03 નવેમ્બરના મહત્વના સમાચાર : વનપાલ અને બીટગાર્ડ્સના આંદોલનનો આવ્યો અંત : અર્જુન મોઢવાડિયા
આજે 03 નવેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 03 નવેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
બોટાદના ગઢડામાં સિટી સર્વે કચેરીનો કર્મચારી ACBના છટકામાં ઝડપાયો
ગઢડામાં સિટી સર્વે કચેરીનો કર્મચારી ACBના છટકામાં ઝડપાયો. મેઇન્ટેનન્સ સર્વેયર શૈલેષભાઈ જાદવ 5 હજારની લાંચ લેતા ઝડપાયા. મકાન-મિલકતની કામગીરી માટે અરજદાર પાસે લાંચ માંગી હતી. જાગૃત નાગરિકે બોટાદ ACBમાં લાંચ માંગ્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. 5 હજારની લાંચ લેતા કર્મચારીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો. ગઢડાની સરકારી કચેરીમાં ACBની સફળ ટ્રેપથી ખળભળાટ મચ્યો.
-
વનપાલ અને બીટગાર્ડ્સના આંદોલનનો આવ્યો અંત : અર્જુન મોઢવાડિયા
રાજ્યમાં વન વિભાગ હેઠળ ફરજ બજાવતા વનપાલ અને બીટગાર્ડ સંવર્ગના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. આ આંદોલનના સંદર્ભમાં હકારાત્મક અભિગમ અપનાવીને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ખાસ સૂચના અનુસાર, આજે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત કર્મચારી એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠક દરમિયાન થયેલી વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે કર્મચારીઓની માંગણીઓ અંગે હકારાત્મક અને સુખદ અંત આવ્યો છે. આ અંગે વિગતવાર માહિતી આપતા વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, અમુક બાકી રહેતા પ્રશ્નો અથવા મુદ્દાઓ અંગે ‘સામાન્ય વહીવટ વિભાગ’ અને ‘નાણાં વિભાગ’ની મંજૂરી જરૂરી હોવાથી, નિયમોનુસાર યોગ્ય પ્રક્રિયા હાથ ધરીને ટૂંક સમયમાં જ તે પ્રશ્નોનું પણ સત્વરે નિરાકરણ લાવવામાં આવશે.”
-
-
દિવાળી પૂર્વે વડગામના શેરપુરા હાઈવે પર આવેલી સુપર નમકીન પેઢીમાં તપાસ, 185 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરાયો
બનાસકાંઠાના પાલનપુરમાં દિવાળી પહેલા ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વડગામના શેરપુરા હાઈવે પર આવેલી સુપર નમકીન પેઢીમાં ઓચિંતી તપાસ કરી. બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં નમકીન બનાવાતું હોવાનું આવ્યું સામે. ફૂડ વિભાગની તપાસમાં વારંવાર વપરાયેલું બળેલું તેલ ઝડપાયું. લાલ સેવ, ચવાણું, પાપડી અને રતલામી સેવ સહિતના નમકીન જપ્ત કરવામાં આવ્યું છે. કુલ 185 કિલોગ્રામ ખાદ્ય જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરાયો. 70 કિલો બળેલું તેલ અને 115 કિલો બિનઆરોગ્યપ્રદ નમકીનનો સમાવેશ. જપ્ત કરાયેલા જથ્થાની કિંમત અંદાજે ₹24,300. નમકીનના સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા. જરૂરી માન્ય રજિસ્ટ્રેશન વિના ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું તપાસમાં સામે આવ્યું. દિવાળીના તહેવારોમાં ભેળસેળખોરો સામે ફૂડ વિભાગનું સઘન ચેકિંગ
-
સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો
સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર બોલાયો કડાકો. 10 ગ્રામ સોનામાં 1 હજાર ના ઘટાડા સાથે 1.39 લાખ ભાવ પહોંચ્યો ભાવ. એક કિલો ચાંદીના ભાવમાં પણ થયો ઘટાડો. 5 હજારના ઘટાડા સાથે 1.79 લાખે પહોચી ચાંદી.
-
મહેસાણાના રામપુરા કટોસણમાં ગોગા મહારાજના મંદિરમાં ચોરી, ભાવિક ભક્તો-ગ્રામ્યજનોમાં રોષ
મહેસાણાના રામપુરા કટોસણમાં મંદિરમાં ચોરી થવા પામી છે. ગોગા મહારાજના મંદિરમાં ચોરીની ઘટના ઘટી છે. ચાંદીના છત્તર સહિતના આભૂષણોની ચોરી થતા ગ્રામ્યજનો અને ભાવિક ભક્તોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ચોરીની ઘટના અંગે પોલીસ ને જાણ કરાઈ. પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
-
-
ગઈકાલ સોમવારે હત્યા કેસમાં કોર્ટે ફટકારી સજા, આજે લાજપોર જેલમાં આરોપીએ ફાંસો ખાઈ લીધો
સુરતમાં ગઈકાલ સોમવારે આરોપીને સજા થઈ આજે મંગળવારે જેલમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો. લાજપોર જેલમાં હત્યાના ગુનામાં કેદ આરોપીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત. 37 વર્ષીય આરોપી શંભુલાલ આડાને ગત રોજ કોર્ટે સજા ફટકારી હતી. આરોપીએ જેલના બાથરુમ જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. આરોપીએ ફાંસો ખાઈ લેતા જેલમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સચિન પોલીસ ઘટના સ્થળે પહોંચી. આરોપીના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી.
-
અમદાવાદમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના કેસના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા
અમદાવાદમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દોષિત ઠેરવવા સાથે સજા ફરમાવી હતી. આરોપી મુજીબ ઉર્ફે મુજીબુર રહેમાનને 20 વર્ષની સખત કેદની સજા કરાઈ. સરસપુરની બાઈ લલિતાની ચાલી વિસ્તારમાં રહેતા આરોપીએ પાડોશમાં રહેતી બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો કેસ. બાળકી રમતી હતી ત્યારે આરોપી ઇશારો કરીને પોતાના ઘરે બોલાવતો હતો. બાળકી સાથે ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યાનું ફરિયાદમાં સામે આવ્યું. ઘટનાની જાણ ન કરવા બાળકી પર ધમકી આપતો અને 20 રૂપિયા આપતો હતો. બાળકીની માતાની ફરિયાદના આધારે શહેરકોટડા પોલીસે ગુનો નોંધ્યો હતો. બાળકીની જુબાની અને અન્ય પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો. પીડિતાને વળતર પેટે ₹4 લાખ ચૂકવવાનો પણ કોર્ટનો આદેશ.
-
દાહોદની ડોકી જેલ, દેવગઢ બારીયા જેલ, અને ઝાલોદ સબજેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું
દાહોદની સબ જેલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. રાજ્ય DGP ને સત્તાવાર મળેલા ઇ મેઇલ મુજબ કાર્યવાહી કરવામાં આવી. આખા ગુજરાતની જેલમાં ઇ મેઇલ મળ્યા બાદ તપાસ હાથ ધરાઈ. દાહોદમાં પણ સુરક્ષાના ભાગરૂપે જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. BDDS, SOG, રૂરલ અને સબજેલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્રારા જેલ પરિસરમાં તપાસ હાથ ધરાઈ. દાહોદની ડોકી જેલ, દેવગઢ બારીયા જેલ, અને ઝાલોદ સબજેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. સર્ચ ઓપરેશન દરમિયાન કોઈપણ સંદીગધ ચીજ વસ્તુઓ ના મળી આવી.
-
સુરતમાં કોર્ટના પાર્કિગ પાસે અરજદારે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ
સુરતમાં કોર્ટના પાર્કિંગ પાસે આત્મવિલોપનનો પ્રયાસ થતાં ચકચાર મચી જવા પામી હતી. પેટ્રોલ સાથે પહોંચેલા અરજદારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. વકીલોએ તાત્કાલિક હસ્તક્ષેપ કરી માચીસ છીનવી પાણી છાંટી અનિચ્છનીય ઘટનાને ટાળી દીધી હતી. અરજદાર પેટ્રોલ લઈને કોર્ટના પાર્કિંગ પાસે પહોંચ્યો હતો.
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે તૈયાર કર્યા વોલેટિયર્સ, આગ લાગતા જ વિસ્તાર મુજબ પહોંચશે સ્થળ પર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત ફાયર વિભાગ દ્વારા વોલેન્ટર્સ તૈયાર કરાયા છે. ફાયર વિભાગમાં વોલેન્ટર્સ માટે અગાઉ અરજી કરવા માટે કરાઈ હતી પહેલ. 1637 જેટલા વોલેટિયર્સ 1451 પુરુષ અને 186 યુવતીઓ એ કરાવ્યું રજિસ્ટ્રેશન. આગ લાગે ત્યારે વિસ્તાર મુજબ ઝડપથી પહોચી શકશે વોલેન્ટર. ફાયરની ટીમ પહોંચે તે સમય પહેલા અને પછી મદદ કરશે વોલેન્ટિયર્સ. છેલ્લા પાંચ વર્ષ માં 1099 આગના કોલ જે દર વર્ષે સતત વધી રહ્યા છે. વર્ષ 2021 22 માં 177 કોલ આવતા હતા જે વધીને વર્ષ 2025-26 માં 273 થયા છે.
-
રાજકોટમાં પ્રેમ લગ્ન કરનાર યુવકનું મકાન પેટ્રોલ-ડીઝલ નાખી સળગાવ્યું, 20ના ટોળા સામે ફરિયાદ
રાજકોટ જિલ્લાના વિંછીયાના છાછીયા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવકનું મકાન સળગાવાનો મામલો ઉગ્ર બન્યો છે. પરિવારે વિછીયા પોલીસમાં 20 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હોવાની વાત છે. યુવતીને હાજર ન કરતા યુવકનું મકાન સળગાવ્યા હોવાનો પરીવારનો આક્ષેપ. ધારિયા અને તલવાર જેવા હથિયારો પણ સાથે આવ્યા હતા. 20 થી વધારે લોકોએ પેટ્રોલ ને ડીઝલ નાખીને મકાન સળગાવી દીધું હોવાનો પરીવારનો આક્ષેપ. યુવતી અને યુવક ઘરેથી ભાગી જતા યુવકનું મકાન સળગાવી દીધું હતું. મકાન સળગાવી મકાનના નળિયા તોડી નાખ્યા હતા. ગઇ કાલે રાત્રે ઘટના બની હતી. વિંછિયા પોલીસે શંકાસ્પદ 10 લોકોની અટકાયત કરી હાવાની માહિતી. વિંછીયા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
-
અંકલેશ્વર જીઆઇડીસીમાં સોલ્વન્ટ ડીસ્ટીલેશન પ્લાન્ટમાં ફાટી નીકળી ભીષણ આગ
ભરૂચના અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ. શ્યામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળી. અગન જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. ભીષણ આગના પગલે અફરા તફરીનો માહોલ. 3 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યાં છે. સોલ્વન્ટ ડીસ્ટીલેશન પ્લાન્ટના આગ ફાટી નિકળી.
-
ઈઝરાયેલમાં સત્તા પરિવર્તન નક્કી ! ગાડી આઈઝેનકોટ ઈઝરાયેલના બનશે નવા વડાપ્રધાન ?
ઈઝરાયેલના બે અરબ પક્ષોએ ગાડી આઈઝેનકોટને બહારથી સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. તેઓ રાષ્ટ્રપતિ હર્ઝોગ સાથેની મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવ રજૂ કરવાના છે. અરબ પક્ષોએ શરત મૂકી છે કે પહેલા નેસેટ (ઈઝરાયેલી સંસદ)ના સ્પીકરને તેમના પદ પરથી હટાવવા પડશે. ઈઝરાયેલમાં ચૂંટણી બાદ સરકાર રચવા માટે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, તેલ અવીવથી નવી માહિતી સામે આવી છે. અહેવાલો અનુસાર, ઈઝરાયેલના અરબ પક્ષો ગાડી આઈઝેનકોટને બહારથી સમર્થન આપવા તૈયાર છે.
-
સાબર ડેરીના ચેરમેનને લઈને હોર્સ ટ્રેડિંગ ! સેન્સ લેવાયા પહેલા ડિરેકટરોની યોજાઈ બેઠક
સાબર ડેરીના ચેરમેનની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર. નિરીક્ષકો સેન્સ લે એ પહેલાં જ ડિરેક્ટરોની યોજાઈ બેઠક. શામળ પટેલ તરફી ડિરેક્ટરો સેન્સ આપે એ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શામળ પટેલ તરફ મતદાન માટે હોર્સ ટ્રેડિંગ શરૂ કરાયું છે.
-
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના નેતા તરીકે OBC સમાજના કર્મજીતસિંહની કરાઈ પસંદગી
ગાંધીનગર મનપાના કોંગ્રેસ પક્ષના નેતાની વરણી કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષના નેતા તરીકે કર્મજીતસિંહ વાઘેલાની વરણી કરાઈ છે.
-
ગુજરાત યુનિવર્સિટીમાં કચરાના નિકાલમાં ગેરરીતિના આક્ષેપ, ત્રણ ગણા ભાવે ચૂકવણીનો દાવો
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં કચરાના નિકાલને લઈને વધુ એક આર્થિક ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. યુનિવર્સિટીનો કચરો ધ્રુવ કોર્પોરેશન નામની એજન્સી દ્વારા કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વિના પિરાણા ડમ્પિંગ સાઈટ પર ઠાલવવામાં આવતો હોવાનો આક્ષેપ NSUIએ કર્યો છે. NSUIના જણાવ્યા મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડમ્પર દીઠ રૂ. 2,500માં કચરાનો નિકાલ કરે છે, જ્યારે યુનિવર્સિટી દ્વારા એજન્સીને ડમ્પર દીઠ રૂ. 8,000 ચૂકવવામાં આવે છે. નિયમ મુજબ રૂ. 10 લાખથી વધુના ખર્ચ માટે ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત હોવા છતાં છેલ્લા છ વર્ષથી એજન્સીને વાર્ષિક રૂ. 36 લાખથી વધુની ચુકવણી કરવામાં આવતી હોવાનો પણ દાવો કરાયો છે. આ મામલે NSUIએ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. જે બાદ કાર્યકારી કુલપતિએ એસ્ટેટ વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે. જો એજન્સીને ફાયદો થાય તે રીતે નિયમ વિરુદ્ધ કાર્યવાહી થઈ હોવાનું સામે આવશે તો જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી પણ આપવામાં આવી છે.
-
વલસાડમાં જિલ્લા પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને ટકોર
વલસાડમાં જિલ્લા પંચાયતના નવા ભવનના લોકાર્પણ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ટકોર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભવનમાં ઉપલબ્ધ સુવિધાઓ અધિકારીઓએ ભોગવવા માટે નહીં, પરંતુ લોકહિતનાં કામો માટે ઉપયોગમાં લેવાની છે. નાગરિકોને સરકારી કચેરીમાં ધક્કા ખાવા ન પડે અને એક જ મુલાકાતમાં તેમનું કામ પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવા તેમણે સલાહ આપી હતી. સાથે જ મુખ્યપ્રધાને અધિકારીઓને ‘નાગરિક દેવો ભવઃ’નો મંત્ર અપનાવી નાગરિકોને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો.
-
વાવ-થરાદના દિયોદરમાં ભમરાનો આતંક, 15થી વધુ લોકોને કરડતાં નાસભાગ
વાવ-થરાદના દિયોદરમાં ભમરાના ઝુંડે આતંક મચાવતા લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી. મામલતદાર કચેરી અને ઠાકોર બોર્ડિંગ પાસેના મુખ્ય માર્ગ પર ભમરાના ઝુંડે રાહદારીઓને બાનમાં લીધા હતા. આ ઘટનામાં બાળકો સહિત 15થી વધુ લોકોને ભમરા કરડતાં દોડધામ મચી હતી. ભમરાના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભરચક માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
-
લોધિકા સંઘનો વિવાદ મુખ્યમંત્રી સમક્ષ ચર્ચાયો, પરસોત્તમ રૂપાલાએ નામ લીધા વિના માર્યો ટોણો
રાજકોટ લોધિકા સંઘમાં ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હોવાની ચર્ચા વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ નામ લીધા વિના કટાક્ષ કર્યો છે. દિલીપ સંઘાણીના સન્માન કાર્યક્રમમાં સંબોધન દરમિયાન રૂપાલાએ ઇશારામાં જ લોધિકા સંઘનો મુદ્દો ઉછાળ્યો હતો. તેમણે સંઘની ડિપોઝિટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, વલ્લભભાઈ પટેલના સમયથી શરૂ થયેલા લોધિકા સંઘમાં આજે 300 કરોડ રૂપિયાની ડિપોઝિટ છે. આ સાથે તેમણે વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાના વહીવટી નિર્ણયો અને કાર્યશૈલીની પ્રશંસા પણ કરી હતી. રૂપાલાના આ કટાક્ષને પગલે કાર્યક્રમમાં રાજકીય ચર્ચાઓ શરૂ થઈ હતી. ખાસ વાત એ રહી કે રૂપાલાની ટિપ્પણી સાંભળીને મુખ્યમંત્રી સહિત મંચ પર ઉપસ્થિત નેતાઓ પણ હસવા લાગ્યા હતા. આમ, લોધિકા સંઘનો આંતરિક વિવાદ હવે જાહેર મંચ પર પણ ચર્ચાનો વિષય બન્યો છે.
-
સુરતમાં દિવાળી પહેલા ફૂડ સેફ્ટી વિભાગનો સપાટો, મીઠાઈની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ
દિવાળીના તહેવાર પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ એક્શનમાં આવ્યો છે. તહેવાર દરમિયાન મીઠાઈની વધતી માગને ધ્યાનમાં રાખીને શહેરમાં મીઠાઈ બનાવતા અને વેચતા એકમોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી વિભાગની ટીમે વિવિધ દુકાનોમાં તપાસ કરી મીઠાઈના નમૂના એકત્રિત કર્યા હતા. આ તમામ નમૂનાઓને ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ જો મીઠાઈમાં ભેળસેળ કે ગુણવત્તા અંગેની ખામી સામે આવશે તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મીઠાઈ મળી રહે તે હેતુથી વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
-
સુરત કોર્ટનું અનુરાગ કશ્યપ સામે જામીનપાત્ર વોરંટ, 24 ડિસેમ્બરે હાજર રહેવા આદેશ
ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં વધારો થયો છે. બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કથિત વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના કેસમાં સુરત કોર્ટે અનુરાગ કશ્યપ સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. કેસની સુનાવણી દરમિયાન સતત ગેરહાજર રહેતા કોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે આગામી 24 ડિસેમ્બરે યોજાનારી સુનાવણીમાં અનુરાગ કશ્યપને વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને તેમની સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. હવે 24 ડિસેમ્બરની સુનાવણીમાં અનુરાગ કશ્યપની હાજરી પર સૌની નજર રહેશે.
-
અમદાવાદના થલતેજના મેગ્નેટ પાર્કમાં આગનો મામલો, આજે FSLની ટીમ કરશે તપાસ
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ પાર્કમાં લાગેલી ભીષણ આગના મામલે આજે FSLની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. મેગ્નેટ પાર્કમાં આવેલી ફેડોરા કંપની આગની ઘટનામાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. કંપનીની ઓફિસમાં રહેલી તમામ ચીજવસ્તુઓ આગની લપેટમાં આવી જતાં કમ્પ્યુટર, સ્ટેશનરી, ફર્નિચર સહિતનો સામાન બળીને નાશ પામ્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ FSLની તપાસ બાદ જ સામે આવશે. બીજી તરફ આગની ઘટનામાં અસરગ્રસ્ત થયેલા પાંચ લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે FSLની ટીમ સ્થળ પર તપાસ કરી આગના કારણો અને નુકસાન અંગે વધુ વિગતો મેળવશે.
-
ગાંધીનગર મનપાને આજે મળશે નવા મેયર, બપોરે 12 વાગ્યે થશે હોદ્દેદારોનાં નામની જાહેરાત
ગાંધીનગર મહાનગરપાલિકાને આજે નવા મેયર સહિતના હોદ્દેદારો મળવાના છે. અઢી વર્ષની ટર્મ માટે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારોનાં નામની જાહેરાત કરવામાં આવશે. આ માટે બપોરે 12 વાગ્યે મનપાની સામાન્ય સભા મળશે. મેયર પદ OBC પુરુષ માટે અનામત રહેવાની શક્યતા હોવાથી ઠાકોર સમાજના કોર્પોરેટરને મેયર પદ મળી શકે છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે બ્રહ્મ સમાજની મહિલાને સ્થાન મળે તેવી શક્યતા છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ પાટીદાર સમાજને ફાળવાય તેવી ચર્ચા છે. આ ઉપરાંત સ્થાયી સમિતિના 12 સભ્યોનાં નામની પણ જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે કુલ 44 બેઠકોમાંથી 38 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 5 અને અપક્ષ ઉમેદવારને એક બેઠક મળી હતી. હવે આજે યોજાનારી સામાન્ય સભામાં નવા હોદ્દેદારોનાં નામ પર સત્તાવાર મહોર લાગશે.
-
મહેસાણાના ગમનપુરા ગ્રામ પંચાયતમાં ACBનો સપાટો, મહિલા સરપંચ અને તલાટી ઝડપાયાં
મહેસાણા જિલ્લાના ગમનપુરા ગ્રામ પંચાયતમાં અમદાવાદ ACBએ લાંચના કેસમાં કાર્યવાહી કરી છે. ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ અને તલાટી ₹1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયાં છે. ફરિયાદી પાસે બાંધકામની મંજૂરી આપવા બદલ લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ અંગે ફરિયાદ મળતાં અમદાવાદ ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં મહિલા સરપંચ અને તલાટી લાંચની રકમ સ્વીકારતા જ ACBના છટકામાં ઝડપાઈ ગયાં હતાં. ACBએ સ્થળ પરથી લાંચની ₹1 લાખની સમગ્ર રકમ રિકવર કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં HPCL રિફાઈનરીમાં ભીષણ આગ
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલી HPCL ઓઈલ રિફાઈનરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રિફાઈનરીમાં અચાનક ભયંકર વિસ્ફોટ થયા બાદ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટ બાદ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે રિફાઈનરીમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, પ્રાથમિક અહેવાલો મુજબ આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
-
અમદાવાદમાં બે વર્ષ બાદ કાંકરિયા લેકમાં આજથી ફરી શરૂ થશે બોટિંગ
અમદાવાદના કાંકરિયા લેકમાં બોટિંગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હરણી બોટ દુર્ઘટના બાદ છેલ્લા બે વર્ષથી બંધ બોટિંગ સેવા ફરી શરૂ કરવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી કાંકરિયા લેકમાં 20 બોટ કાર્યરત કરવામાં આવશે. જોકે, બોટિંગ દરમિયાન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. બોટિંગ કરનાર દરેક વ્યક્તિનો ₹10 લાખનો વ્યક્તિગત વીમો ફરજિયાત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત લાઈફ જેકેટ, રેસ્ક્યૂ બોટ, જરૂરી સુરક્ષા ઉપકરણો અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ફરજિયાત કરવામાં આવી છે. બે સ્પીડ બોટનો ઉપયોગ રેસ્ક્યૂ બોટ તરીકે કરવામાં આવશે. બોટિંગની દરેક ટિકિટની આવકમાંથી 15 ટકા નફો AMCને ચૂકવવાનો રહેશે. બોટિંગ માટે સ્પીડ બોટ અને પોન્ટૂન બોટના દર ₹160, શિકારા અને જીપ્સી બોટના દર ₹150 તથા પેડલ બોટના દર ₹60 નક્કી કરવામાં આવ્યા છે. બોટિંગની સાથે કાંકરિયા લેકમાં ફ્લોટિંગ કેફે પણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બે વર્ષ બાદ બોટિંગ શરૂ થતાં મુલાકાતીઓ ફરી એકવાર કાંકરિયા લેકમાં બોટિંગની મજા માણી શકશે.
Published On - Nov 03,2026 7:36 AM
