મહિલા પોલીસ કર્મચારીઓ(Women Police) પોતાની પોલીસ (Police)તરીકે ફરજ બજાવે છે અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખે છે ત્યારે ઘણા મહિલા કર્મચારી એવા છે જેમના બાળકો ઘણા નાના છે આથી સ્વાભાવિક છે કે એક મા તરીકે મહિલાને પોતાના બાળકોની સારસંભાળની ચિંતા હોય જ. તે માટે ગીર સોમનાથ જિલ્લાના (veraval)વેરાવળ પોલીસ શહેર પોલીસ સ્ટેશન ખાતે ઘોડિયાઘરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેનું ઉદ્ધાટન મદદનીશ પોલીસ અધિક્ષક પ્રકાશ જાટ દ્વારા કરવામાં આવ્યું હતુ. મહિલો પોલીસ કર્મચારીના કામના કલાકો લાંબા હોય ત્યારે નાના શિશુને માતાની હૂંફ નથી મળતી. આવી પરિસ્થિતિમાં એક માતા પોતાના બાળકને નજીક રાખી શકે તે માટે ઘોડિયાઘરની સુવિધા ઉભી કરવામાં આવી છે.
વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.એમ. ઇશરાણી દ્વારા આ નવતર શરૂઆત કરવામાં આવી હતી. તેમના મંતવ્ય પ્રમાણે મહિલાઓ દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન આપી રહી છે ત્યારે પરિવારની જવાબદારીની સાથે સાથે જો તેમનું નાનું બાળક હોય તે મહિલાની જવાબદારી વિશેષ વધી જાય છે. ત્યારે આવી સુવિધા ખૂબ કામ આવે છે .
સીટી પોલીસ સ્ટેશનમાં જ ઘોડિયાઘર હોવાથી મહિલાઓ ઇચ્છે ત્યારે પોતાના બાળકને જોઈ શકે છે. આ સુવિધાને પગલે નાના બાળકો હોય તેવી મહિલા પોલીસ કર્મચારીઓએ આનંદ તેમજ રાહતનો અનુભવ કર્યો હતો. તેમના મતે બાળક નજર સામે જ સુરક્ષિત હોય તો તેઓ નચિંત થઈને તમામ કામ કરી શકે છે.
સિટી પોલીસ સ્ટેશનમાં શહેરના નાગરિકો પાસપોર્ટના કામ માટે પણ આવતા હોય છે ત્યારે પાસપોર્ટના કામ માટે નાના બાળકો સાથે આવતી મહિલાઓ પણ આ ઘોડિયાઘરનો ઉપયોગ કરી શકશે. સાથે જ ઘોડિયા ઘરમાં વિશેષ સુવિધાઓ પણ રાખવામાં આવી છે જેથી છ વર્ષ સુધીના બાળકો માટે પણ કર્મચારીઓ તેનો લાભ લઈ શકે. બાળકોની બુદ્ધિ શક્તિ ખીલે તેમજ જ્ઞાન સાથે ગમ્મત મળે તે માટે ઘોડિયાઘરમાં વિશેષ સુવિધાઓ , પઝલ ગેમ, લપસણી સહિતની ઇન ડોર ગેમ્સની વ્યવસ્થા રાખવામાં આવી છે.
આ સુવિધા એવા પોલીસ કર્મચારી દંપતીઓ માટે પણ ઘણી મહત્વની છે જેઓ બંને લાંબા કલાકો સુધી પોતાની ફરજ ઉપર વ્યસ્ત હોય છે અને તેમના નાના બાળકો ઘરમાં એકલાં રહેતાં હોય છે. આવી પરિસ્થિતિમાં આ પ્રકારના ઘોડિયાઘર ખૂબ મહત્વનો બાઘ ભજવે છે થોડ઼ા મહિનાઓ અગાઉ આવી જ સુવિધા રાજકોટ શહેર ખાતે પણ શરૂ કરવામાં આવી હતી.