11 ડિસેમ્બરના મહત્વના સમાચાર : Indigo Airlinesની મોટી જાહેરાત, નિયમો અનુસા મુસાફરોને 5 થી 10 હજારનું વળતર ચુકવાશે, વધારે પડતી હેરાનગતિ પામેલા મુસાફરોને અપાશે ટ્રાવેલ વાઉચર
Gujarat Live Updates : આજ 11 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 11 ડિસેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
વડોદરા: બિહારથી આવેલા કુલ 11 બાળકોનું કરાયું રેસ્ક્યું
વડોદરા: બિહારથી આવેલા કુલ 11 બાળકોનું રેસ્ક્યું કરાયુ છે. બિહારના કટિયા જિલ્લામાંથી જાતે ટ્રેન બુક કરીને બાળકો આવ્યા હતા. બાળકો સાથે 7 પુખ્ત વયના લોકો પણ હતા. ચાઈલ્ડ વેલફેર નામની સંસ્થાને બિહારથી બાતમી મળી હતી, બાળકો સુરતમાં રહેતા પોતાના વાલી પાસે જતાં હોવાનું રટણ કરી રહ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
-
લગ્નમાં મહેમાન બની બાઈક ચોરી કરતા દંપતીની ધરપકડ
ભરૂચમાં લગ્નમાં મહેમાન બની બાઈક ચોરી કરતા દંપતી સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ અંકલેશ્વર સહિત સુરતના કોસંબા, પલસાણામાં બાઈક ચોરીના 4 ગુનાઓને અંજામ આપ્યો હતો. પોલીસે ચોરીની 4 બાઈક મળી કુલ રૂપિયા અઢીં લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગેંગની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપી અમન મુલતાની તેની પત્ની આરતી અને ગૌતમ પઠારે સાથે મળી ચોરીને અંજામ આપતા હતા. લગ્ન પ્રસંગમાં મહેમાન બની બેન્ડમાં નાચવા જતા હતા અને તક જોઈને બાઈકની ચોરી કરતા હતા. પકડાયેલા આરોપી પૈકી ગૌતમ પઠારે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જેના પર મહારાષ્ટ્રમાં પણ ગુનો નોંધાયેલો છે.
-
-
રાજકોટ: ગોંડલમાં 45 વર્ષીય શખ્સે કર્યો આપઘાત
રાજકોટ: ગોંડલમાં 45 વર્ષીય શખ્સે અનિડા નજીત સીમ વિસ્તારમાં ઝેરી દવા પી લઈ આપઘાત કર્યો છે. સાસરીયા પક્ષના ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આરોપ છે. સાસરિયા તરફથી ₹50 લાખની માગણીનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે.
-
લગ્ન લાયક મુરતિયાઓને શોધી તેમને ઠગતી લુંટેરી દુલ્હન સહિત ઠગ ટોળકી ઝડપાઈ
પાટણના રાધનપુરના યુવકના લગ્ન રાજકોટની યુવતી સાથે થયા હતા અને 10 લાખ જેટલી રકમ પડાવી માત્ર 20 દિવસ જેટલો જ સમય રોકાઈને યુવતી પરત જતી રહી હતી. જ્યારે યુવકે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો તો યુવતી સાથે સાગરીતો યુવકને ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી પૈસાની માગ કરતા હતા. જેનાથી કંટાળીને આખરે યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે તપાસ કરતા લૂંટેરી દુલ્હન સહિત ઠગ ટોળકીના 5 આરોપીની ધરપકડ કરાઈ જ્યારે અન્ય બે આરોપીની હાલ શોધખોળ શરૂ થઈ છે. આરોપીઓની પૂછપરછમાં અગાઉ પણ અનેક યુવકોને ફસાવીને પૈસા પડાવ્યાં હોવાનું સામે આવ્યું.
-
સુરત: 4.70 લાખની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
સુરત: 4.70 લાખની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. બેંકમાં ‘રિક્વાયર અરજન્ટ’નો મેસેજ મોકલી 4.70 લાખની છેતરપિંડી કરી હતી. PNBના સિમ્બોલવાળી પ્રોફાઈલ પરથી ફરિયાદીને મેસેજ કર્યો હતો. ફરિયાદી પાસેથી APK ફાઈલ ડાઉનલોડ કરાવી પૈસા ઉપાડી લીધા હતા. છેતરપિંડી કરનારા આરોપીની બેંગલુરુથી ધરપકડ કરાઈ છે. ટોળકીએ ફોર્મમાં જરૂરી વિગતો ભરાવીને ફરિયાદીનો મોબાઈલ હેક કર્યો છે. ટુકડે ટુકડે કરીને 4.70 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. અગાઉ મુંબઈથી એક આરોપીની કરાઈ હતી ધરપકડ
-
-
ધુરંધરના એક સંવાદ સામે બલોચ સમાજ આવ્યો મેદાને
‘ધુરંધર’ ફિલ્મ સામે ગુજરાતમાં વિરોધના સૂર ઉઠ્યા છે. ફિલ્મમાં એક સંવાદમાં કહેવાયું છે કે.”મેં મગરમચ્છ કા ભરોસા કર સકતા હું લેકિન બલોચ કા નહીં” આ ડાયલોગને બલોચ સમાજ અપમાન તરીકે જોઈ રહ્યો છે. બલોચ સમાજે આ સંવાદ દૂર કરવા માટે માગણી કરી છે..ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમાજ અંગેના સંવાદ મુદ્દે જૂનાગઢમાં બલોચ સમાજે વિરોધ નોંધાવ્યો છે. બલોચ સમાજના આગેવાનોએ જૂનાગઢના મામલતદારને આવેદનપત્ર આપીને ફિલ્મમાંથી વાંધાજનક સંવાદ હટાવવા માગણી કરી છે.
-
મહીસાગરઃ વિરપુરમાં દબાણ હટાવવામાં મુદ્દે ઘર્ષણ
મહીસાગરઃ વિરપુરમાં દબાણ હટાવવામાં મુદ્દે ઘર્ષણ થયુ છે. ગ્રામપંચાયતના કર્મચારી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયુ છે. સ્થાનિકો સાથે ઘર્ષણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. સરાડીયા તરફ જતા માર્ગ પરના 8 દબાણો હટાવાયા છે. નવા રોડના નિર્માણ માે નડતરરૂપ દબાણો દૂર કરાયા છે. દબાણ બાબતે અગાઉ સ્થાનિકોને નોટિસ અપાઈ હતી. આગામી સમયમાં કુંભારવાડા વિસ્તારમાં પણ માપણી કરી દબાણો દૂર કરવાની તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.
-
સુરત: ST બસે મોપેડચાલક મહિલાને લીધી અડફેટે
સુરત: ST બસે મોપેડચાલક મહિલાને અડફેટે લીધી છે. દિલ્હી ગેટથી વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રની ST બસે મોપેડચાલકને અડફેટે લેતા મહિલા અને 2 બાળકો નીચે પટકાયા હતા. સદ્દનસીબે તમામનો આબાદ બચાવ થયો છે. એક બાળકને પગમાં સામાન્ય ઈજા આવી છે. અકસ્માતના CCTV સામે આવ્યા છે.
-
ઈન્ડિગોએ રદ થયેલી ફ્લાઈટના મુસાફરો માટે કર્યુ મોટું એલાન
ઈન્ડિગોએ રદ થયેલી ફ્લાઈટના મુસાફરો માટે મોટું એલાન કર્યુ છે. નિયમો અનુસાર મુસાફરોને 5 થી 10 હજાર રૂપિયાનું વળતર ચૂકવાશે. વધારે પ્રભાવિત મુસાફરોને વળતર સહિત ટ્રાવેલ વાઉચર પણ અપાશે. DGCA અનુસાર વળતરની કિંમત નક્કી કરવામાં આવશે. ઈન્ડિગોએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી માગી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન બને તે અંગે પણ ખાતરી દર્શાવી
3, 4 અને 5 ડિસેમ્બરે ઈન્ડિગોની ઘણી બધી ફ્લાઈટ રદ થઈ હતી, જે મામલે ટુરિઝમ ડેવલોપમેન્ટ સોસાયટીના ચેરમેને ઈન્ડિગો પર આકરા પ્રહાર કર્યા છે. ઈન્ડિગો એરલાઈન્સે બધી જ બાબતોમાં પોતાની મનમાની ચલાવી હોવાનો પ્રહાર કર્યો છે.
-
અમદાવાદ: VS હોસ્પિટલના 40 સ્ટાફ નર્સની મનમાની અને આડોડાઈ
અમદાવાદ: VS હોસ્પિટલના 40 સ્ટાફ નર્સની મનમાની અને આડોડાઈ સામે આવી છે. વર્ષ 2016ની બેચના સ્ટાફ નર્સને 1 ડિસે.થી LG અને શારદાબેન હોસ્પિટલમાં ટ્રાન્સફર અપાઈ હતી. મ્યુ. કમિશનરના આદેશ બાદ પણ નર્સિંગ સ્ટાફની આડોડાઈ સામે આવી છે. સ્ટાફ નર્સના ઘરે રજીસ્ટર એડીથી નોટિસ મોકલાઈ પણ સ્વીકારાઈ નથી. 1 ડિસે.થી LG અને શારદાબેન હોસ્પિટલમાં હાજર જ ન થયા. બળજબરીથી VS હોસ્પિટલમાં હાજરી પૂરી રહ્યા છે. મેટર્ન પાસેથી ચોપડો છીનવી બહાર લઈ જઈ હાજરી પૂરવાની ફરિયાદ છે. LG અને શારદાબેન હોસ્પિટલમાં સ્ટાફ નર્સ આઉટસોર્સ કરવા પડે છે. VS હોસ્પિટલમાં કામ ઓછું હોઈ સ્ટાફ નર્સ ત્યાંથી ખસવા તૈયાર નથી.
VS હોસ્પિટલની કેટલીક સ્ટાફ નર્સ મ્યુ. કમિશનરના આદેશને ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ છે. ઉલ્લેખનીય છે કે VS હોસ્પિટલમાં દર્દી ઓછા હોવાને કારણે દરેક સ્ટાફ નર્સની 3 મહિને તબક્કાવાર ટ્રાન્સફર કરાય છે. અલગ-અલગ યુનિયનોના લીધે હોસ્પિટલના ખસ્તા હાલ થયાના આક્ષેપો ઉઠ્યા છે. મ્યુ. કમિશનર અને મેયરને જ વીએસના કર્મચારી કેમ ગાંઠતા નથી તે મોટો સવાલ ઊઠી રહ્યા છે. તો બીજી તરફ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ કહી રહ્યા છે કે AMC ઓથોરિટી નક્કી કરે તે મુજબ નિર્ણય કરાશે.
-
ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની મુદત લંબાવાઈ
ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની મુદત લંબાવાઈ. ગુજરાતમાં 14 ડિસેમ્બર સુધી SIR ફોર્મ ભરી શકાશે. ગુજરાતમાં 19 ડિસેમ્બરે જાહેર થશે સુધારણા મતદાર યાદી. જ્યારે કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન નિકોબારમાં 18 ડિસે. સુધી SIR ફોર્મ ભરાશે. ઉત્તર પ્રદેશમાં 26 ડિસેમ્બર સુધી SIRની કામગીરી થઈ શકશે. SIRની કામગીરીની મુદત લંબાવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે.
-
રાજકોટ: નાણાવટી ચોક નજીક એક યુવકને માર મરાયો
રાજકોટ: નાણાવટી ચોક નજીક એક યુવકને મરાયો માર. એક યુવક અન્ય યુવકને માર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. માર ખાનાર શખ્સે દારુ પીધો હોવાનો આક્ષેપ કરાયો છે. યુનિવર્સિટી પોલીસે વાયરલ વીડિયોની તપાસ કરી છે.
-
અમદાવાદ એરપોર્ટ પરથી આજે બપોરના 2 વાગ્યા સુધીમાં ઈન્ડિગોની 24 ફ્લાઈટ કેન્સલ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી આવતી અને જતી ઈન્ડિગોની કુલ 24 ફ્લાઈટ કેન્સલ થઈ છે. રદ થયેલ ફલાઈટમાં, 12 ફ્લાઈટ અમદાવાદ આવતી અને 12 ફ્લાઈટ અમદાવાદથી અન્યત્ર જતી હતી. જો કે, આજે અમદાવાદ એરપોર્ટ પરથી બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 63 ફ્લાઈટનુ સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં 28 ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી હતી. જ્યારે 35 ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી અન્યત્ર ગઈ હતી.
-
નિયમ વિરુદ્ધ આધારકાર્ડ બનાવવાના પ્રકરણમાં 13 ઓપરેટર-સુપરવાઇઝર સસ્પેન્ડ, 3 એજન્સી સામે પોલીસ ફરિયાદ
નવસારીમાં બનાવટી આધાર કાર્ડ પ્રકરણમાં નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. છઠ્ઠી ડિસેમ્બરે કલેકટર કચેરીમાંથી કુલ 13 આધારકાર્ડ ઓપરેટર-સુપરવાઇઝરોને ફરજ મોકૂફ કર્યા બાદ આખરે 6 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરજ મોકૂફ કરાયેલા સુપરવાઈઝરોમાં નવસારીના બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ નીરવ ટેલરનો પણ સમાવેશ થાય છે. જલાલપોર મામલતદાર મૃણાલદાન ઈસરાણી ફરીયાદી બન્યા છે.
જલાલપોર તાલુકાના કોલાસણા ગામની NRI મહિલાએ સરકારી ઠરાવ વિરુદ્ધ જઈને આધાર કાર્ડ બનાવ્યું. આધારકાર્ડ બનાવવા માટે વિદેશી નાગરિકે 182 દિવસ ફરજિયાત ભારતમાં રોકાવું પડે છે. પ્રતીક્ષા પટેલ નામની મહિલાએ માત્ર 25 દિવસ ભારતમાં રોકાઈને આધાર કાર્ડ બનાવતા વહીવટી તંત્ર દોડતું થયું હતું. જાગૃત નાગરિકે વહીવટી તંત્રને ફરિયાદ કરતા તંત્ર આધારકાર્ડ કૌભાંડની જાણકારી મેળવી ચોકી ગયું હતું.
મહિલા સાથે આધારકાર્ડ બનાવનાર ઓપરેટરની પણ સંડોવણી બહાર આવી છે. નવસારી ટાઉન પોલીસ મથકમાં એનઆરઆઈ મહિલા સહિત આધાર કાર્ડ બનાવનાર ઓપરેટર વિરુદ્ધ આઈ.ટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જિલ્લામાં જમીનના દસ્તાવેજોમાં નકલી આધાર કાર્ડ પ્રકરણમાં વધુ ખુલાસા થઈ શકે તેવી સંભાવના.
-
સુરતમાં રોંગ સાઈડ આવતા, મોટા હોર્ન વગાડતા વાહન ચાલકો સામે પોલીસની કાર્યવાહી
સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા, રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો તેમજ ટ્રાફિક સિગ્નલ પર કોઈ કારણ વિના મોટેથી હોન વગાડનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે વધુ કડક થી કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યુનિક સર્કલ પાસે વાહન ચાલકો ટ્રાફિક ના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો. વાહન ચાલકો રોંગ સાઈડ જતા હોય અને ગફલત રીતે હોર્ન વગાડતા હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરના વાહન ચાલકો ટ્રાફિક ના નિયમોનું પાલન કરે તે દિશાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાને લઈને ટ્રાફિક ડીસીપીના આદેશ આપવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડે જતાં વાહનચાલકોને અટકાવવા કેટલાક પોઇન્ટ ઉપર પોલીસના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
-
પાકિસ્તાન ભૂતપૂર્વ ISI ચીફ ફૈઝ હમીદને 14 વર્ષની સજા
પાકિસ્તાનના ભૂતપૂર્વ ગુપ્તચર વડા, લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ (નિવૃત્ત), ને લશ્કરી અદાલતે 14 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
-
પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા, વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામના સરપંચે ગાંડા હોવાનો કર્યો ઢોંગ
વાઘોડિયા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે. વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામના સરપંચે પોતાના ભ્રષ્ટાચાર ના આરોપને છુપાવા પાગલ હોવાનો ઢોંગ કર્યો. વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. ગ્રામ પંચાયતના સભ્ય એ જ લગાવ્યા આરોપ. ગ્રામ પંચાયતના વિકાસના કામો કરાવવા માટે. કામો પેટે કોન્ટ્રાક્ટર પાસેથી એડવાન્સ બંને સરપંચોએ ટકાવારી પેટે રૂપિયા લીધા હોવાના આરોપ. ગ્રામ પંચાયતના સભ્યએ વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને આપી લેખિતમાં અરજી કરી હતી. તાલુકા પંચાયતમાં અરજી તથા ગ્રામ પંચાયત સરપંચ કમલેશ અંબાલાલ વસાવા ડેપ્યુટી સરપંચ મિતેશ જાદવ સામે ભ્રષ્ટાચારના આરોપ. ભ્રષ્ટાચારની અરજી તથા સરપંચ કમલેશ વસાવા એ પોતે ગાંડો હોવાનું નાટક રચ્યુ છે. અધિકારી તપાસમાં આવે તો સરપંચ ગાંડો થઈ ગયો હોવાનું નાટક રચ્યુ. સરપંચનો ગાડાંનો પ્લાન ઓડિયોમાં થયો વાયરલ. સરપંચ ગાંડા હોવાનો ઢોંગ કરતો વીડિયો થયો વાયરલ.
-
સુરતના સચિનમાં પ્લાયવુડ બનાવવાના મશીનમાં ફસાઈ જતા કિશોરનું મોત
સુરત શહેરમાં પ્લાયવુડ બનાવવાના મશીનમાં ફસાઈ જતા કિશોરનું મોત થયું છે. સચિન હોજીવાલામાં ગુજરાત પ્લાયવુડ કંપનીમાં મણીકાંત રામ કામ કરી રહ્યો હતો. પ્લાય બનાવવાના મશીનમાં કામ કરતા કરતા કિશોર મશીનમાં જ ભરાઈ ગયો હતો. ઘટનાને લઈને કારીગરો દોડી આવી કિશોરને બહાર કાઢ્યો હતો. બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યા પરિવાર શોકમાં મગ્ન. કંપનીમાં કિશોર જોડે બાદ મજૂરી કરાવવામાં આવતી હતી.
14 વર્ષીય કિશોર ઘરની આર્થિક તંગીના લીધે નોકરી કરતો હતો. 14 વર્ષની ઉંમરે બાળકિશોર મજૂરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો. કંપનીમાં કામ કરતાં અચાનક મશીનમાં આવી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન. સચિન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
-
વાવ તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પરિવાર હુમલો
વાવ તાલુકાના ખીમાણાપાદર ગામે મોડીરાત્રે વાવ તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પરિવાર હુમલો કરવામાં આવ્યો હતો. તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ તેમજ પરિવારના સભ્ય સાથે સ્કોર્પિયો ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે કરાયો હુમલો. હુમલામાં થઈ બે થી વધુ લોકોને સામાન્ય ઈજાઓ. વાવ પોલીસને કરવામાં આવી ઘટનાની જાણ. જુની અદાવતમાં કરવામાં આવ્યો હુમલો. સમાજના લોકો વચ્ચે ઘણા સમયથી ચાલી રહ્યો છે સામાજિક વિવાદ. પૂર્વ પ્રમુખના પતિ ધનજી ગોહિલ સ્થાનિક ભાજપમા તાલુકા પૂર્વ પ્રમુખ તરીકે રહી ચુક્યા છે.
-
નવસારી જિલ્લા પોલીસના instagram પેજ સાથે થયા ચેડા
નવસારી જિલ્લા પોલીસનું instagram પેજ સાથે ચેડા થયા. ગત રાત્રે 2:19 મિનિટે spinstagram પેજ ઉપર સાઇબર ઠગબાજોએ એડવર્ટાઈઝમેન્ટ મૂકી. ઘટના અંગે સાઇબર ક્રાઇમને જાણ થતા તાત્કાલિક પાસવર્ડ ચેન્જ કરી એડ હટાવવામાં આવી. નવસારી જિલ્લાને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરતા સાઇબર ક્રાઇમની ડિજિટલ પ્રોટેક્શન વોલ કાચી સાબિત થઈ. અજાણ્યા ઈસમોએ આસાનીથી પેજને હેક કરી એડવર્ટાઈઝમેન્ટ મૂકી. આ મામલે સાઇબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા ફરિયાદ ન કરી તપાસ શરૂ કરી. સાઇબર પી.આઈ ઉમંગ મોદી અને ટીમ આ મામલે તપાસ કરી રહ્યા છે.
-
નોટબંધી વખતે બેંકમાં 60 કરોડ જમા કરાવનાર ત્રણ સામે ઇડીની કાર્યવાહી
નોટબંધી વખતે બેંકમાં 60 કરોડ રૂપિયા જમા કરાવનાર ત્રણ સામે ઇડીએ કાર્યવાહી હાથ ધરી છે. બોગસ પુરાવા ના આધારે બે બેંક એકાઉન્ટ ખોલાવી બ્લેક અને વ્હાઇટ નો ખેલ કર્યો હતો. મહર્ષિ સંજય ચોક્કસ, હિમાંશુ શાહ અને સુનિલ રૂપાણી સામે કાર્યવાહી કરવામાં આવી છે. કેસમાં ઇડી દ્વારા 2.06 કરોડની મિલકત પણ જપ્ત કરવામાં આવી છે. અગાઉ ગાંધીનગર સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે કાર્યવાહી પૂર્ણ થતા હવે ઇડી દ્વારા કાર્યવાહીનો સકંજો. ત્રણેય દ્વારા નીરવ એન્ડ કંપનીના નામે બોગસ બેંક ખાતું ખોલાવ્યું હતું. જે પુરાવા રજૂ કરાયા હતા, તે બોગસ હોવાનું બહાર આવ્યું હતું. નીરવ શાહ એન્ડ કંપનીના ખાતામાં 36.17 કરોડની જૂની નોટ જમા કરાવાઈ હતી. આર.આર.ટ્રેડર્સ ના ખાતામાં પણ 34.35 કરોડની જૂની નોટ જમા થઈ હતી. જે બંને બેંક એકાઉન્ટ બોગસ પુરાવાના આધારે ખોલાવી કાળા – ધોળાં નો ખેલ કરાયો હતો.
-
સાયલાના ચોરવિરા ગામે જમીનના ભાગ પાડવાના મુદ્દે કાકા-પિતરાઈ ભાઈ કરી હત્યા
ગુજરાતી કહેવત જર, જમીન અને જોરૂ ત્રણેય કજીયાના છોરુ, આ સાયલા તાલુકાના ચોરવિરા ગામે સાર્થક થતી જોવા મળી. વડીલો પાર્જીત આઠ વિધા જમીનના ભાગ પાડવાની માથાફુટમાં સગા કાકા અને પીતરાઇ ભાઇ એ 12 ફુટ ઉચેથી ધક્કો મારી દેતા યુવકનું મોત થયુ. જમીનના ડખ્ખામાં ઘરના જ આરોપીએ ઘરની જ વ્યક્તિની હત્યા કરી. પોલીસે તપાસ હાથ ધરી છે.
-
ગુજરાત સરકારે Google – BHASHINI અને GIFT City – Henox સાથે કર્યા MoU
સરકારી વિભાગોમાં “પ્લગ-એન્ડ-પ્લે” AI અપનાવવા માટે 6 મુખ્ય AI ટૂલ્સ—કૃષિ AI, યોજનાની પાત્રતા ચકાસણી, પ્રોક્યોરમેન્ટ ચેટબોટ, ગ્રીવન્સ ક્લાસિફાયર, ડોક્યુમેન્ટ એક્સ્ટ્રેક્ટર અને ચેટ મેનેજમેન્ટ ટૂલથી ગવર્નન્સ વધુ ઝડપી, ચોકસાઇયુક્ત અને નાગરિકલક્ષી બનશે. ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ 2025 લોન્ચ કરવામાં આવી છે. રાજ્યના ડિજિટલ ગવર્નન્સને વધુ સુરક્ષિત, સ્કેલેબલ અને AI-ready બનાવવા માટે ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ 2025 લોન્ચ કરવામા આવી છે. આના પરિણામે MeitY empanelled cloud services અને રાષ્ટ્રીય GPU compute નો ઉપયોગ સરળ બનશે.
બે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર થયા
1. ગુજરાત સરકાર – Google – BHASHINI: બહુભાષીય AI, ગુજરાતી ભાષા મોડેલો અને ડિજિટલ પબ્લિક સર્વિસિસ માટે વ્યૂહાત્મક ભાગીદારી કરશે.
2. ગુજરાત સરકાર – GIFT City – Henox: રાજ્યમાં કેબલ લેન્ડિગ સ્ટેશન ( Cable Landing Station – CLS) સ્થાપવા માટે MoU કરવામાં આવ્યા છે. જેનાથી ગુજરાત વૈશ્વિક ડિજિટલ કનેક્ટિવિટીનું કેન્દ્ર બનશે અને ગ્રીન ડેટા ડેટા સેન્ટર્સને બળ પુરુ પાડશે.
-
લગ્ન કરીને રાતોરાત ભાગી જતી લુંટેરી દુલ્હન સહિત ઠગ ટોળકીને રાધનપુર પોલીસે ઝડપી પાડી
રાધનપુર પોલીસે લુંટેરી દુલ્હન સહિત ઠગ ટોળકી ઝડપી પાડી છે. રાજકોટની ઈલા ઉર્ફે હિરલ પરમાર નામની યુવતીના લગ્ન રાધનપુરના યુવક સાથે કરાવ્યા. અને રૂપિયા 10 લાખ પડાવી માત્ર 20 દિવસ જેટલો સમય રોકાઈને પરત જતી રહી. ત્યારબાદ રાધનપુરના યુવકે લૂંટેરી દુલ્હનનો સંપર્ક કર્યો પરંતુ લૂંટેરી દુલ્હનના સાગરીતોને યુવકને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરતી હતી.
જો કે હિંમત દાખવી આખરે યુવકે રાધનપુર પોલીસ મથકે લૂંટેરી દુલ્હન સહિત ઠગ ટોળકી સામે ફરિયાદ નોંધાવતા રાધનપુર પોલીસે લૂંટેરી દુલ્હન સહિત ઠગ ટોળકીના ત્રણ સાગરીતોને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 2 સાગરીતોને ઝડપવા પોલીસની ટીમ દોડતી થઈ છે. ઝડપાયેલી લૂંટેરી દુલ્હન અને ઠગ ટોળકીએ અગાઉ પણ આ પ્રકારની ટ્રેપમાં અન્ય યુવકોને ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. જે મામલે અન્ય પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે.
-
લુથરા બ્રધર્સનો પાસપોર્ટ સસ્પેન્ડ
ગોવાની ક્લબમાં આગ લાગ્યા બાદ થાઈલેન્ડ ભાગી છુટેલા કલબના માલિક લુથરા બ્રધર્સના પાસપોર્ટને ભારતીય સત્તાવાળાઓએ સસ્પેન્ડ કર્યો છે. . ભારત સરકારે લુથરા બ્રધર્સ સામે કડક કાર્યવાહી કરી છે.
-
મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં થયેલા વિવિધ અકસ્માતમાં 6 ના મોત
મોરબી જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન બનેલ અકસ્માતોમાં કુલ 6 વ્યક્તિઓના મોત થયા છે. ટ્રક, ટેન્કર અને ડમ્પર, છકડો રિક્ષા અને ટ્રેક્ટરના ચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે GJ-36-V-5149 નંબરના ડમ્પર ચાલકે હડફેટે લેતા સ્કૂટર સવાર જગદીશભાઈ પાટડિયા નામના પ્રૌઢનું મોત થયું છે. મોરબીના ભરતનગર પાસે નં-GJ-13-AW-7130 નંબરના ડમ્પર ચાલકે પાર્ક કરેલ અન્ય ડમ્પર સાથે અકસ્માત સર્જતા ક્લીનર શત્રુભાઈ વસુનીયાનું મોત થયું છે. માળિયા મિયાણાના સૂરજબારી પુલ પાસે ટેન્કર નંબર NL-01-AA-5670 ના ચાલકે અકસ્માત સર્જતા ટેન્કર ચાલક ડાલુરામ રામારામ દતરવાલનું મોત થયું હતુ. માળિયા મિયાણા માં GJ 04 AU 4941નંબરના છકડો રિક્ષા ચાલકે અકસ્માત સર્જતા બાઇક ચાલક સાગર જુગાભાઈ પરસુંડાનું મોત થયુ. મોરબીના બગથળા ગામે ટ્રક ચાલકે હડફેટે લેતા બાઈકસવાર રાજીવરંજન નાગેશ્વર ઝા નું મોત થયુ હતુ. જ્યારે વાંકાનેરના કાછીયાગાળા નજીક ટ્રેક્ટર ચાલકે બાઈકને હડફેટે લેતા બે ઇજાગ્રસ્ત થયા હતા.
-
સુરેન્દ્રનગર પાટડીના નાવયાણી ગામ પાસે અકસ્માત, 3 યુવાનના મોત
સુરેન્દ્રનગર પાટડીના નાવયાણી ગામ પાસે થયેલા ગંભીર અકસ્માતમાં 3 યુવાનના ઘટના સ્થળે જ મોત થયા છે. ટેલર–બાઈક વચ્ચે ભારે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈકસવાર 3 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે. નાવયાણી ગામના પાટીયા પાસે ટેલર ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જીને ટેલર ચાલક ફરાર થઈ ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ મૃત યુવકો એરવાડા ગામના હોવાની માહિતી સામે આવી છે.
-
ગુજરાતમાં ઠંડીનો પારો ગગડીને 9 ડિગ્રીએ પહોચ્યો, અમદાવાદ-ગાંધીનગર-રાજકોટ કરતા વડોદરામાં વધુ ઠંડી
ગુજરાતમાં શિયાળાની ઋતુ જામી છે. દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ સપ્તાહમાં ઠંડીનો પારો ધીમે ધીમે ગગડી રહ્યો છે. આજે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી 9 ડિગ્રી નોંધાઈ છે. રાજ્યમાં સૌથી વધુ ઠંટુ શહેર કચ્છનું નલિયા રહ્યું છે. કચ્છના નલિયામાં સામાન્ય તાપમાન કરતા 3.6 ડિગ્રી ઓછુ તાપમાન નોંધાયું છે. જે એક પ્રકારે કોલ્ડવેવ બરાબર છે. નલિયામાં આજે ઠંડીનો પારો 9 ડિગ્રીએ અટક્યો છે.
ગુજરાતના મોટા શહેરોમાં ઠંડીના પારાની વાત કરીએ તે, અમદાવાદ અને ગાંધીનગર કરતા પણ વધુ ઠંડી વડોદરામાં નોંધાઈ છે. અમદાવાદમાં ગાંધીનગર કરતા સહેજ જ ઓછી ઠંડી નોંધાઈ છે. ગાંધીનગરમાં ઠંડીનો પારો 13 ડિગ્રીએ અટક્યો છે તો અમદાવાદમાં 13.4 ડીગ્રીએ અટક્યો છે. વડોદરા શહેરમાં ઠંડીનો પારો ગગડીને 12 ડીગ્રીએ અટક્યો છે. જે વડોદરાના સામાન્ય તાપમાન કરતા 3.2 ડીગ્રી જેટલુ ઓછુ તાપમાન છે.
અમરેલીમાં 11.4 ડીગ્રી, ભાવનગરમાં 14.6 ડિગ્રી, ભૂજમાં પણ 14.6 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ડીસામાં 12.7 ડિગ્રી, રાજકોટમાં 12.5 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.
-
ગુજરાતના વધુ 11 તાલુકાને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. કદવાલ, ઉકાઈ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, ચીકદા, રાહ, ધરણીધર, ઓગડ, હડાદ, ગોધર, નાનાપોંઢાને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા છે. આ નવા વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત વાર્ષિક રૂ. 2 કરોડ તથા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (ATVT) વિકાસશીલ તાલુકા યોજના અન્વયે વાર્ષિક રૂ. 1 કરોડ; એમ સમગ્રતયા કુલ 3 કરોડ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ વિકાસ કામો માટે મળશે.
-
અમદાવાદ એરપોર્ટ પરથી સવારે 8 વાગ્યા સુધીમાં ઈન્ડિગોની 18 ફ્લાઈટ કેન્સલ થઈ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર આજે સવારે 8 વાગ્યાની સ્થિતિએ, ઈન્ડિગોની કુલ 18 ફ્લાઈટ રદ થઈ છે. જેમાં 9 ફ્લાઈટ અમદાવાદ આવતી અને 9 ફ્લાઈટ અમદાવાદથી અન્યત્ર જતી હતી.
સવારે 8 વાગ્યા સુધીમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી કુલ 25 ફ્લાઈટનુ સંચાલન કરવામાં આવ્યું હતું. જેમા 8 ફ્લાઈટ આવી હતી જ્યારે 17 ફ્લાઈટ અહીંથી અન્યત્ર ગઈ હતી.
-
કચ્છના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી 11 પાકિસ્તાની ઝડપાયા
કચ્છના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી 11 પાકિસ્તાની ઝડપાયા છે. જખૌ કોસ્ટ ગાર્ડ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન આ પાકિસ્તાનીઓ ઝડપાયા હતા. સુરક્ષા એજન્સીઓની પ્રાથમિક તપાસમાં 11 પાકિસ્તાનીઓ, વ્યવસાયે માછીમારો હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાની અલવલી નામની બોટ ઝડપાઈ છે. પાકિસ્તાની બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો છે. 11 પાકિસ્તાનીઓ પાસે કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી નથી. શા માટે તેઓ કચ્છની દરિયાઈ સીમામાં ઘુસ્યા હતા તે દિશામાં સુરક્ષા એજન્સીઓ તપાસ હાથ ધરી છે.
-
રાજકોટના જસદણના આટકોટમાં દુષ્કર્મના આરોપી પર પોલીસનો ગોળીબાર
રાજકોટના જસદણ નજીક આવેલ આટકોટ ખાતે બે દિવસ પૂર્વે છ વર્ષના બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને ઈજાગ્રસ્ત કરનાર નારાધમ પોલીસની પકડમાંથી ભાગવા જતા પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. દુષ્કર્મના આરોપીએ કરી ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના કારણે આરોપીને પગના ભાગે ઈજા પહોચી હતી. આ કાર્યવાહીમાં પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઈજાગ્રસ્ત આરોપી અને પોલીસ કર્મીને KDP હોસ્પિટલ આટકોટ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.
Published On - Dec 11,2025 7:17 AM