Breaking News : ગીરસોમનાથમાંથી 3 શંકાસ્પદ કાશ્મીરી લોકોની અટકાયત, દિલ્લી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓના દેશભરમાં દરોડા
દિલ્હી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓએ દેશભરમાં દરોડા પાડ્યાં છે. ગુજરાતભરમાં પણ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. ત્યારે ગીર સોમનાથમાંથી પોલીસે 3 શંકાસ્પદ કાશ્મીરી લોકોની અટકાયત કરી છે.

દિલ્હી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓએ દેશભરમાં દરોડા પાડ્યાં છે. ગુજરાતભરમાં પણ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. ત્યારે ગીર સોમનાથમાંથી પોલીસે 3 શંકાસ્પદ કાશ્મીરી લોકોની અટકાયત કરી છે. 3 શંકાસ્પદ લોકો નવાબંદર મસ્જિદ ખાતે રોકાયા હોવાનું સામે આવ્યું છે. ત્રણેય શંકાસ્પદોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ હીલચાલને પગલે પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ગઇકાલે ભુજના જનતાઘર ગેસ્ટ હાઉસમાંથી પણ 3 કાશ્મીરી ઇસમો ઝડપાયા હતા.
દિલ્હીમાં તાજેતરમાં થયેલા બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ દેશભરમાં સક્રિય બની છે. આ ઘટનાના પગલે સમગ્ર ગુજરાત રાજ્યને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. રાજ્યભરમાં પોલીસ, મરીન પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ 24 કલાક પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, હોટલ-ધાબા અને બહારથી આવેલા લોકોની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. આ સઘન તપાસ અભિયાન દરમિયાન, ગીર સોમનાથ પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે.
SOG દ્વારા ત્રણેય શંકાસ્પદોની સઘન પૂછપરછ
ગીર સોમનાથ પોલીસને નવાબંદર મસ્જિદ ખાતે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ રોકાયા હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ત્રણ શંકાસ્પદ કાશ્મીરી યુવકોની અટકાયત કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ યુવકો કાશ્મીરથી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હાલ તેમની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે, જેમાં તેઓની ઓળખ, અહીં આવવાનો હેતુ, રોકાણનો સમયગાળો અને તેમની પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેઓ પ્રવાસે આવ્યા હતા કે અન્ય કોઈ હેતુ હતો.
આ કાર્યવાહી સોમનાથ મંદિર જેવા સંવેદનશીલ વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ અત્યંત મહત્વની છે. ગીર સોમનાથ પોલીસ છેલ્લા બે દિવસથી સતત પેટ્રોલિંગ કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરી રહી હતી.
જુઓ Video
નવાબંદર મસ્જિદ ખાતે રોકાયા હતા ત્રણ શંકાસ્પદ લોકો
મહત્વપૂર્ણ છે કે, આ પ્રકારની આ બીજી ઘટના છે. ગઈકાલે જ કચ્છના ભુજમાં આવેલા જનતાઘર ગેસ્ટહાઉસમાંથી પણ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા ત્રણ શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત કરવામાં આવી હતી. તેમના મોબાઈલ ફોન FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ બંને કેસના શંકાસ્પદ લોકોના બેકગ્રાઉન્ડ, તેમની રોકાવા પાછળનું કારણ, તેઓ શા માટે મસ્જિદમાં અથવા ગેસ્ટહાઉસમાં રોકાયા હતા, તેવા ઝીણવટભર્યા પ્રશ્નોની પુછપરછ કરી રહી છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા આ પ્રકારની શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગીર સોમનાથ પોલીસે મોડી રાત્રે આ ત્રણેય યુવકોની પુછપરછ શરૂ કરી છે. આ તપાસમાં કયા નવા ખુલાસા થાય છે અને શંકાસ્પદ કાશ્મીરીઓની ગતિવિધિઓ પાછળનું સાચું કારણ શું છે, તે આવનારા સમયમાં સામે આવશે.
બીજી તરફ વર્તમાન સમયમાં મળતી માહિતી અનુસાર કાશ્મીરથી આવેલા 3 વ્યક્તિની પુછપરછમાં ખુલાસો થયો છે કે તેઓ ફાળો ઉઘરાવવા માટે ગુજરાત આવ્યા હતા. SOGને પૂછપરછમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ ન મળતા 3 લોકોને મુક્ત કરવામાં આવ્યા છે.