18 ઓગસ્ટના મહત્વના સમાચારો પર નજર કરીએ તો કોલકાતા રેપકાંડ બાદ ગૃહમંત્રાલયે સખ્તી બતાવતા મોટો નિર્ણય કર્યો છે અને દર બે કલાકે કાયદો વ્યવસ્થાની સ્થિતિનો કેન્દ્રને રિપોર્ટ સોંપવા તમામ રાજ્યોને આદેશ કર્યો છે. ગુજરાતના સમાચારો પર નજર કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કામો અને ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અમિત શાહની ઉપસ્થિતિમાં આજે 22 પાકિસ્તાની હિંદુ નાગરિકોને ભારતની નાગરિક્તા આપવામાં આવનાર છે. આ તમામ લોકો 28 વર્ષ પહેલા ભારત આવ્યા હતા. જેમને 28 વર્ષે ભારતીય નાગરિક્તા મળશે. વડોદરાને વધુ એક નવો રિંગરોડ મળવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારે તેના માટે 316 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. પ્રથમ તબક્કામાં 27 કિ.મી. લાંબો રિંગ રોડ બનશે. જેનાથી ટ્રાફિકનું ભારણ ઘટશે.
બનાસકાંઠામાં વીજ વાયર તૂટવાના કારણે વ્યક્તિનું મોત. ચિત્રોડા ગામના આધેડને વીજ વાયર અડવાથી વીજ કરંટ લાગતા મોત નીપજ્યું. વીજ કંપનીના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો.
નેશનલ કુસ્તી કોમ્પિટિશનમાં ગુજરાતના ખેલાડીઓને કડવો અનુભવ થયો છે. હરિયાણાના રોહતકમાં ગુજરાતના ખેલાડીઓ સાથે ભેદભાવ થયાનો આરોપ લાગ્યો છે. અંડર 23 કુસ્તી માટે ગુજરાતના 10 ખેલાડીઓ હરિયાણાના રોહતક ગયા હતા, જ્યાં રહેવા-જમવાની સુવિધા મામલે ખેલાડીઓ વચ્ચે ભેદભાવ થયાનો આક્ષેપ કરાયો છે. પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતાં ખેલાડીઓએ હેડ કોચ અને મેનેજર પર આક્ષેપ કર્યો કે નેશનલ કોમ્પિટિશન રમવા ગયેલા ખેલાડીઓને રિક્ષામાં લઇ જવાયા !
ગૃહમંત્રી અમિત શાહે આજે CAA હેઠળ 188 લોકોને ભારતીય નાગરિક્તાના પ્રમાણપત્ર એનાયત કર્યા છે. જેમા 22 સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના વતનીઓ છે. જેઓ 28 વર્ષ પહેલા બોર્ડરના માર્ગેથી પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. આ 22 પાકિસ્તાની નાગરિકોને પણ આજે ભારતીય નાગરિક્તા આપવામાં આવી છે. આ તકે સાંસદો, ધારાસભ્યો સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. DGP વિકાસ સહાય અને ગૃહ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત: કામરેજમાં કોંગ્રેસ દ્વારા ખાડા પુરો અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. કોંગ્રેસે જાતે જ ખાડા પૂરી તંત્રને જગાડવા અનોખો વિરોધ કર્યો છે. કામરેજ વિસ્તારમાં ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા છે. ખાડાને કારણે વાહનચાલકો પરેશાન બન્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી, વિરોધ પ્રદર્શનમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો હાજર રહ્યા છે.
દાહોદ: નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના કેસો સામે આવ્યા, એક બાળકીનુ સારવાર મળે તે પહેલા જ મોત થયું છે. 10થી વધુ નાના બાળકોને તાવ, ઝાડા, ઉલ્ટી થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે ગામનો સરવે હાથ ધરી તપાસ હાથ ધરી છે. પાણી, ખોરાકના નમુના લઇ તપાસ માટે મોકલ્યા છે.
ગીર સોમનાથમાં ફરી જોવા મળ્યું સિંહોનું ટોળું, ઉનાના ખાપટ ગામે એકસાથે 5 સિંહો દેખાયા . શિકારની શોધમાં ગૌશાળા સુધી 5 સિંહો આવી ચડ્યા હતા.
ગેટ બંધ હોવાથી શિકાર કર્યા વિના સિંહો પરત ફર્યા હતા.
વડોદરા જિલ્લાની સંકલન સમિતિની કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં પ્રશ્નોનો ઉકેલ ના આવતા ધારાસભ્યએ વોક આઉટની ચીમકી આપી છે. રેતી ખનન, NAની ફાઈલોનો નિકાલ લાવવાની રજૂઆત કરી હતી. આંગણવાડીમાં નમાજ જેવી ઘટનાની રજૂઆત કરવા છતા કાર્યવાહી નહીં થતી હોવાનો આક્ષેપ કર્યો છે. ધારાસભ્ય શૈલેષ મહેતાએ વોકઆઉટ કરી CMને રજૂઆત કરવાની વાત કરી છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહે અને CM ભૂપેન્દ્ર પટેલે આજે થલતેજમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું છે. ત્યાર બાદ તેમને ઓક્સિજન પાર્કનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. શહેરની મધ્યમમાં આ પ્રકારના પાર્ક બનાવવાથી લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
ગાંધીનગરના કલોલમાં જાસપુર કેનાલમાંથી યુવકની લાશ મળવા મામલે ખૂલાસો થયો છે કે યુવકે કેનાલમાં ઝંપલાવતા પહેલા વીડિયો બનાવ્યો હતો. મૃતક યુવક વિપુલ ન્યુ સીજી ચાંદખેડાનો હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. તેના ઉપર છેડતીનો આરોપ લાગ્યા બાદ યુવકે આપઘાત કરી લીધો છે. દરેક વખતે મહિલા જ સાચી ન હોય તેવો પણ વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે. એક શિક્ષિકા અને બે લોકોને આપઘાત માટે જવાબદાર ઠેરવ્યા છે. યુવક એક NGO સાથે સામાજિક કાર્યકર તરીકે જોડાયેલો હતો.
અમદાવાદના ઇસનપુરમાં આવેલી લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓનો અભ્યાસ જોખમમાં મૂકાયો છે. પંજાબ નેશનલ બેંકે સ્કૂલને સીલ કરી દીધી છે. સ્કૂલે લોનના રૂપિયા 1 કરોડ 25 લાખ નહીં ભરતા બેંકે સીલ મારવાની કામગીરી કરી. અગાઉ પણ મેજિસ્ટ્રેટએ લોન ભરપાઇ કરવા અંગેનો આદેશ આપ્યો હતો. જો કે વારંવાર નોટિસ આપ્યા બાદ પણ લોનની ભરપાઇ નહીં કરતા સ્કૂલને સીલ કરી દેવાઇ છે. હવે, જોવાનું રહ્યું કે સ્કૂલ તરફથી લોન ક્યારે ભરવામાં આવે છે અને બાળકોના અભ્યાસ માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે.
અમદાવાદીઓને ગ્રીનરી અને શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે શહેરમાં ઓક્સિજન પાર્ક તરીકે એક નાનું જંગલ તૈયાર કરવામાં આવ્યું છે. ‘મિયાવાકી’ પદ્ધતિથી વિવિધ પ્રકારના ફૂલ-છોડ અને મોટા વૃક્ષો પ્લાન્ટ કરી 9 કરોડના ખર્ચે આ ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બનાવવામાં આવેલા ઓક્સિજન પાર્કમાંથી આ પાર્ક સૌથી મોટો છે. આ ઓક્સિજન પાર્કની વિશેષતા એ છે કે અહીં તાપમાન સામાન્ય કરતા પાંચથી છ ડિગ્રી ઓછું હશે. ઓક્સિજન પાર્કની 27,200 ચોરસ મીટર જગ્યામાં 1.67 લાખથી વધુ વિવિધ પ્રકારના ફૂલ-છોડ તેમજ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ નાનકડું જંગલ મુલાકારીઓને કુદરતી વાતાવરણની અનુભૂતી તો કરાવશે જ. સાથે જ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકોને મોર્નિંગ વોક અને યોગા કરવા માટે અદભૂત માહોલ પૂરો પાડશે.
28 વર્ષ પહેલા પાકિસ્તાનથી ભારત આવેલા 22પાકિસ્તાની હિંદુઓેને આજે ભારતની નાગરિક્તા મળશે. અમિત શાહની હાજરીમાં તેમને નાગરિક્તા આપવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમને નાગરિકતા આપશે. આજે અમદાવાદ ખાતે આ નાગરિક્તા આપવાનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. 28 ભારતીયો પાકિસ્તાનથી સુરેન્દ્રનગર આવીને વસેલા છે. આ તમામને CAA અંતર્ગત ભારતીય નાગરિકતા આપવામાં આવશે.
28 વર્ષ પહેલાં બોર્ડર પાર કરી આ લોકો ગુજરાત આવ્યા હતા. ત્યારથી મુળી તાલુકાના સડલા ગામે આવી વસવાટ કરતા હતા.
અમરેલીના ખજૂરી ગામે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તળાવનું લોકાર્પણ કર્યુ. આ તકે સાંસદ ભરત સુતરિયા, દંડક કૌષિક વેકરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી માંડવિયાએ નિવેદન આપ્યુ કે ખેડૂતોએ શ્રમ કરવો જોઈએ. મજૂર પાસે કામ કરાવવાથી ખેડૂતોની આવક ઘટી છે.
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે. નોર્થ કેરોલિનામાં વડોદરાના યુવક મૈનાક પટેલની ગોળી મારી હત્યા કરી દેવાઈ હોવાનુ સામે આવ્યુ છે. મૈનાક પટેલ ટોબેકો હાઉસ સ્ટોર્સ ચલાવતો હતો. તેના જ સ્ટોર્સમાં લૂંટ કરતી વખતે એક સગીરે ગોળી મારી હત્યા કરી નાખી છે. મૃતક મૈનાક પટેલને પાંચ વર્ષની પુત્રી છે અને પત્ની અમી ગર્ભવતી છે. મૈનાક પટેલની હત્યાથી ભારતીય સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ છે.
રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, 21-22 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજે રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
Published On - 8:06 am, Sun, 18 August 24