02 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદના કાંકરિયા તળાવમાં આવતીકાલ 3 નવેમ્બરથી શરુ થશે સ્પીડ બોટ, પોન્ટૂન બોટ, શિકારા બોટ, જીપ્સી બોટ, પેંડલ બોટની સુવિધા
આજે 02 નવેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 02 નવેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદના કાંકરિયા તળાવમાં આવતીકાલ 3 નવેમ્બરથી શરુ થશે સ્પીડ બોટ, પોન્ટૂન બોટ, શિકારા બોટ, જીપ્સી બોટ, પેંડલ બોટની સુવિધા
વડોદરાના હરણીકાંડ બાદ બંધ કરાયેલ કાંકરિયા તળાવના બોટિંગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના કાંકરિયા પરિસરમાં શરૂ કરવામાં આવશે બોટિંગ. આવતીકાલ 3 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે બોટિંગ સુવિધા. છેલ્લા બે વર્ષથી કાંકરિયા પરિસરમાં બંધ હતું બોટિંગ. પરિસરમાં 20 બોટ કાર્યરત કરવા AMC નો નિર્ણય. રાજ્ય સરકારે થોડા સમય અગાઉ બહાર પાડી હતી માર્ગદર્શિકા. વ્યક્તિગત ઇન્શ્યોરન્સ, રેસ્ક્યુ બોટ, લાઈફ જેકેટ સહિતના ઉપકરણ રાખવા ફરજિયાત રહેશે. એમ્બ્યુલન્સ પણ બોટિંગના સ્થળોએ હાજર રાખવાની ફરજિયાત રહેશે. બોટમાં બેસનાર મુલાકાતીઓનો વ્યક્તિગત વીમો 10 લાખનો રાખવા નિર્ણય કરાયો છે. 24 જેટલા સીસીટીવી કેમેરા કાંકરિયા પરિસરમાં લગાવવામાં આવ્યા છે. 19 બોટની સામે 2 સ્પીડ બોટ રેસ્ક્યુ બોટ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. પ્રતિ ટીકીટ 15 ટકા નફાની રકમ AMC ને ચૂકવવાના રહેશે. સ્પીડ બોટના 160 રૂપિયા, પોન્ટૂન બોટના દર 160 રૂપિયા નક્કી કરાયા છે. શિકારા બોટનો દર 150 અને જીપ્સી બોટનો દર 150 રૂપિયા નક્કી કરાયા છે. પેડલ બોટના 60 રૂપિયા નક્કી કરાયા છે.
-
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરની મંગળવાર 3 નવેમ્બરે થશે જાહેરાત
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા, દંડક વગેરેના નામની આવતીકાલ મંગળવારને 3 નવેમ્બરના રોજ મળનાર મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં જાહેરાત થઈ શકે છે. ગાંધીનગર કોર્પોરેશનનું બોર્ડ બોલાવાયું છે. બોર્ડમાં 11 વાગે બેઠકમાં ભાજપ જાહેર કરશે પદાધિકારીઓના મેન્ડેટ.
-
-
અમદાવાદના કાલુપુર જૂના ઓક્ટ્રોય નાકા પાસે અખાદ્ય વરખ વેચતી દુકાન ઝડપાઈ
દિવાળીના તહેવાર પહેલા AMC ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. અમદાવાદના કાલુપુર જૂના ઓક્ટ્રોય નાકા પાસે અખાદ્ય વરખ વેચતી દુકાન ઝડપાઈ. એચ.એમ. વરખવાલા નામની દુકાનમાં AMCની કાર્યવાહી. મીઠાઈના વેપારીઓને વરખનો સપ્લાય કરાતો હોવાનો ખુલાસો. મીઠાઈ પર ચાંદીની વરખ તરીકે ઉપયોગ થતો હોવાની માહિતી. અખાદ્ય ચાંદીના વરખના 170 પેકેટ મળી આવ્યા. AMC દ્વારા ડમી ગ્રાહક મોકલી વરખ વેચાણ કરતા દુકાન માલિકને ઝડપી પાડ્યો. AMCના મુખ્ય ફૂડ અધિકારી સહિતની ટીમ સ્થળ પર પહોંચી. આરોગ્ય વિભાગ દ્વારા વરખના સેમ્પલ લેવામાં આવ્યા. એકમને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
-
ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક, યાર્ડની બંને બાજુ 1700થી વધુ વાહનોની કતાર, મગફળીની આવક બંધ કરાઈ
ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થવા પામી છે. મગફળીની 1.25 લાખ ગુણીની આવકથી ઉભરાયું ગોંડલ યાર્ડ. યાર્ડ બહાર બંને બાજુ 1700થી વધુ વાહનોની લાંબી લાઇન લાગી છે. હરાજીમાં 20 કિલો મગફળીના 1200 થી 1900 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આગામી જાહેરાત ના થાય ત્યાં સુધી મગફળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે.
-
શરદ પવારની તબિયત લથડી, પુણેની રૂબી હોસ્પિટલમાં દાખલ કરાયા
એનસીપી (એસપી) ના વડા શરદ પવારની તબિયત બગડતાં તેમને પુણેની રૂબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓના પ્રવાસે હતા, પરંતુ તબિયત લથડવાને કારણે તેમણે આ પ્રવાસ રદ કરવો પડ્યો હતો.
-
-
અમરેલીના ધારી, ગીર સોમનાથના તાલાલા પંથકમાં માવઠું
અમરેલીના ધારી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો. ધારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. જીરા, મુંજાણીયા, દેવળા, સરસિયા અને ગોવિંદપુરમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ. કેટલાક ગામોમાં વરસાદી ઝાપટાં તો ક્યાંક છાંટા પડ્યા. કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો.
તો બીજી બાજૂ ગીર સોમનાથના તાલાલામાં ચોથા દિવસે માવઠું થયું હતું. તાલાલાના આંકોલવાડી, સુરવા, વાડલામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગઈ કાલે પણ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
-
એમ્સ રાજકોટમાં અત્યાધુનિક રેડિયોથેરાપી સુવિધાનો પ્રારંભ, સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓને ઘરઆંગણે મળશે અદ્યતન સારવાર
ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના કેન્સરના દર્દીઓને અત્યાધુનિક સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં આજે વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. રાજકોટ સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ) ખાતે અત્યાધુનિક રેડિયોથેરાપી સુવિધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર પ્રધાન જગત પ્રકાશ નડ્ડાના હસ્તે ઑનલાઇન માધ્યમથી આ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના આશરે રૂ. 39 કરોડના રોકાણથી વિકસાવવામાં આવેલી આ સુવિધા સૌરાષ્ટ્ર સહિત આસપાસના જિલ્લાઓના કેન્સરના દર્દીઓ માટે અદ્યતન અને ગુણવત્તાયુક્ત સારવારની નવી આશા લઈને આવી છે.
-
રૂપિયા 7,000ની લાંચ લેતા પકડાયેલ તલાટીને કોર્ટે ફટકારી 3 વર્ષ જેલની સજા
લાંચ કેસમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટે તલાટીને ફટકારી સજા. બોરડી ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટીને લાંચ કેસમાં સજાનો આદેશ. મોડાસાની પ્રિન્સિપાલ અને ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે કર્યો હુકમ. તલાટીને 3 વર્ષની સખત કેદ અને 8 હજારનો દંડ. જંગલમાંથી નીલગીરીનાં લાકડાં કાપવાના મામલે લીધી હતી લાંચ. કેસના પેપર મામલતદાર કચેરીમાં ન મોકલવા બદલ 11 હજારની લાંચ માગી હતી. ACBના છટકામાં તલાટી 7 હજારની લાંચ લેતા ઝડપાયો હતો.
-
નાણાકીય વર્ષના સાત મહિનામાં ગુજરાત GSTની આવકમાં 28 %નો વધારો
નાણાકીય વર્ષ 2026-2027ના પ્રથમ સાત માસમાં ગુજરાત રાજ્યની જીએસટી આવકમાં 28 % નો વધાર થયો છે. નાણાકીય વર્ષ 2026-2027 ના પ્રથમ સાત માસમાં ઓક્ટોબર-2026 અંતીત રાજ્યને રૂપિયા 58,248 કરોડની આવક થયેલ છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક રૂપિયા 45,667 કરોડ કરતા 28 % વધુ છે. જે રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 13 % રહેલ છે. ઓક્ટોબર 2026 માં રાજ્યને જીએસટી હેઠળ રૂપિયા 8391 કરોડની આવક થયેલ છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક રૂપિયા 7127 કરોડ કરતા 18 % વધુ છે.
-
ગુજરાતના ચર્ચાસ્પદ નિર્ભયા કાંડના દોષિતનું જેલમાં જ થયું મોત, કોર્ટે ફટકારી હતી ફાંસીની સજા
ગુજરાતના ચર્ચાસ્પદ નિર્ભયા કાંડના દોષિતનું જેલમાં મોત થયું. વડોદરા સેન્ટ્રલ જેલમાં દોષિતને હાર્ટ એટેક આવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ માસૂમ બાળકીની નિર્મમ હત્યા કરી નાખી હતી. પ્રાઇવેટ પાર્ટ સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી હતી. આઠ દિવસની સારવાર બાદ બાળકીનું મોત થયું હતું. કેસની ગંભીરતાને ધ્યાને લઈને પાંચ મહિનામાં પોલીસે ઝડપી ટ્રાયલ પૂર્ણ કરાવી હતી. રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં દોષીતને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. દોષિતની પત્નીએ ખોટી રીતે ફસાવ્યાનો લગાવ્યો આક્ષેપ
-
વડોદરાની MSU સંકુલમાં અશ્લીલ હરકતોનો વધુ એક વીડિયો થયો વાયરલ
વડોદરાની MSUમાં ફરી અશ્લીલ હરકતોનો વીડિયો વાયરલ થયો છે. એમ.એસ. યુનિવર્સિટીમાં કથિત અશ્લીલ હરકતોનો વધુ એક વીડિયો વાયરલ. યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થીઓની હરકતોનો વીડિયો સામે આવતાં ચર્ચા તેજ થઈ છે. અગાઉ પણ યુનિવર્સિટી સાથે જોડાયેલા આવા વીડિયો સામે આવ્યા હતા. વારંવાર વીડિયો વાયરલ થવાની ઘટનાઓથી યુનિવર્સિટીની શિસ્ત સામે સવાલો. વાયરલ વીડિયોની સત્યતા અને ઘટનાસ્થળ અંગે તપાસ જરૂરી. વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ અંગે હજુ સ્પષ્ટતા નથી. સમગ્ર મામલે યુનિવર્સિટી સત્તાધીશો શું કાર્યવાહી કરશે તેના પર નજર. કેમ્પસમાં શિસ્ત અને વિદ્યાર્થીઓની ગોપનીયતા જાળવવા પગલાં લેવાની માગ.
-
વિમાન ભાડામાં 700 %ના વધારાને લઈને તાત્કાલિક સુનાવણી કરવાની અરજી પર સુપ્રીમે કહ્યું- તો વિમાનમાં મુસાફરી ના કરો, તાત્કાલિક સુનાવણી નહીં થાય
સોમવારે સુપ્રીમ કોર્ટે હવાઈ ભાડામાં લગભગ 700 ટકાનો વધારો થયો હોવાનો આરોપ મૂકતી એક અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો અને અરજદારને કહ્યું, “હવાઈ મુસાફરી ન કરો.” જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ અપરેશ કુમાર સિંહની બનેલી ખંડપીઠ સમક્ષ એક વકીલે આ બાબત રજૂ કરી અને તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી.
વકીલે જણાવ્યું કે હવાઈ ભાડામાં 700 ટકાનો વધારો થયો છે. તેના જવાબમાં ખંડપીઠે ટિપ્પણી કરી, “હવાઈ મુસાફરી નe કરો.” વકીલે દલીલ કરી કે હવાઈ મુસાફરી એ એક આવશ્યક સેવા છે અને ભાડામાં આટલો મોટો વધારો બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે. બંધારણની કલમ 14 કાયદા સમક્ષ સમાનતા સાથે સંબંધિત છે.
-
દારુડિયાઓની દિવાળી સુધારવા હેલ્મેટના બોક્સની આડમાં ગુજરાતમાં લવાતો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો
દિવાળીના તહેવાર પૂર્વે સાપુતારા ચેકપોસ્ટ પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ, લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો. દિવાળીના તહેવાર પહેલાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે ડાંગ પોલીસની મોટી કાર્યવાહી. આંતરરાજ્ય સરહદ પર આવેલી સાપુતારા પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. હેલ્મેટના બોક્સની આડમાં બોલેરો ગાડીમાં છુપાવીને લઈ જવાતો દારૂ પોલીસના હાથે ઝડપાયો. પોલીસની નજરથી બચવા ગાડીના પાછળના ભાગે હેલ્મેટનાં બોક્સમાં દારૂ છુપાવવાની અનોખી તરકીબ અપનાવી હતી. હરિયાણા, રાજસ્થાન અને ચંદીગઢ બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની બોટલો મળી કુલ 3,85,750નો દારૂ જપ્ત. બોલેરો ગાડી સહિત અન્ય સામગ્રી મળી કુલ 7,37,750નો મુદ્દામાલ પોલીસના હાથે લાગ્યો. દારૂની હેરાફેરીના કેસમાં સચિન ખીરચી (રહે. હરિયાણા) અને ધરમવીરની ધરપકડ. જ્યારે સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલો એક આરોપી વોન્ટેડ જાહેર. દિવાળીના તહેવારને લઈ દારૂની હેરાફેરી સામે ડાંગ પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહી.
-
દિલ્હી-NCRમાં ‘ગ્રીન’ ફટાકડા ફોડવાની મંજૂરી, માત્ર બે દિવસ 3-3 કલાક ફટકડા ફોડી શકાશે
સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCR વિસ્તારમાં ‘ગ્રીન’ ફટાકડા ફોડવાની પરવાનગી આપી છે. ફટાકડા પરનો પ્રતિબંધ 9 નવેમ્બરથી ફરી લાગુ થઈ જશે. ફટાકડા માત્ર 7 અને 8 નવેમ્બર, 2026ના રોજ, બે દિવસના સમયગાળા દરમિયાન જ ફોડી શકાશે. સવારે 6:00 થી સવારે 7:00 વાગ્યા સુધી અને રાત્રે 8:00 થી 10:00 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે.
-
પૂર્વ કૃષિ પ્રધાન રાઘવજી પટેલનુ વોટ્સઅપ એકાઉન્ટ થયું હેક, લોકોને મેસેજ કરી હેકર્સ નાણાં માગે છે
પૂર્વ કેબિનેટ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલનું વ્હોટ્સએપ એકાઉન્ટ હેક થયું. રાઘવજી પટેલનું WhatsApp એકાઉન્ટ હેક થતાં સમગ્ર મામલે ચકચાર મચી જવા પામી છે. કાર્યાલય દ્વારા નાણાકીય વ્યવહારો ના કરવા અને મેસેજ પર વિશ્વાસ ના મૂકવા અપીલ કરાઈ. હૈકર્સ દ્વારા નંબરનો દુરુપયોગ કરી નાણાંની માંગણી કરવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી. સમગ્ર મામલે સાયબર ક્રાઈમ સેલને સત્તાવાર જાણ કરાઈ. તમામ કાર્યકરો, મિત્રો અને શુભેચ્છકોને વોટ્સએપ પર આવતા મેસેજ કે ફોન કોલ પર વિશ્વાસ ન કરવા જણાવાયું. જો કોઈ નાણાકીય મદદની માંગણી કરવામાં આવે તો તેના પર ભરોસો ન કરવા વિશેષ ચેતવણી આપવામાં આવી છે.
-
આણંદના નાપા તળપદમાં બે જૂથો વચ્ચે ધિંગાણું, લાકડીઓ અને ધારિયાં વડે હુમલો
આણંદ જિલ્લાના નાપા તળપદ ગામના એકતાનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી મારામારીની ઘટના સામે આવી છે. એક જ કોમના બે જૂથો સામસામે આવી જતાં જાહેરમાં ભારે હોબાળો અને મારામારી થઈ હતી. બંને જૂથના સભ્યોએ લાકડીઓ અને ધારિયાં જેવા હથિયારો વડે એકબીજા પર હુમલો કર્યો હતો. અચાનક થયેલી આ મારામારીને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, બંને જૂથો વચ્ચે મારામારી પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી મારામારીમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.
-
સુરતના હીરાબાગમાં જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, દિયરે ભાભી સહિત પરિવારજનોને માર માર્યો
સુરતના હીરાબાગ વિસ્તારમાં જમીન વિવાદને લઈને પરિવારના સભ્યો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ગામની અંદાજે રૂ. 18 લાખની જમીન અને મકાન ખાલી કરાવવા મુદ્દે દિયરે પોતાની ભાભી, પિતા સહિતના પરિવારજનો સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડો ઉગ્ર બનતાં દિયરે જાહેરમાં ભાભીને તમાચા ઝીંકી દીધા હતા. ભાભીને બચાવવા વચ્ચે પડેલા વૃદ્ધ પિતા અને માતાને પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, આરોપીએ માતા અને કૌટુંબિક બહેનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જાહેરમાં થયેલી આ મારામારીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે અશ્વિનીકુમાર પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદમાં ગેરકાયદે રહેતા વિદેશીઓ સામે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, 61ની અટકાયત
અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા અભિયાન અંતર્ગત શહેરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી સહિત અન્ય વિદેશી નાગરિકોની ઓળખ અને ચકાસણી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે કુલ 61 વિદેશી નાગરિકોની અટકાયત કરી છે. અટકાયત કરાયેલા તમામ નાગરિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત તેમની નાગરિકતા અને દસ્તાવેજોની ચકાસણી બાદ દેશનિકાલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. દિવાળીના તહેવારો દરમિયાન શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અને ગેરકાયદે વસવાટ કરતા વિદેશીઓ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચે આ અભિયાન હાથ ધર્યું છે.
-
ધોળકા માર્કેટયાર્ડમાં ડાંગરના ભાવ મુદ્દે ખેડૂતોનો હોબાળો, 300થી વધુ ટ્રેક્ટર સાથે ઉમટ્યા
અમદાવાદ જિલ્લાના ધોળકા માર્કેટયાર્ડમાં ડાંગરના ભાવમાં થયેલા ઘટાડાને પગલે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં ડાંગરના ભાવમાં પ્રતિ મણ રૂ. 200નો ઘટાડો થયો છે. અગાઉ ડાંગરના પ્રતિ મણ રૂ. 700થી 750 સુધીના ભાવ મળતા હતા, જે ઘટીને હવે રૂ. 500થી 550 થઈ ગયા છે. ભાવમાં અચાનક ઘટાડો થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે વિરોધ નોંધાવવા માટે 300થી વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતો માર્કેટયાર્ડમાં એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ ડાંગરના પોષણક્ષમ ભાવ આપવાની માગ કરી છે. જો યોગ્ય ભાવ નહીં મળે તો ડાંગરની હરાજીનો બહિષ્કાર કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોના વિરોધને પગલે માર્કેટયાર્ડમાં સ્થિતિ ચર્ચાનો વિષય બની છે.
-
અમદાવાદમાં દિવાળી પૂર્વે ફાયર વિભાગનું ચેકિંગ, ફટાકડાના વેપારીઓને અપાઈ સૂચના
અમદાવાદમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા સુરક્ષાને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એસ.જી. હાઈવે અને સિંધુભવન રોડ પર આવેલા ફટાકડાના વેચાણ કેન્દ્રો સહિત વિવિધ એકમોમાં ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ફટાકડાના વેપારીઓ ફાયર સેફ્ટીના નિયમોનું યોગ્ય રીતે પાલન કરે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તપાસ દરમિયાન ઇમરજન્સી એક્ઝિટ, વોટર બેઝ અને પાવડર મોડ્યુલર સ્પ્રિંકલર જેવી સુરક્ષા વ્યવસ્થાઓ ફરજિયાત રાખવા જણાવાયું છે. આ ઉપરાંત આગની ઘટના સમયે નુકસાન ઓછું થાય તે માટે કપડા અને લાકડાના ઉપયોગને બને તેટલો ઓછો રાખવા પણ સૂચના આપવામાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન આગની દુર્ઘટનાઓ ન સર્જાય અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી ફાયર વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.
-
ચારધામ યાત્રાના અંતિમ દિવસોમાં શ્રદ્ધાળુઓની મુશ્કેલી વધી શકે, હેલિકોપ્ટર સેવા બંધ
ચારધામ યાત્રાના અંતિમ દિવસોમાં શ્રદ્ધાળુઓની મુશ્કેલી વધી શકે છે. હેલિકોપ્ટર ઓપરેટર્સે હેલી સેવા બંધ કરવાનો નિર્ણય લેતાં યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. DGCA દ્વારા સુરક્ષાના ભાગરૂપે દરેક હેલિકોપ્ટરમાં બે પાયલોટ રાખવાની સૂચના આપવામાં આવી છે. જોકે, નવા નિયમો સાથે હેલિકોપ્ટર ઓપરેટર્સ સંમત ન થતાં તેમણે સેવા બંધ કરી દીધી છે. આ ઉપરાંત ઓપરેટર્સે પત્ર લખીને DGCAને નવા નિયમો પાછા ખેંચવાની માગ કરી છે. ચારધામ યાત્રાના અંતિમ તબક્કામાં હેલિકોપ્ટર સેવા બંધ થવાથી ખાસ કરીને વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓની મુશ્કેલી વધી શકે છે.
-
અમેરિકાના કોલોરાડોમાં તોફાન રેચલનો કહેર, ધોધમાર વરસાદથી ભીષણ પૂર જેવી સ્થિતિ
અમેરિકાના કોલોરાડો રાજ્યમાં તોફાન રેચલે ભારે તારાજી સર્જી છે. ધોધમાર વરસાદને પગલે દક્ષિણ-પશ્ચિમ કોલોરાડોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૈન જુઆન નદીનું જળસ્તર ઐતિહાસિક સપાટીની નજીક પહોંચી જતાં પૂરનું જોખમ વધ્યું છે. પગોસા સ્પ્રિંગ્સ વિસ્તારમાં ભયાવહ પૂરની આશંકાને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે હાઈવે પર પણ નદીના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. લા પ્લાટા કાઉન્ટીના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ નદીઓમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તોફાન અને પૂરના જોખમને પગલે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
-
મહેસાણાના ગોઝારિયામાં કપિરાજનો આતંક, ઘરના આંગણામાં રમતા બાળક પર હુમલો
મહેસાણાના ગોઝારિયામાં કપિરાજના આતંકની ઘટના સામે આવી છે. ગોઝારિયાની અલ્કાપુરી સોસાયટીમાં ઘરના આંગણામાં રમી રહેલા બાળક પર કપિરાજે અચાનક હુમલો કર્યો હતો. કપિરાજે બાળકનો પગ ખેંચી તેને નિશાન બનાવ્યું હતું અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘરની બહાર રમતા બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોએ કપિરાજના આતંકથી છુટકારો અપાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માગ કરી છે.
-
સુરતમાં ‘પતિ, પત્ની ઔર વો’નો હાઇવોલ્ટેજ ડ્રામા, પ્રેમિકા સાથે પતિ ઝડપાતાં જાહેરમાં ધોલાઈ
સુરતના કતારગામ GIDC ચાર રસ્તા પાસે પતિ, પત્ની અને પ્રેમિકાને લઈને હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. હીરાની પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા યુવકને પોતાની જ ઓફિસમાં ડેટા ઓપરેટર તરીકે કામ કરતી મહિલા સાથે પ્રેમસંબંધ હોવાની પત્નીને આશંકા હતી. આથી પત્નીએ પોતાની સાસુ અને ભાભી સાથે મળીને પતિનો પીછો કર્યો હતો. દરમિયાન પતિને પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી લેતાં પત્ની અને તેની સાથે આવેલી મહિલાઓએ બંનેને જાહેરમાં માર માર્યો હતો. પ્રેમિકાને વાળ પકડીને માર મારવામાં આવતો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો. બીજી તરફ, પ્રેમિકાએ યુવકની પત્ની સહિત ત્રણ મહિલાઓ સામે મારામારી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
સાબર ડેરીની ચૂંટણી ટાણે ફરી ઓડિયો ક્લિપ વાયરલ, શામળ પટેલના ભત્રીજા હોવાની આશંકા
સાબરકાંઠામાં સાબર ડેરીની ચૂંટણી ટાણે ફરી એકવાર ઓડિયો ક્લિપ સામે આવતાં રાજકીય અને સહકારી ક્ષેત્રે ચર્ચા તેજ બની છે. સામે આવેલી ઓડિયો ક્લિપમાં વાત કરતો મનિષ નામનો યુવક સાબર ડેરીના ચેરમેન શામળ પટેલનો ભત્રીજો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચર્ચા મુજબ, મનિષ પટેલ પોતાના કૌટુંબિક કાકા શામળ પટેલના નામે રૂઆબ બતાવતો હોવાની વાતો સામે આવી છે. એટલું જ નહીં, શામળ પટેલના નામના આધારે દૂધનો કારોબાર કરતો હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. આ ઓડિયો ક્લિપમાં મંડળી બનાવવાની તેમજ ભરતીમાં સોદા કરવાની વાતો પણ સામે આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડેરીની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરીથી ઓડિયો ક્લિપ સામે આવતાં સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવ્યો છે. જોકે, ઓડિયો ક્લિપની સત્યતા અને તેમાં રહેલા દાવાઓની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
-
ગાંધીનગરના કલોલમાં યુવક પર હુમલો, લાકડી અને પથ્થર વડે માર માર્યો
ગાંધીનગરના કલોલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. કપિલેશ્વર મંદિર પાસે મોડી રાત્રે કેટલાક શખ્સોએ યુવક સાથે બબાલ કરી તેના પર લાકડી અને પથ્થર વડે હુમલો કર્યો હતો. હુમલો કરનારા શખ્સો દારૂના નશામાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મોડી રાત્રે જાહેરમાં થયેલી આ બબાલને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ અસામાજિક તત્વોના વધતા આતંકને પગલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી છે.
-
વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતમાં વરસી શકે છે ધોધમાર વરસાદ
દેશના અનેક રાજ્યોમાં આજે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં વાવાઝોડાની અસરને પગલે ભારે વરસાદની શક્યતા છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. બીજી તરફ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. પૂર્વ મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વોત્તર ભારતના અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય સહિતના રાજ્યોમાં પણ વરસાદની સંભાવના છે. જ્યારે બીજી તરફ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આમ, દેશના વિવિધ ભાગોમાં વરસાદ અને હિમવર્ષાને પગલે હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે.
-
અમદાવાદના વીંછિયા ગામે પિતાએ 10 વર્ષના પુત્રની કરી હત્યા, પિતાની ધરપકડ
અમદાવાદના વીંછિયા ગામે કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ જ પોતાના 10 વર્ષના માસૂમ પુત્રની નિર્મમ હત્યા કરી નાખી છે. મળતી માહિતી મુજબ, પિતા નરેશે પહેલા પોતાના પુત્રને ઘરની બહાર ઊંચકીને પછાડ્યો હતો. ત્યારબાદ લાકડી વડે હુમલો કરીને પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હત્યારા પિતા નરેશની ધરપકડ કરી છે. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી લાકડી પણ જપ્ત કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
-
અમેરિકાઃ ફ્લોરિડામાં બિઝનેસ જેટ ક્રેશની ઘટના
અમેરિકાના ફ્લોરિડામાં બિઝનેસ જેટ ક્રેશની ઘટના સામે આી રહી છે. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ 9 લોકોના મોત નિપજ્યા છે. આપને જણાવી દઇએ કે હવામાં અનિયંત્રિત થયેલું પ્લેન તીવ્ર ઝડપથી જમીન પર પટકાયું હતું.. જમીન પર પટકાયા બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો અને પ્લેનમાં સવાર તમામ લોકોના રામ રમી ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર પ્લેને ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી ઉડાન ભરી હતી અને બહામાસ જઇ રહ્યું હતું.
-
આંધ્રપ્રદેશના દક્ષિણ કિનારે ત્રાટકે તેવી શક્યતા
અર્નબ વાવાઝોડા બાદ હવે ‘મુરાસુ’ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાનની આગાહી મુજબ, 2 નવેમ્બરના રોજ આ વાવાઝોડું આંધ્રપ્રદેશના દક્ષિણ કિનારે ત્રાટકે તેવી શક્યતા છે. દરિયામાં અંદાજે 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલું મુરાસુ વાવાઝોડું 100 કિમીથી વધુની ઝડપે લેન્ડફોલ કરી શકે છે. વાવાઝોડું તીવ્ર બનતાં ચેન્નાઈ સહિત આંધ્રપ્રદેશના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની અસરને પગલે આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ચેન્નાઈમાં તકેદારીના ભાગરૂપે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અને પૂરની સ્થિતિ સર્જાવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
Published On - Nov 02,2026 7:40 AM
