19 ઓગસ્ટના મહત્વના સમાચાર : અમરેલીના જાફરાબાદના દરિયામાં બે બોટ ડૂબી, 4 ખલાસી લાપત્તા, 5ને બચાવાયા
આજે 19 ઓગસ્ટને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 19 ઓગસ્ટને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
કચ્છના દહીંસરા નજીક બલેનો કારના પીધેલા ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો, 4 ઈજાગ્રસ્ત
કચ્છના માંડવી ભુજ હાઈવે પર દહીંસરા નજીક, બલેનો કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જીને ચાર લોકોને ઈજાગ્રસ્ત કર્યાં છે. નશાની હાલતમાં બલેનો કાર ચાલકે એક્ટિવા અને કાર સાથે અકસ્માત સર્જયો હતો. બલેનો કારમાંથી દારૂ ભરેલ ગ્લાસ અને વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. નશાની હાલતમાં અકસ્માત સર્જનાર શખ્સને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો હતો. અકસ્માતમાં એક બાળકી, મહિલા સહિત 4 વ્યક્તિઓને ઇજાઓ પહોચી છે.
-
એસ પી રિંગ રોડ પરના ઝૂંડાલ અંડરપાસમાં સાત કાર વચ્ચે અકસ્માત
અમદાવાદના ઝૂંડાલ અંડર પાસમાં સાત ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. એસ પી રિંગ રોડ પર તપોવનથી વૈષ્ણોદેવી જતા ટ્રાફિકજામ થયો છે. અંડર બ્રિજ પર એક ગાડી અકસ્માત થતા, પાછળ આવતી અન્ય 7 ગાડીઓ પણ એક બીજાની સાથે અથડાઈ હતી. ટ્રાફિક પોલીસ ધટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
-
-
દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલ્યાણપુરમાં વરસાદી પૂરમાં યુવક તણાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલ્યાણપુરમાં વરસાદી પૂરમાં યુવક તણાઈ ગયો છે. કલ્યાણપુર બસ સ્ટેન્ડ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર પાસેનાં પુલમાં યુવક તણાયો હતો. ભુરાભાઇ ભરવાડ નામનો યુવક પાણીના પ્રવાહમાં તણાઈ જતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. યુવકની શોધખોળ કરવા માટે NDRF ની મદદ લેવાઈ છે. NDRF અને દ્વારકા ફાયર ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા પાણીના વહેણમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
-
અમરેલીના જાફરાબાદના દરિયામાં બે બોટ ડૂબી, 4 ખલાસી લાપત્તા, 5ને બચાવાયા
અમરેલી નજીક દરિયામાં ભારે પવન ફૂંકાયો હતો. તોફાની પવનને કારણે જાફરાબાદ નજીક દરિયામાં બે બોટ ડૂબી હતી. જાફરાબાદની જયશ્રી બોટ અને સોમનાથની મુરલીધર બોટ ડૂબી જવા પામી હતી. બંને બોટમાં કુલ 9 ખલાસીઓ સવાર હતા. બંને બોટના 4 ખલાસી લાપતા થયા છે, અન્ય 5ને બચાવી લેવાયા છે.
-
ગુજરાતમાં રાજકીય નવાજૂનીના એંધાણ ! કેટલાક નેતાઓ સાથે ભૂપેન્દ્ર યાદવે રાત્રે અચાનક કરી બેઠક
ગુજરાત ભાજપને લઈ સૂત્રો ના હવાલેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યાનુસાર, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવે મોડી રાત્રે અચાનક ગુજરાતની મુલાકાત લીધી હતી. સી એમ સહિત ભાજપના કેટલાક સિનિયર નેતાઓ સાથે ભુપેન્દ્ર યાદવે મુલાકાત કરી હતી. ગુજરાત ભાજપના પ્રભારીની ઉડતી અચાનક મુલાકાતથી રાજકીય ગરમાવો આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પહેલા, ભુપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાતને ભાજપના વર્તુળોમાં ઘણી સૂચક માનવામાં આવી રહી છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખના નામની થઈ શકે છે જાહેરાત.
-
-
મુંબઈમાં દોડતી મોનોરેલ અચાનક એક તરફ ઢળી ગઈ, મુસાફરોમાં ગભરાટ
ભારે વરસાદને કારણે મુંબઈ પાણીમાં ડૂબી ગયું છે. મધ્ય રેલવેની લોકલ ટ્રેન સેવા પણ ઘણી ધીમી પડી ગઈ છે. પરિણામે, રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન, હવે એવું સામે આવ્યું છે કે ચેમ્બુર-ભક્તિ પાર્ક વચ્ચેની મોનોરેલને અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવી છે. જોકે, આ મોનોરેલ શા માટે બંધ કરવામાં આવી તેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ, પ્રાપ્ત માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે મોનોરેલ અચાનક એક તરફ ઢળી ગઈ હતી. તેને કારણ મોનોરેલ સેવા સ્થગિત કરવામાં આવી છે.
-
અમદાવાદની સેવન ડે સ્કુલની બહાર એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને મારી છરી
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી મારી દીધી હતી. વિદ્યાર્થીઓ વચ્ચે હિંસાનો બનાવ ખોખરામાં આવેલ સેવન ડે સ્કુલની બહાર બનવા પામ્યો હતો, સ્કુલના એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી છરી મારીને ગંભીર ઈજા પહોચાડી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ પહોચાડ્યો હતો. ખોખરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.
-
બોટાદ સાળંગપુર રોડ પર સર્જાયો અકસ્માત, એક વૃદ્ધ મહિલાનું મોત, 2 ઈજાગ્રસ્ત
બોટાદ સાળંગપુર રોડ પર સર્જાયો અકસ્માત, એક વૃદ્ધ મહિલાનું મોત તો બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાળંગપુર રોડ પર મિલેટરી રોડ ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. ચાલુ રીક્ષા દરમ્યાન પાછળનું ટાયર નીકળી જતા રીક્ષા બેકાબુ બની હતી. સામેથી આવતી કાર રીક્ષા સાથે ના અથડાય તેને લઈ કાર ચાલક દ્રારા સ્ટેરિંગ પર કાબુ ના રહેતા કાર રોડથી નીચે ઉતરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં 108 ની ટિમ પહોંચી હતી ઘટના સ્થળ પર. અકસ્માતમાં મૃત્યુ પામેલ વૃદ્ધ મહિલા કોણ તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.
-
ગુરુવારે કમલમમાં મળનારી ભાજપની બેઠકમાં PM મોદીના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમો ઘડાશે
ગુરુવાર કમલમ ખાતે મળશે મહત્વની બેઠક. ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. શહેર અને જિલ્લાના પદાધિકારીઓને પણ હાજર રહેવા સૂચના અપાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મ દિવસની ઉજવણી અંગે ચર્ચા કરાય તેવી સંભાવના છે. 75 વર્ષની થીમ પર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થશે. મહામંત્રી રજની પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી આ બેઠકની આગેવાની લેશે.
-
અમદાવાદમાં 500 કરોડના સરકારી પ્લોટની ચોરી, મનપા અને ઔડાની જમીન પર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ-સોસાયટી બની હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ
અમદાવાદમાં સરકારી પ્લોટ ચોરીના કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. અમદાવાદમાં મનપા અને ઔડાની જમીન પર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ અને સોસાયટી બની હોવાનો આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો છે. AMC ના આરક્ષિત પ્લોટમાં સોસાયટી બની ગઈ અને AMC દ્વારા પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવ્યા છે. AMC ની ઘોડાસરમાં આવેલા FP 117 અને 118 માં રહેણાંક મકાનો બનાવી દેવામાં આવ્યા છે. મોટા શહેરોમાં ટીપી સ્કીમમાં આર્થિક રીતે નબળા લોકો માટે આવાસ યોજના માટે અમદાવાદમાં ઔડા અને AMC ની હદમાં અનેક પ્લોટ આરક્ષિત કરવામાં આવ્યા હતા. AMC ની 1153 હેક્ટર અને ઔડાની 350 હેક્ટર જમીન આરક્ષિત કરવામાં આવી હતી. ગરીબો માટેની જમીન પર લેન્ડ માફીયાઓ દ્વારા મકાનો બનાવાઈ દેવાયા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
-
દ્વારકામાં સાંબેલાધાર વરસ્યો વરસાદ, માત્ર 2 કલાકમાં 5 ઈંચ ખાબક્યો
દેવભૂમિ દ્વારકામાં મેધરાજાએ આજે તોફાની બેટિંગ કરી છે. બપોરના 2 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ પાંચ ઈંચ વરસાદ ખાબકયો છે. યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની તોફાની શાહી સવારી. પવનના સુસવાટા સાથે મેઘરાજાએ બોલાવી ધડબડાટી બોલાઈ છે. ધોધમાર વરસાદથી દ્વારકામાં ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભગવાન દ્વારકાધીશના જગત મંદિર અને છપ્પન સીડી પરથી વરસાદી પાણીનો અલભ્ય નજારો જોવા લોકો ઉમટ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં મેઘરાજા મન મૂકી ને વરસ્યા છે.
-
લો બોલો, તસ્કરો 50 વીજ થાંભલા ઉપરથી વીજકેબલ ચોરી ગયા
પંચમહાલના કાલોલ તાલુકાના નેવરિયા ગામમાં વીજ કેબલની ચોરી થવા પામી છે. ખેતીની વીજળી પૂરી પાડતા વીજ કેબલની ચોરી થઈ છે. 7 કિલોમીટર અંતરમાં આવેલ 50 જેટલા વીજ પોલમાથી વીજ કેબલની ચોરી થઈ છે. મોડી રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો વીજ કેબલની ચોરી કરી ફરાર થયા. વીજ કેબલની ચોરીને કારણે આ વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેબલ ચોરી મામલે કાલોલ સબ ડિવિઝન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
-
સુરતના પીપલોદમાં શ્વાનને બિસ્કીટ ખવડાવવાના મુદ્દે, ફેશન ડિઝાઈનરને માર માર્યો
સુરતના પીપલોદમાં ફેશન ડિઝાઇનર પર હુમલો કર્યાનો આરોપ. સ્ટ્રીટ ડોગ્સને ખવડાવવાથી બિલ્ડિંગમાં ઝઘડો થયો હતો. પીપલોદના પ્રગતિનગર સોસાયટીમાં ઘટના બની. 37 વર્ષની દામીનીદાસ કિર્તનદાસ પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. કૌશિકભાઈ પટેલ, પત્ની દર્શનાબેન અને દીકરી નિકતીએ હુમલો કર્યાનો આરોપ. તમે શ્વાનને કેમ ખવડાવો છો?” કહીને ઝઘડો કર્યો હતો. ચપ્પલ અને હાથ વડે છૂટા હાથે માર માર્યો હોવાનો આરોપ. મારથી દામીનીદાસના મોઢામાંથી લોહી નીકળ્યું. 17 ઓગસ્ટે દામીનીદાસે ત્રણેય સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
-
સુરતના મહુવાના અનાવલ ગામની સહકારી મંડળીમાં રૂપિયા 23.55 લાખની ઉચાપત
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અનાવલ ગામે આવેલ સહકારી મંડળીમાં નાણાકીય ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ખેતી સહકારી મંડળીમાં મેનેજરે રૂપિયા 23.55 લાખની ઉચાપત કરતા મંડળીના પ્રમુખે મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
-
કલ્યાણપુર પંથકમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો
કલ્યાણપુર પંથકમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. મેઘરાજાની તોફાની બેટિંગથી ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો અને બજારોમાં ધસમસતા પાણી વહેતા થયા. ભાટિયા, રાવલ, ટંકારિયા, પાનેલી, ભોગાત, નાવદ્રા, લાંબા, ધૂમથર, સહિતના ગામોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા. કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણી થયા તરબોળ. મગફળી,કપાસ, સોયાબીન સહિતના પાક માટે કાચાં સોના જેવો વરસાદ વરસ્યો.
-
એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત
એશિયા કપ 2025 ભારત ટીમ જાહેર થઈ છે. 9 સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ આ વખતે એશિયા કપમાં પોતાના ખિતાબનો બચાવ કરશે.
-
મુંબઈ-અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ ફાળવાયું
મુંબઈ-અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ ફાળવવામાં આવ્યું છે. નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા રેલવે મંત્રાલયમાં રજૂઆતના પગલે સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે. આગામી 23 ઓગસ્ટ 2025 ના દિવસથી મુંબઈ-અમદાવાદ-મુંબઈ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ નવસારી ખાતે ઉભી રહેશે. બંને તરફનું સ્ટોપેજ મળતા મુંબઈ અને અમદાવાદ તરફ જતા લોકોને થશે ફાયદો.
-
અમદાવાદ: સમરસ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યું પ્લાસ્ટીક
અમદાવાદ: સમરસ હોસ્ટેલના ભોજનમાં પ્લાસ્ટીક નીકળ્યું. ખીચડીમાંથી પ્લાસ્ટિક નીકળ્યાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકનો વીડિયો વાયરલ કર્યો છે. અગાઉ પણ સમરસ હોસ્ટેલ ભોજનાલય મુદ્દે વિવાદમાં આવી હતી.
-
જામનગર: ડેન્ગ્યુના કારણે તબીબનું મોત
જામનગરના જી.જી. હોસ્પિટલમાં કામ કરતા એક તબીબનું ડેન્ગ્યુ અને લોહી સંબંધિત બીમારીના કારણે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મૃત તબીબને સીકલસેલની બીમારી હોવાનું પણ ખુલ્યું છે. ડેન્ગ્યુ સાથે લોહી સંબંધિત ગંભીર બીમારી હોવાના કારણે તેમની તબિયત વધુ બગડી હતી અને અંતે તેમનું અવસાન થયું.
-
આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટ
હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. રાજ્યમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 21 ઓગસ્ટથી ભારે થી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ માછીમારો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
-
આણંદ: ડિવાઈડર સાથે કાર અથડતા 3નાં મોત
આણંદ: ડિવાઈડર સાથે કાર અથડતા 3નાં મોત થયા છે. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીએ ફરી ભોગ લીધો છે. વાસદ બગોદરા હાઈવે પર જોખમી ડિવાઈડરને કારણે અકસ્માત થયો. રામોદડી બ્રિજ પર કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો છે. કારમાં સવાર ત્રણેય ઈસમના કમકમાટીભર્યા મોત થયા છે. ડિવાઈડર પાસે સાઈન બોર્ડ કે કોઈ રેડિયમ ન મુકાતા અકસ્માત થયો. બે વર્ષમાં જોખમી ડિવાઈડરને કારણે અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા છે.
-
ગીર સોમનાથ: તાલાલાથી પસાર થતી હિરણ નદીમાં પૂર
ગીર સોમનાથ: તાલાલાથી પસાર થતી હિરણ નદીમાં પૂર આવ્યુ છે. હિરણ 2 ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. તાલાલા અને વેરાવળના 15 ગામોને એલર્ટ કરાયા. 4 ઈંચ જેટલો વરસાદ પડતા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે.
-
મુંબઈમાં ભારે વરસાદને કારણે ઈન્ડિગોએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી, ઘણી ફ્લાઈટ્સ મોડી પડી
મુંબઈમાં ભારે વરસાદને કારણે ઈન્ડિગોએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી. ઈન્ડિગોએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ X પર જણાવ્યું હતું કે, મુંબઈમાં ભારે વરસાદને કારણે એરપોર્ટ તરફ જતા ઘણા રૂટ પર પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક ખોરવાઈ રહ્યો છે. આનાથી ઓપરેશનલ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે અને ફ્લાઈટ્સ મોડી પડી રહી છે. અસુવિધા બદલ અમને દિલગીર છે.
Indigo Airlines issues a travel advisory. Tweets, “With Mumbai drenched in heavy showers, several routes to the airport are witnessing waterlogging and sluggish traffic. This has, in turn, led to operational challenges, with delays in both departures and arrivals and we truly… pic.twitter.com/rL1MGJrn0W
— ANI (@ANI) August 19, 2025
-
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટ્યું, લઘાટીમાં આકાશી આફત
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટ્યું, લઘાટીમાં આકાશી આફત આવી છે. જેના કારણે દુકાનો અને બગીચાઓને નુકસાન થયું છે.
-
ગાંધીનગર:આંદોલન કરનાર માજી સૈનિકોની પોલીસે કરી અટકાયત
ગાંધીનગર:આંદોલન કરનાર માજી સૈનિકોની પોલીસે અટકાયત કરી. માજી સૈનિકોએ મહારેલીનું અલ્ટીમેટમ આપ્યું હતું. માજી સૈનિકો સત્યાગ્રહ છાવણી પહોંચે તે પહેલા જ ડિટેઈન કરાયા. સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. છેલ્લા 22 દિવસથી માજી સૈનિકોનું આંદોલન યથાવત છે. સરકારી નોકરીઓમાં અનામતના અમલીકરણની માગ છે.
-
ગીર સોમનાથ : સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ
સોમનાથ સહિત ગીર સોમનાથ જિલ્લાના તમામ વિસ્તારોમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો છે. સુત્રાપાડામાં સૌથી વધુ 9 ઈંચ અને છેલ્લા 24 કલાકમાં કુલ 12 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે પ્રશ્નાવડા ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વેરાવળમાં 6 ઈંચ, કોડીનારમાં 5 ઈંચ તથા તાલાલા અને ઉનામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.
-
જૂનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ
જૂનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. વીજળીના કડાકા અને ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદે થોડા જ સમયમાં સમગ્ર વિસ્તારને પાણી-પાણી કર્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, હવામાન વિભાગે પણ જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
-
મહારાષ્ટ્ર: ભારે વરસાદથી મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા
મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
-
મણિકા વિશ્વકર્માને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેરાવવામાં આવ્યો
મણિકા વિશ્વકર્માને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેરાવવામાં આવ્યો. તે આ વર્ષના અંતમાં થાઈલેન્ડમાં યોજાનારી 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
Published On - Aug 19,2025 7:30 AM