Ahmedabad Plane Crash : DNA મેચ કરવા દેશમાં માત્ર ગાંધીનગર લેબમાં ઉપલબ્ધ છે આ ખાસ સોફ્ટવેર, જુઓ Video
મદાવાદ વિમાન દુર્ઘટના બાદ મૃતકોની ઓળખ માટે ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)એ નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. તેમનું વિકસાવેલું સોફ્ટવેર 250 થી વધુ DNA સેમ્પલ એકસાથે મેળવી શકે છે, જેનાથી ઓળખ પ્રક્રિયા ઝડપી બની.

અમદાવાદના પ્લેન ક્રેશ બાદ મૃત્યુ પામેલા લોકોની ઓળખ એક મોટો પડકાર બની હતી. મૃતદેહ એટલા બળીને ખાખ થઈ ગયા હતા કે ઓળખ શક્ય નહોતી. આવા સમયમાં ડીએનએ મેચિંગ માટે દેશની સૌથી અદ્યતન લેબના રૂપમાં ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)એ વિશેષ ભૂમિકા ભજવી છે.
યુનિવર્સિટીએ કુલપતિ ડો. જે.એમ. વ્યાસના માર્ગદર્શન હેઠળ એક ખાસ સોફ્ટવેર વિકસાવ્યું છે, જે દેશમાં માત્ર ગાંધીનગરની લેબમાં ઉપલબ્ધ છે. આ સોફ્ટવેરના કારણે એકસાથે 250થી વધુ ડીએનએ સેમ્પલ ઝડપથી મેડચ કરી શકાય છે. પહેલાં જ્યારે હાથથી મેન્યુઅલી કામ થતું હતું, ત્યારે દરેક સેમ્પલને મેચ કરવામાં લાંબો સમય લાગતો હતો, જેના કારણે આખા 250 સેમ્પલની પ્રોસેસમાં 10 દિવસ જેટલો સમય લાગી જતો. હવે આ નવી ટેકનોલોજીથી ગણતરીના કલાકોમાં પરિણામ પ્રાપ્ત થઈ જાય છે.
DNA પ્રક્રિયા માટે કેટલા સ્ટેપ્સ માંથી થવું પડે છે પસાર
- સેમ્પલ ક્લીનિંગ:
મૃતકોના દાંત, હાડકાં કે કોઈ પણ અવશેષમાંથી લેવામાં આવેલ સેમ્પલને લેબમાં સૌથી પહેલાં ક્લીન કરવામાં આવે છે. જો તેમાં માંસ, કપડા અથવા અન્ય કોઈ ડીએનએ જોડાયેલ હોય, તો તેને દૂર કરવામાં આવે છે. - ડ્રાયિંગ પ્રક્રિયા:
સેમ્પલને ખાસ મશીનમાં સુકવવામાં આવે છે. ત્યારબાદ તેમાં રહેલા અશુદ્ધ ઘટકોને લિક્વિડથી દૂર કરવામાં આવે છે. - પાઉડર ફોર્મમાં રૂપાંતર:
દાંત અને હાડકાંને ક્રશ કરીને પાઉડર બનાવવામાં આવે છે. જો માંસ હોય તો તેને સીધું હીટ મશીનમાં મૂકવામાં આવે છે. આ તબક્કાને DNA એક્સ્ટ્રેક્શન કહે છે. - DNA ગ્રાફ:
સેમ્પલમાંથી મળેલા ડીએનએની માત્રા અને ગુણવત્તાનો વિશ્લેષણ કરીને ગ્રાફ તૈયાર કરવામાં આવે છે. - જિનેટિક એનાલાઈઝર – મુખ્ય મશીન:
આ મશીન આખી ડીએનએ પ્રક્રિયાનું હાર્ટ છે. અહીંથી દરેક વ્યક્તિનું ડીએનએ પ્રોફાઇલ તૈયાર થાય છે અને સોફ્ટવેરમાં તેને મૃતકના પરિવારોના સેમ્પલ સાથે મેચ કરાવવામાં આવે છે.
DNA માટે દાંતનું મહત્વ, 1500 ડિગ્રી તાપે પણ નુકસાન નહિ થાય
વિમાન દુર્ઘટનામાં વધુ તાપમાન હોવા છતાં દાંત પર તેનું અસર કરતી નથી. તેથી મૃતદેહમાંથી મોટા ભાગના ડીએનએ સેમ્પલ દાંત અને હાડકાંમાંથી લેવામાં આવ્યા. દાંતને પાઉડર બનાવ્યા બાદ તેને ખાસ કેમિકલ સાથે મશીનમાં મુકવામાં આવ્યું અને ત્યારબાદ તે ડીએનએ પ્રોફાઇલિંગ માટે મોકલવામાં આવ્યું.
36 કલાક સુધી ઊંઘ્યા વગર કામ – માનવતા સામે જવાબદારી
શુક્રવારના દિવસે જ્યારે સેમ્પલ યુનિવર્સિટીમાં આવ્યા, ત્યારે લેબના વિશેષજ્ઞોએ આરામ કર્યા વગર 36 કલાક સતત કામ કર્યું. ઘણા સ્ટાફના પોતાના પરિવારજનો પણ બીમાર હતા છતાં તેમણે રાતદિવસ એક કરીને મૃત્યુ પામેલાઓના પરિવારજનોને સાચો સત્ય પ્રાપ્ત થાય એ માટે કામગીરી જારી રાખી.
આ દુર્ઘટનામાં, જ્યાં દરેક ક્ષણ અમુલ્ય હતી, ત્યારે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો આ ટેક્નોલોજીકલ અભિગમ દેશના માટે માર્ગદર્શક બન્યો છે. આ નવી પદ્ધતિ ભવિષ્યમાં પણ મોટી દુર્ઘટનાઓ બાદ ઓળખ કરવાની પ્રક્રિયામાં આશીર્વાદરૂપ સાબિત થશે.