઈ છે.
-
અમદાવાદના મણિનગર-ઇસનપુર વિસ્તારની મોટાભાગની શાળાઓ આજે પણ બંધ
અમદાવાદના મણિનગર-ઇસનપુર વિસ્તારની મોટાભાગની શાળાઓ આજે પણ બંધ રહેવ પામી છે. સેવન્થ ડે સ્કૂલની ઘટનાના વિરોધમાં ગઈકાલે શાળાઓ બંધ રહી હતી. આજે બીજા દિવસે પણ સ્કૂલ તંત્રએ વાલીઓને મેસેજ કરીને શાળામાં આજના દિવસે રજા રહેશે તેની જાણ કરી છે.
-
કચ્છમાં માત્ર 7 મિનિટના અંતરે ભૂકંપના બે આંચકા અનુભવાયા
કચ્છમાં 7 મિનિટના અંતરમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. રિકટર સ્કેલ પર 3.4 અને 2.7 ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા છે. પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ નજીક આંચકા નોંધાયા છે. કચ્છમાં ભૂકંપનો પ્રથમ આંચકો 3.4 તીવ્રતાનો 10:12 મિનિટે ભચાઉ થી 20 કીમી દૂર નોંધાયો હતો. જ્યારે બીજો આંચકો 2.7 તીવ્રતાનો 10:19 સમયે રાપર થી 19 કીમી દૂર નોંધાયો હતો.
-
ચોટીલાના કાળાસર ગામે વાડીમાં રમાતા જુગારના અડ્ડા પર દરોડા, 26 ઝડપાયા
સુરેન્દ્રનગરના ચોટીલાના કાળાસર ગામે ચાલતા જુગારના અડ્ડા પર લીંબડી DYSP સ્કોર્વોડે દરોડા પાડ્યા. Dysp સ્કોર્વોડ એ કાળાસર ગામની સીમમાં રમાતા જુગાર પર દરોડા પાડીને 26 આરોપીને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. જુગારીઓ પાસેથી રૂપીયા 14.26 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાળાસર ગામે વાડીમાં ઓરડીમાં આરોપી ચંદુભાઇ ગાબુ નામનો શખ્સ બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર જુગાર રમાડતો હતો.
-
બી સુદર્શન રેડ્ડી આજે ઈન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષોને મળશે
વિપક્ષ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે બી સુદર્શન રેડ્ડી ઉપર પસંદગી ઉતારી છે. તેઓએ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. બી સુદર્શન રેડ્ડી આજે ઇન્ડિયા બ્લોકના ઘટક પક્ષોને મળશે.
-
ગુજરાતમાં ગુરુવારે સવારના 6થી આજે શુક્રવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં ગુરૂવાર સવારના 6 વાગ્યાથી શુક્રવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જો કે, મંગળવાર અને બુધવારની સરખામણીએ વરસાદનું જોર ઘટ્યું છે. વિતેલા 24 કલાક દરમિયાન સૌથી વઘુ વરસાદ વલસાડ જિલ્લાના પારડીમાં સાડા ત્રણ ઇંચ નોંધાયો છે. જ્યારે ધરમપુરમાં પોણા ત્રણ ઈંચ, નવસારીના ખેરગામમાં સવા બે ઈંચ, સાબરકાંઠાના તલોદમાં 2 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
-
મોડાસા-ધનસુરા સ્ટેટ હાઈવે પર હિન્દુપુરા પાસે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત, ટ્ર્કમાં લાગી આગ, એકનુ મોત
અરવલ્લીના મોડાસા-ધનસુરા સ્ટેટ હાઈવે પર હિન્દુપુરા પાસે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 1નુ મોત થયું છે. ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત બાદ ટ્રક રોડ સાઈડ પલટી મારી ગયું હતી. ટ્રક પલટી ગયા બાદ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. અકસ્માતમાં ઇકો ચાલકનું મોત થયું છે. ધનસુરા પોલીસ અને આસપાસ ગામના યુવકો ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ રાહત કામગીરી હાથ ધરી હતી.
Published On - Aug 22,2025 7:19 AM