Gujarat Budget 2024 :ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરાશે, બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઇ
Gujarat Budget 2024 : ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરીના નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા અને પોલીસને SMART Police બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પોલીસ મહેકમમાં વધારા સાથે આધુનિક વાહનો ખરીદવા અને તાલીમ આપવા ઉપર ભાર મૂકવામાં આવી રહેલો છે.
વિધાનસભામાં ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. નાણાપ્રધાન કનુ દેસાઇએ 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. ગત્ત વર્ષની સરખામણીએ 31,44 કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. આ વખતના બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરીના નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા અને પોલીસને SMART Police બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પોલીસ મહેકમમાં વધારા સાથે આધુનિક વાહનો ખરીદવા અને તાલીમ આપવા ઉપર ભાર મૂકવામાં આવી રહેલ છે. ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તથા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે.
- શહેરોમાં CCTV કેમેરા લગાડવાની યોજના હેઠળ VISWAS Project માટે 120 કરોડની જોગવાઈ.
- પોલીસ ખાતાના રહેણાંક/બિન રહેણાંક મકાનોના મજબૂતીકરણ અને તેની ગુણવત્તા ઊંચી લઇ જવા માટે 115 કરોડની જોગવાઇ.
- જનરક્ષક વાહન દ્વારા ત્વરિત પોલીસ સહાય પહોંચાડવાની યોજના માટે 94 કરોડની જોગવાઇ.
- શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઉભી કરવા માટે 69 કરોડની જોગવાઇ.
- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટેની સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યાઓ ઉભી કરાશે. આ યોજના માટે 57 કરોડની જોગવાઇ.
- આઇ.ટી. સાધન સામગ્રીની ખરીદી માટે 38 કરોડની જોગવાઇ.
- પોલીસ માટે આધુનિકીકરણ યોજના હેઠળ શસ્ત્રો, સંદેશા વ્યવહારના સાધનો, સિક્યુરિટી-સર્વેલન્સ, તાલીમ અને હોમગાર્ડ માટેની સાધન સામગ્રીની ખરીદી માટે 30 કરોડની જોગવાઇ.
- SRPF Group-2, અમદાવાદ અને SRPF Group-11, વાવ ખાતે સ્પેશીયલ એકશન ફોર્સ (SAF) વિકસાવવામાં આવશે. આ હેતુસર 25 કરોડની જોગવાઇ.
- ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત 200 આઉટપોસ્ટ અપગ્રેડ કરી PSIને મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે 18 કરોડની જોગવાઇ.
- ઓનલાઇન ફાઇનાન્સિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમ ઉકેલવા TRISHUL યોજના અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ખાતે નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા 15 કરોડની જોગવાઇ.