₹35 લાખની નોકરી છોડી! રિક્રૂટરની કઈ એક વાતથી ચોંકી ગયો યુવક અને કેમ લીધો આ ‘મોટો નિર્ણય’?
વર્ષે 35 લાખ રૂપિયાનો જોબ ઑફર મળે ત્યારે ભાગ્યે જ કોઈ ના પાડે પણ એક ટેક પ્રોફેશનલે મોટી સેલેરી કરતાં પોતાના સમય અને અંગત જીવનને વધુ મહત્વ આપીને આ ઑફર ઠુકરાવી દીધી.

બેંગલુરુની એક કંપનીએ ટેક પ્રોફેશનલને વાર્ષિક 35 લાખ રૂપિયાની શાનદાર જોબ ઑફર આપી પરંતુ તેણે તેને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો.
સામાન્ય રીતે આટલી મોટી સેલેરીની ઑફર મળે ત્યારે કોઈ પણ વ્યક્તિ નોકરી બદલવાનું વિચારી શકે છે પરંતુ આ વ્યક્તિ માટે હાઇ સેલેરી કરતાં કામ અને અંગત જીવન વચ્ચેનું સંતુલન વધુ મહત્વનું હતું. બીજું કે, નોકરી છોડવા પાછળ રિક્રૂટરની એક વાત પણ મોટું કારણ બની.
₹35 લાખનું પેકેજ છતાં ન માની વાત
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રૂપેશ નામના એક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટે પોતાના જોબ ઇન્ટરવ્યુ અને ઑફર સાથે જોડાયેલો અનુભવ શેર કર્યો. તેણે જણાવ્યું કે, બેંગલુરુની એક કંપનીએ તેને વાર્ષિક 35 લાખ રૂપિયાનું પેકેજ ઑફર કર્યું હતું.
જો કે, આ ઑફરમાં ફિક્સ્ડ સેલેરીનો હિસ્સો તેની અપેક્ષા કરતાં ઘણો ઓછો હતો. કંપની તરફથી જણાવવામાં આવેલા કુલ CTC અને દર મહિને મળતી વાસ્તવિક સેલેરી વચ્ચે તફાવત હતો.
Rejected a job offer today
The company offered ₹35 LPA with a decent office in Bengaluru, but the fixed component was much lower than expected.
Expected employees to work from office 5 days a week. Also the role involves working on weekends whenever there’s a production issue, along with late night client calls.
They also mentioned that the team is like a family and everyone should be ready to go extra mile. On top of that they have 90 day notice period.
Salary is attractive but work life balance is also important to me.
— Rupesh (@Rupesh2202) November 20, 2026
અઠવાડિયામાં 5 દિવસ ઑફિસ અને વીકએન્ડમાં પણ કામ
સેલેરી ઉપરાંત કંપનીની વર્કિંગ કન્ડિશન પણ તેના માટે ચિંતાનો વિષય હતી. કંપની ઇચ્છતી હતી કે, કર્મચારીઓ અઠવાડિયામાં પાંચ દિવસ ઑફિસ આવીને કામ કરે. આ ઉપરાંત, જરૂર પડે ત્યારે વીકએન્ડમાં પણ કામ કરવું પડી શકે તેમ હતું.
તેમાં મોડી રાત્રે ક્લાયન્ટ્સના કૉલ અટેન્ડ કરવા અને પ્રોડક્શન સંબંધિત ટેકનિકલ સમસ્યાઓ ઉકેલવાનો સમાવેશ થતો હતો. ટૂંકમાં, સામાન્ય કામના કલાકો પછી પણ કર્મચારી પાસેથી ઉપલબ્ધ રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી હતી.
રિક્રૂટરની એક વાતથી બદલાઈ ગયો નિર્ણય
આ સમગ્ર મામલે સૌથી વધુ ચર્ચા રિક્રૂટરની એક વાતને લઈને થઈ. વાતચીત દરમિયાન રિક્રૂટરે કહ્યું કે, તેમની ટીમ એક પરિવાર જેવી છે અને બધા કર્મચારીઓએ જરૂર પડે ત્યારે વધારાની મહેનત કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
આ સાથે જ કંપનીનો નોટિસ પિરિયડ 90 દિવસનો હતો. રૂપેશને ટીમની આ વિચારસરણીથી લાગ્યું કે, નોકરીમાં કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ થઈ શકે છે.
‘અમે એક પરિવાર છીએ’ જેવી વાતો કેમ બને છે Red Flag?
કૉર્પોરેટ દુનિયામાં ઘણીવાર કંપનીઓ પોતાના કર્મચારીઓને પરિવાર જેવા ગણાવે છે. પહેલી નજરે આ વાત સારી લાગી શકે છે પરંતુ ઘણીવાર તેની પાછળ કર્મચારીઓ પાસેથી તેમની જવાબદારીઓ કરતાં વધુ કામ કરાવવાની અપેક્ષા છુપાયેલી હોય છે.
ઇન્ડીડ ઑસ્ટ્રેલિયાના ટેલેન્ટ સ્ટ્રેટેજી એડવાઇઝર લૉરેન એન્ડરસનના મતે, ઑફિસમાં પરિવાર જેવી સંસ્કૃતિની વાત કરવાથી પ્રોફેશનલ અને અંગત સીમાઓ ધૂંધળી થઈ શકે છે. તેનાથી કર્મચારીઓ પર અવાસ્તવિક અપેક્ષાઓનું દબાણ પણ બની શકે છે.
સારી સેલેરી કરતાં વધુ મહત્વનું વર્ક-લાઇફ બેલેન્સ
રૂપેશે સ્પષ્ટ કર્યું કે, 35 લાખ રૂપિયાનું પેકેજ ઘણું આકર્ષક હતું પરંતુ તેના માટે વર્ક-લાઇફ બેલેન્સ સૌથી વધુ મહત્વ ધરાવે છે. આ જ કારણ રહ્યું કે, તેણે આ ઑફર ઠુકરાવી દીધી.
આ મામલો દર્શાવે છે કે, આજના સમયમાં નોકરી પસંદ કરતી વખતે માત્ર CTC જોવું પૂરતું નથી. ફિક્સ્ડ સેલેરી, કામના કલાકો, વીકએન્ડની રજા, ઑફિસનો માહોલ અને અંગત જીવન માટે મળતો સમય પણ એટલો જ મહત્વપૂર્ણ છે.
