16 જુલાઈના મહત્વના સમાચાર : ચોર કે ડાકુ આવ્યા હોય તેમ સાબર ડેરીએ બાઉન્સરો રાખ્યા છે, અશોક ચોધરીનું મૃત્યુ નહીં હત્યા થઈ છેઃ જીગ્નેશ મેવાણી
આજે 16 જુલાઈને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 16 જુલાઈને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ઇઝરાયલમાં નેતન્યાહૂ સરકારને મોટો ફટકો, ટેકો આપનાર પક્ષે ટેકો પાછો ખેંચવાની કરી જાહેરાત
ઇઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહૂને મોટો રાજકીય ફટકો પડ્યો છે. સરકારના સાથીદાર એવા એક મુખ્ય ગઠબંધન ભાગીદારે જાહેરાત કરી છે કે, તેઓ નેતન્યાહૂ સરકાર છોડી રહ્યા છે. આ પગલાથી, સંસદમાં નેતન્યાહૂ સરકાર લઘુમતીમાં આવી જશે.
-
ચોર કે ડાકુ આવ્યા હોય તેમ સાબર ડેરીએ બાઉન્સરો રાખ્યા છે, અશોક ચોધરીનું મૃત્યુ નહીં હત્યા થઈ છેઃ જીગ્નેશ મેવાણી
સાબરકાંઠામાં સાબરડેરીના ભાવફેરને લઈ ઘર્ષણનો મામલે નવો વળાંક આવ્યો છે. ઈડરના ઝીંઝવા ગામના મૃતક યુવાન અશોક પટેલના પરીવારજનોને મળવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પહોચ્યા હતા. તેમણે કહ્યું કે, ચોર કે ડાકુ આવ્યા હોય તેમ સાબર ડેરીએ બાઉન્સરો રાખ્યા છે. ભાજપ સરકાર અને સાબર ડેરીની આ મીલીભગત હતી. પશુપાલકોને જાણી જોઈને ઉશ્કેર્યા અને પછી લાઠી ચાર્જ કર્યો. એક્ષપાઈરી ડેટના ટીયર ગેસ છોડવામાં આવ્યા તેમ મેવાણીએ કહ્યું હતું. સાબર ડેરી 24 કલાકમાં મંત્રણા કરી યોગ્ય ભાવ આવે આપી દે, અશોક ચૌધરીનુ મુત્યુ નથી થયુ હત્યા થઈ છે. તેનો તમામ પર ગન્હો દાખલ થવો જોઈએ. ગુજરાતમાં બે ચાર નોન કરપ્ટેડ અધિકારીઓને તપાસ સોંપાય.
અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પર જિગ્નેશ મેવાણીએ નિશાન સાધતા કહ્યું કે, જે ધારાસભ્ય સ્થળ પર મોજુદ હતા એના પર ગુનો ના દાખલ થયો અને જે પૂર્વ ધારાસભ્ય હાજર ના હતા તેમના પર ગુ્ન્હો કેમ દાખલ થાય. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સાબરડેરીના ગેટ આગળ ટોળાને વાત કર્યા બાદ થયુ હતુ ઘર્ષણ. ઘર્ષણ અને વિવાદ બાદ ધવલસિંહ ઝાલા અદ્રશ્ય થઈ ગયા જેવી સ્થિતિ સર્જાઈ છે.
-
-
કુહા-કઠલાલ-બાલાસિનોર બાયપાસ પાસેનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો
ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ અમદાવાદનું તંત્ર સફાળુ જાગ્યું છે. સરકારના આદેશથી હાથ ધરાયેલ ચકાસણી બાદ, અમદાવાદ જિલ્લાના 60 વર્ષ જૂના બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવાયો છે. કુહા – કઠલાલ – બાલાસિનોર બાયપાસ પાસેનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો છે. કણભા અને કુંજાડ રોડ પર આવેલો છે 60 વર્ષ જૂનો બ્રિજ. ભારે વાહનોએ નેશનલ હાઈ વે 47 નો ઉપયોગ કરવા તંત્રનો આદેશ. ભારે વાહનોને હવે NH 48 પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. 12 ઓક્ટોબર સુધી કુહા – કઠલાલ – બાલાસિનોર બાયપાસ પાસેનો બ્રિજ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.
-
બોટાદના 3 બ્રિજ ઉપર ભારે વાહનની આવ-જા ઉપર લગાવાયો પ્રતિબંધ
બોટાદ જિલ્લામાં આવતા કુલ 3 બ્રિજ પર ભારે વાહનો પસાર નહીં કરવા કલેક્ટર દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ગઢડા રોડ નેશનલ હાઇવે પર ગોરડકા ગામ ખાતે, કેરી નદી પર આવેલ બ્રિજ ભારે વાહન માટે બંધ કરાયો છે. આ પુલ બિસ્માર હાલતમાં હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો છે. આ બ્રિજ બંધ કરાતા હવે વૈકલ્પિક માર્ગે, બોટાદથી ગઢડા જવા માટે તાજપર, પાટી, નિંગાળા, ઉગામેડી થઈ ગઢડા જઈ શકાશે. આજ રૂટ પર ગઢડા થી બોટાદ આવવા માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા કલેક્ટર દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. બ્રિજનું રીપેરીંગ કામ પૂર્ણ થયા બાદ નવું જાહેરનામું બહાર પાડ્યા બાદ ભારે વાહનની અવર જવર થશે શરૂ.
આ જ રીતે અન્ય બે બ્રિજમાં, સાયલાથી પાળીયાદ આવતા નાના છેડા ગામ પાસે આવેલ ગોમા નદી પર આવેલ બ્રિજ પર ભારે વાહનોને પસાર થવા માટે કરાઈ મનાઈ. નેશનલ હાઇવે નંબર 51 ઢસા-ગઢડા રોડ પર આવેલ પાટણા ગામ ખાતે આવેલ માઇનોર બ્રિજ પર પણ તાત્કાલિક ધોરણે ભારે વાહનો પર અવર જવર કરવા મનાઈ જાહેર કરાઈ છે.
-
16 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની કેદ
પોક્સો ગુનામાં કોર્ટનો મહત્વનો વધુ એક ચુકાદો આવ્યો છે. 16 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની કેદ અને 30 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. લગ્નની લાલચ આપી આરોપી રણજીત ઠાકોરે અવાર નવાર આચર્યું હતું દુષ્કર્મ. કોર્ટે ભોગ બનનારને રુપિયા 3 લાખનું વળતર આપવા પણ હુકમ કર્યો હતો. ગુનો બન્યાના 1.5 વર્ષમાં કેસ ચલાવી કોર્ટે આપ્યો ચુકાદો. 15.02.2024 ન રોજ ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો.
-
-
ગુજરાતની 17 મનપામાં નબળા બનાવેલા 659 કિલોમીટરના રોડ ધોવાઈ ગયા !
ગુજરાત રાજ્યની 17 મહાનગરપાલિકાઓમાં રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાઈ રહી છે. વર્તમાન ચોમાસામાં રાજ્યની કુલ 17 મહાનગરપાલિકામાં 659 કિલોમીટરના રોડ ધોવાઈ ગયા હતા. આ રોડ અંગે ફરિયાદો મળતા જ 577 કિ.મી.ના રોડની મરામત કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગુજરાતની 17 મહાનગરપાલિકામા આવેલા વિવિધ માર્ગ ઉપર વરસાદને કારણે 16,832 ખાડા પડી ગયા હતા. જે વાહનચાલકો માટે ભારે સમસ્યારૂપ હતા. આ મહાનગરાપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકોએ કરેલ ફરિયાદને ધ્યાને લઈને 16,665 ખાડા પૂરી દેવાયા છે.
નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા, વોટર લોગીંગ જેવી કુલ 16,661 ફરિયાદોમાંથી 15,282 ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે.
-
ગાંધીધામના આંગડિયા પેઢી સંચાલકનું અપહરણ બાદમાં છુટકારો
ગાંધીધામની સંકેતનીધિ આંગડિયા પેઢીના સંચાલકનું અપહરણ કરાયુ હતું. આંગડિયા પેઢી સંચાલક કેતન કાંકરેચાને, કેટલાક શખ્સોએ કારમા ઉઠાવી ગયા હતા. સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેના આધારે પૂર્વ કચ્છ પોલીસે વિવિધ ટીમો બનાવી તાત્કાલિક કાર્યરત થઈ આરોપીઓનું પીછો કરતા પેઢી સંચાલક સુરક્ષિત મળી આવ્યા હતા. ભચાઉના જંગી પાસે ભોગ બનનાર આંગડિયા પેઢી સંચાલક સુરક્ષિત મળી આવેલ છે. કાર મૂકી ભાગી જનાર આરોપીઓની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે તો બીજીબાજૂ અપહરણ કરાયેલા ગડિયા પેઢીના સંચાલકની પુછપરછ હાથ ધરાઈ છે.
-
લો પ્રેશર-સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ ગુજરાતમાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શકયતા રહેલી છે. આગામી 5 દિવસ ગાજવીજ અને ભારે પવન રહેશે. ઉત્તર ગુજરાત ,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે. તો વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, નવસારી, તાપી જિલ્લામાં પણ વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. અમદાવાદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે. લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં કારણે વરસાદની આગાહી કરાઈ છે.
-
કુખ્યાત એવી ખ્યાતિ હોસ્પિટલના મોતકાંડમાં 3 આરોપીને જામીન મળતા NSUI ના કાર્યકરોએ કર્યા દેખાવો
અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓને જામીન મળતા NSUI એ વિરોધ કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલ ખાતે NSUI ના કાર્યકરોએ દેખાવો-વિરોધ કર્યો હતો. NSUI ના કાર્યકરોએ સુત્રોચાર કરી ખ્યાતિ હોસ્પિટલ બહાર બેનર લગાવ્યા હતા. જો કે પોલીસે દેખાવો કરતા એનએસયુઆઈના કાર્યકરોને હોસ્પિટલથી દૂર કર્યા હતા. મોતના સોદાગર અને મૃતકોના ન્યાય માટે પોસ્ટર લગાવ્યા હતા NSUIના કાર્યકરોએ. દેખાવોને પગલે, હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગઈકાલે હાઈકોર્ટે ત્રણ આરોપીઓને જામીન આપ્યા હતા. અત્યાર સુધી ખ્યાતિ કાંડમાં 6 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે.
-
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ, એકાએક ઝબકીને જાગેલી ગુજરાતની ભાજપ સરકારે 5 બ્રિજ બંધ કર્યા
આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા અને સૌરાષ્ટ્ર તરફ જવા માટે ઉપયોગી એવો ગંભીરા બ્રિજ જર્જરિત હોવાનું લોકો 2022થી કહેતા આવ્યા હતા. પરંતુ સરકારના કાને કોઈ પણ સંજોગોમાં આ વાત પહોંચી નહોતી અને 20 નિર્દોષ લોકોના મોત થયા. આ ઘટના બાદ એકાએક ભર ઊંધમાંથી ઝબકીને જાગેલી ગુજરાતની ભાજપ સરકારે તાબડતોબ રાજ્યના વિવિધ બ્રિજની ચકાસણી કરાવી. જેના અંતે પાંચ બ્રિજ વાહનની અવરજવર માટે બંધ કરાયા છે.
સંપૂર્ણપણે બંધ કરાયેલા ૦5 પુલ:
1. મોરબી જિલ્લામાં માળિયા બ્રાંચ કેનાલ પર અજીતગઢ અને ઘંટીલા ગામને જોડતા રોડ પર સ્થિત પુલ. 2. મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે ૧૫૧એ અને મચ્છુ નદી વચ્ચે માળિયા બ્રાંચ કેનાલ પર સ્થિત પુલ. 3. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર તાલુકાના ઢાંકી-છારદ ગામ પાસે સ્થિત પુલ. 4. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર-વણા ગામ પાસે સ્થિત પુલ. 5. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર વઢવાણ તાલુકાના બાલા-બાલા ફાર્મ પાસેનો પુલ.
-
રાજકોટ-TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ઇલેશ ખેરને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
રાજકોટ-TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી એવા તત્કાલિન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે ઈલેશ કેરના જામીન મંજૂર કર્યાં છે. હાઇકોર્ટે જામીન અરજી રદ્દ કરતા, ઈલેશ ખેર દ્વારા સુપ્રીમના દ્રાર ખખડાવ્યા હતા. આ કેસમાં અગાઉ ચાર આરોપીઓને કોર્ટે જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ઈલેશ ખેરના વકીલ દ્વારા જામીન બાબતે કરવામાં આવી હતી દલીલ. ગુનો નોંધાયાના 1 વર્ષ બાદ પણ ટ્રાયલ શરૂ નથી થઈ શકી. 365 જેટલા સાહેદોને તપાસવાના હજુ પણ બાકી છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં પણ 1 વર્ષ બાદ જામીન મળ્યા હતા. જુદી જુદી દલીલોને ઘ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર રાખવામાં આવ્યા છે.
-
એક સપ્તાહમાં રાજ્યમાં 2 હજાર 110 પુલોનું કરાયું ઇન્સ્પેકશન
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લીધા છે અને એક સપ્તાહમાં રાજ્યભરમાં 2,110 પુલોનું નિરીક્ષણ કરાયું છે. નિરીક્ષણ બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેના આધારે પાંચ પુલોને સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે ચાર પુલો પર ભારે વાહનોના પરિવહન પર પ્રતિબંધ મૂકાયો છે. ઉપરાંત, 36 પુલોને તાત્કાલિક અસરથી મરામત માટે બંધ કરવાનું નિર્દેશ આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સંબંધિત જિલ્લાઓના વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ પાઠવી છે.
-
પોરબંદરઃ શ્વાનના હુમલામાં 2 મહિનાના બાળકનું મોત
પોરબંદરઃ શ્વાનના હુમલામાં 2 મહિનાના બાળકનું મોત થયુ છે. પોરબંદરના કોટડા ગામની આ ઘટના છે. મધ્યપ્રદેશથી મજૂરી કામ માટે આવેલા પરિવારના બાળકનું મોત થયુ છે. ઘોડિયામાંથી શ્વાન બાળકને ઉપાડી ગયો હતો. શ્વાનના હુમલામાં બાળકને ગંભીર ઈજા થઈ હતી. સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયુ છે.
-
ગાંધીનગરઃ નવરચિત 9 મહાપાલિકાઓનું સીમાંકન જાહેર
ગાંધીનગરઃ નવરચિત 9 મહાપાલિકાઓનું સીમાંકન જાહેર કરાયુ છે. તમામ 9 મહાપાલિકાઓમાં 13 વોર્ડ અને 52 બેઠકની રચના કરવામાં આવી છે. મનપાના આસપાસના વિસ્તારને ભેળવી સીમાંકન જાહેર કરાયું. નવેમ્બર અથવા ડિસેમ્બર 2025માં મનપાની ચૂંટણી યોજાઈ શકે છે. નવી રચાયેલી 9 મનપા સહિત કુલ 15 મનપાની ચૂંટણી યોજાશે.
-
રાજકોટ: ડમ્પરે અડફેટે લેતા વિદ્યાર્થિનીનું કમકમાટીભર્યું મોત
રાજકોટ: ડમ્પરે અડફેટે લેતા વિદ્યાર્થિનીનું કમકમાટીભર્યું મોત થયુ છે. વિદ્યાર્થિની મિત્ર સાથે એક્ટિવા પર કોલેજ જઈ રહી હતી. હનુમાન મઢી ચોક વિસ્તારમાં ડમ્પરે એક્ટિવાને અડફેટે લીધું હતુ. દીકરીના આકસ્મિક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે.
-
યુવતીના આપઘાત મામલે પાટીદાર અગ્રણીઓની બેઠક
સુરતઃ પાટીદાર યુવતીના આત્મહત્યા મામલે પાટીદાર અગ્રણીઓની બેઠક મળી. કતારગામમાં યોજાયેલી બેઠકમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા. દીકરીઓની સલામતી અંગે બેઠકમાં ચર્ચા થઇ. યુવકની પજવણીના લીધે યુવતીએ આપઘાત કર્યો. પોલીસે યુવક અને તેના પિતા સામે ગુનો દાખલ કર્યો છે.
-
રાજકોટ: આખરે 5 મહિના બાદ FRCના ચેરમેનની નિયુક્તિ
રાજકોટ: આખરે 5 મહિના બાદ FRCના ચેરમેનની નિયુક્તિ થઇ છે. તાપીના રિટાયર્ડ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને FRCના ચેરમેન નિયુક્ત કરાયા. અગાઉ કોંગ્રેસે ચેરમેનની નિયુક્તિમાં વિલંબ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. FRC કચેરી સામે જ કોંગ્રેસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો. 5 મહિનાથી ચેરમેનની નિયુક્તિ ન થતાં સમસ્યા સર્જાઈ હતી. સૌરાષ્ટ્રમાં 650થી વધુ શાળાઓનું ફીનું માળખું ટલ્લે ચઢ્યું હતું. શાળા સંચાલક મંડળે પણ ચેરમેનની નિયુક્તિની માંગ કરી હતી.
-
અમદાવાદ : જોધપુરમાં ઔડાના આવાસમાં બબાલ
અમદાવાદ : જોધપુરમાં ઔડાના આવાસમાં બબાલ થઇ. સ્થાનિકોએ દારૂનું વેચાણ, પાણી અને ગટરની સમસ્યાને લઇને વિરોધ કર્યો. સ્થાનિકોએ હોબાળો મચાવી રસ્તો જામ કર્યો. સ્થાનિક કોર્પોરેટર પ્રવિણા પટેલે દારૂના વેચાણ મુદ્દે પોલીસને મેસેજ કર્યો હતો. બબાલની જાણ થતાં પોલીસ અને સ્થાનિક નેતાઓ સ્થળ પર પહોંચ્યા છે. દારૂના વેચાણની કોઇ સામગ્રી ન મળી હોવાની પોલીસની સ્પષ્ટતા છે.
-
હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સેવા થશે શરૂ
રાજકોટ: સૌરાષ્ટ્ર ઉદ્યોગ જગત માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સેવા થશે શરૂ. ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી કાર્ગો સેવાની થશે શરૂઆત. સાંસદ પરષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. એરપોર્ટ સલાહકાર સમિતીની બેઠકમાં એરપોર્ટ ઓથોરિટીએ માહિતી આપી.
-
રાજકોટઃ રતનપર ગામે વિદેશી વિદ્યાર્થીઓ સાથે સ્થાનિકોની બબાલ
રાજકોટઃ રતનપર ગામે વિદેશી વિદ્યાર્થીઓ સાથે સ્થાનિકોની બબાલ થઇ. મારવાડી યુનિવર્સિટીના આફ્રિકન વિદ્યાર્થીઓથી સ્થાનિકો પરેશાન થયા છે. વિદેશી વિદ્યાર્થીઓ અનૈતિક પ્રવૃતિઓ કરતા હોવાનો આક્ષેપ છે. મકાનો ભાડે રાખી દેહવ્યપાર અને નશો કરતા હોવાનો આરોપ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો.
-
રાજકોટ: શહેરમાં લુખ્ખાતત્વોનાં આતંકનો વધુ એક બનાવ
રાજકોટ: શહેરમાં લુખ્ખાતત્વોનાં આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં રેસ્ટોરન્ટ સંચાલકની કારમાં તોડફોડ થઇ છે. મોહરમ સમયે થયેલી બબાલનો ખાર રાખી હુમલો કર્યો. કુખ્યાત સમીર ઉર્ફે મરઘો સહિત 8 જેટલા શખ્સોએ તોડફોડ કરી. ભક્તિનગર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
-
પેટા ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો આજે લેશે શપથ
2025ની ગ્રામ પંચાયતો ચૂંટણીની સાથે યોજાયેલી 2 વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા બંને ઉમેદવારોનો આજે વિધાનસભા ખાતે શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે. જેમાં AAPના ગોપાલ ઈટાલિયા વીસાવદરના ધારાસભ્ય તરીકે પદભાર સંભાળશે. જ્યારે કડી બેઠક પરના ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા ધારાસભ્યા તરીકે શપથ લેશે.
Published On - Jul 16,2025 7:27 AM