15 ડિસેમ્બરના મહત્વના સમાચાર : માઉન્ટ આબુ ઠંડીમાં ઠૂંઠવાયુ, તાપમાન પહોચ્યું માઈનસ 3 ડીગ્રીએ
આજે 15 ડિસેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
ગુજરાતમાં આજથી રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ, 45 દિવસમાં 33 જિલ્લાના 18,464 ગામોમાં કરાશે સર્વે
ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ 2024-2025 સીઝનનો ડિજિટલ ક્રોપ સર્વે ગત તા. 25 ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
હવે રવિ સીઝન શરૂ થતા રાજ્યના 33 જિલ્લાના તમામ ખેતર માટે રવિ 2024-25 ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આજ તા. 15મી ડિસેમ્બરથી રાજ્યભરમાં 45 દિવસ સુધી જે-તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલ સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લાના 18,464 ગામોમાં તમામ ખેતીલાયક વિસ્તારના આશરે એક કરોડથી વધારે સર્વે પ્લોટને આવરી લેવાશે.
આ ડિજિટલ ક્રોપ સર્વેના લીધે જે અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. 12 ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરે પૂરી થતી નહોતી, જે ડિજિટલ ક્રોપ સર્વે થકી જે-તે સર્વે નંબર ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં 100 % પાણીપત્રક નમૂના નં. 12 માં નોંધણી થશે. જેથી નમૂના નં. 12 માં પાકની નોંધણી સદર બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે.
-
ભાજપના નેતાને રિવોલ્વોરના લાયસન્સની ભલામણ કરનાર પોલીસ કોન્સ્ટેબલની બદલી
સુરતમાં લગ્ન પ્રસંગમાં ભાજપ નેતા દ્વારા કરાયેલ ફાયરિંગ મામલે, પોલીસ કોન્સ્ટેબલની હજીરામાં બદલી કરી છે. ભાજપ કોષાધ્યક્ષ ઉમેશ તિવારીને, રિવોલ્વોરના લાયસન્સની ભલામણ પોલીસ કોન્સ્ટેબલ સંતોષ પાટીલે કરી હતી. આથે પોલીસ કોન્સ્ટેબલ સંતોષ પાટીલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ડીંડોલીના પોલીસ કોન્સ્ટેબલ સંતોષ પાટીલની સિંગલ ઓર્ડરથી સુરતના છેવાડે હજીરા ખાતે શિક્ષાત્મક બદલી કરાઈ છે. ઉમેશ તિવારીને રિવોલ્વોરનું લાઇસન્સ આપવા ડીંડોલીના કોન્સ્ટેબલે ભલામણ કરી હતી. ઘટના અંગે પોલીસે ચાર દિવસની તપાસ કરી હતી.
-
-
ધોળકા બાવળા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત
ધોળકા બાવળા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત થયું છે. સિંધરેજ ગામ નજીક બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સિંધરેજ ગામના જગદીશ ઠાકોર ઉંમર વર્ષ 19 નુ ઘટના સ્થળે મોત થયું છે. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો.
-
માઉન્ટ આબુ ઠંડીમાં ઠૂંઠવાયુ, તાપમાન પહોચ્યું માઈનસ 3 ડીગ્રીએ
રાજ્સથાનના સિરોહી જિલ્લામાં ઠંડીનો પ્રકોપ સતત ચાલુ છે. હિમાચલના પર્વતીય વિસ્તારમાંથી આવતા બર્ફીલા પવનોને કારણે માઉન્ટ આબુમાં શનિવારે પાંચમા દિવસે પણ તીવ્ર ઠંડીનો દોર યથાવત રહ્યો છે. માઉન્ટ આબુમાં આજે સવારે બધે બરફ જોવા મળ્યો હતો. શનિવારે સવારે વિવિધ સ્થળોએ પારામાં વધઘટ જોવા મળી હતી. કુમ્હારવાડા, ચાચા મ્યુઝિયમ, પોલો ગ્રાઉન્ડ, મેઈન બજાર, ગુરુ શિખર, હેતમજી, અરણા, ઉડિયા, અચલગઢમાં પારો માઈનસ 2 ડિગ્રી સુધી ગગડ્યો હતો.
-
સુરતના કામરેજના મોરથાના ગામે કાર અડફેટે ચાર મહિનાના બાળકનું મોત
કામરેજના મોરથાના ગામની સીમમાં શ્રમજીવી પરિવાર શેરડી કાપી રહ્યો હતો તે દરમિયાન તેઓએ પોતાના બાળકને રોડની સાઈડમાં એક ફાર્મની દીવાલ પાસે સુવડાવ્યો હતો. જીપ કાર ચાલકે, વળાંક લેતી વેળાએ બાળકને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પર કાર મૂકી ભાગી ગયો. બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો.
-
-
IND vs AUS : ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે લંચ સુધી ત્રણ વિકેટે 104 રન બનાવ્યા
ઓસ્ટ્રેલિયાએ રવિવારે અહીં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે લંચ સુધી તેની પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટે 104 રન બનાવ્યા હતા. લંચ બ્રેકના સમયે સ્ટીવ સ્મિથ 25 રન અને ટ્રેવિસ હેડ 20 રન બનાવીને ક્રિઝ પર છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહે બે અને નીતિશ કુમાર રેડ્ડીને એક વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે દિવસની શરૂઆત કોઈપણ નુકશાન વિના 28 રનથી આગળ કરી હતી. મેચના પહેલા દિવસે વરસાદના કારણે માત્ર 13.2 ઓવર જ રમાઈ શકી હતી.
-
બોટાદના બરવાળામાં ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર પર ભૂમાફિયા દ્વારા ડમ્પર ચડાવવાના પ્રયાસ
બોટાદના બરવાળામાં તાલુકા ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર પર ભુમાફિયા દ્વારા ડમ્પર ચડાવવાના પ્રયાસ કરાયો હતો. જો કે આ ઘટના બે દિવસ પૂર્વે ચારણકી ચોકડીથી પોલરપુર રોડ પર બની હતી. સમગ્ર મામલે મામલતદાર સી.જે.પ્રજાપતિ દ્રારા બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સી.જે.પ્રજાપતિ બરવાળા મામલતદાર દ્રારા, રોડ પર પસાર થતા દરમ્યાન રેતીની હેરાફેરી કરતા ડમ્પરને ઉભું રાખી તપાસ કરેલ. તપાસ દરમ્યાન ગેરકાયદેસર રેતીની હેરાફેરી જણાતા ડમ્પર સિઝની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમ્યાન અન્ય બે વ્યક્તિ આવી બોલાચાલી કરેલ અને ડ્રાયવર દ્રારા રેતી ત્યાં અનલોડ કરી મામલતદાર પર ડમ્પર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.
-
-
સુરતમાં સ્ટેટ મોનિટરીંગ સેલે આયાતી કોલસાની ચોરીનું રેકેટ ઝડપ્યું, 3ની ધરપકડ-4 વોન્ટેડ જાહેર
સ્ટેટ મોનિટરીંગ સેલે સુરતમાં મોટી કાર્યવાહી હાથ ધરીને, રાજ્યમાં પ્રથમ વખત આયાતી કોલસાની ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આયાતી કોલસાની ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. આયાતી કોલસાની ચોરી પ્રકરણમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ત્રણની ધરપકડ કરી છે. જ્યારે ચાર વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. 59 ટન આયાતી અને 8 ટન મિક્ષ કોલસો મળી આવ્યો છે. 35 ટન વેસ્ટ કોલસોનો જથ્થો પણ હાથ લાગ્યો છે. બે ટ્રક અને રોકડા રૂપિયા, એક કાર સહિતનો કુલ 45 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
-
બનાસકાંઠાના રાણપુર રતનપુરની બ્રાન્ચ કેનાલમાં કાર ખાબકી, ચાલકનુ મોત
બનાસકાંઠાના સરહદી વિસ્તાર રાણપુર રતનપુરની બ્રાન્ચ કેનાલમાં કાર ખાબકી હતી. કાર ખાબકવાની ઘટનામાં કારચાલકનું મોત થયું છે. સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા દુર્ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમે મૃતકના મૃતદેહને કેનાલમાંથી બહાર નીકાળ્યો છે.
-
શ્રીલંકાના રાષ્ટ્રપતિ આજે ત્રણ દિવસીય ભારતની મુલાકાતે આવશે
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે, આજે રવિવારે 15 ડિસેમ્બરે ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે. ભારત યાત્રા દરમિયાન તેઓ પીએમ મોદીને મળશે.
-
મહારાષ્ટ્રમાં આજે દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટનું વિસ્તરણ
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળનું આજે રવિવારે 15 ડિસેમ્બરે નાગપુરમાં વિસ્તરણ કરવામાં આવશે. સત્તાવાર નિવેદન અનુસાર, ફડણવીસ સરકારની કેબિનેટનો શપથ સમારોહ સાંજે 4 વાગ્યે થશે. કેબિનેટમાં લગભગ 35 મંત્રીઓનો સમાવેશ થાય તેવી શક્યતા છે. ભાજપના 19 ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને નવા મંત્રીઓ નાગપુરમાં આયોજિત સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લેશે. મહારાષ્ટ્રમાં મંત્રી પરિષદમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 43 સભ્યો હોઈ શકે છે.
બંગાળના પશ્ચિમી જિલ્લાઓમાં કોલ્ડવેવની સ્થિતિની સંભાવના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજધાની દિલ્હીમાં આયોજિત મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે આજે રવિવારથી ભારતની ત્રણ દિવસીય મુલાકાત શરૂ કરશે. પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે. નીચે વાંચો આજના સમાચારો સંબંધિત મોટા અપડેટ્સ…
Published On - Dec 15,2024 7:22 AM