Breaking News : રાજકોટમાં બની સાઉથ જેવી ઘટના ! લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન અફરાતફરી, બાળકી કચડાતા બચી
ગુજરાતમાં જ નહીં દેશ-વિદેશમાં પણ અત્યારે ગુજરાતી સિનેમાની ફિલ્મ લાલોની ચર્ચા થઈ રહી છે. ત્યારે રાજકોટમાં પ્રમોશ કરવા સ્ટાર કાસ્ટ પહોંચ્યું હતુ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેના પગલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં જ નહીં દેશ-વિદેશમાં પણ અત્યારે ગુજરાતી સિનેમાની ફિલ્મ લાલોની ચર્ચા થઈ રહી છે. ત્યારે રાજકોટમાં પ્રમોશ કરવા સ્ટાર કાસ્ટ પહોંચ્યું હતુ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટ શહેરના ક્રિસ્ટલ મોલ ખાતે ગતરોજ લાલો ગુજરાતી ફિલ્મના પ્રમોશન કાર્યક્રમ દરમિયાન ગંભીર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના ટોળા અનિયંત્રિત થતાં જાહેર વ્યવસ્થામાં ભંગ થયો હતો અને એક નાની બાળકી ભારે ભીડને પગલે કચડાઇ જતા બચી હતી. આ મામલે રાજકોટની યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક પગલાં ભરીને ક્રિસ્ટલ મોલના મેનેજર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
સ્ટારકાસ્ટ સાથે ફોટો પડાવવા માટે ઉમટી હતી હજારોની ભીડ
પ્રાથમિક માહિતી અનુસાર, લાલો ફિલ્મના સ્ટારકાસ્ટ ક્રિસ્ટલ મોલમાં આવ્યા હતા અને ત્યાં થિયેટરમાં ફિલ્મનો પ્રીમિયર શો પણ યોજાયો હતો. સ્ટારકાસ્ટ સાથે ફોટોગ્રાફ્સ પડાવવા અને તેમને મળવા માટે ચાહકોની ભીડ ઉમટી પડી હતી. જોકે, આ ભીડ એટલી મોટી અને બેકાબૂ બની ગઈ હતી કે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી હતી. લોકો સ્ટારકાસ્ટની પાછળ લિફ્ટ તરફ ધસી ગયા હતા, જેના કારણે લિફ્ટ પાસે એક નાની બાળકી કચડાઈ જતાં માંડ માંડ બચી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તેની ગંભીર નોંધ લીધી હતી.
ભારે ભીડથી બાળકી કચડાઇ જતા બચી
ઘટનાના વીડિયો અને સ્થાનિક જાણકારીના આધારે, રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ક્રિસ્ટલ મોલના મેનેજર સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોલ મેનેજરે સક્ષમ સત્તાવાળાઓની પૂર્વ મંજૂરી લીધા વિના આટલી મોટી સંખ્યામાં લોકોને એકત્ર કર્યા હતા. મંજૂરી વગર આવી ભીડ એકઠી કરવી એ જાહેરનામાનો ભંગ છે અને તેનાથી જાહેર સુરક્ષા જોખમાઈ શકે છે. આ આરોપોને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પ્રકારના બનાવો ફિલ્મના પ્રમોશન કે અન્ય જાહેર કાર્યક્રમો દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અને આયોજનના મહત્વ પર ભાર મૂકે છે. ભીડ નિયંત્રણ અને સલામતીના નિયમોનું પાલન અનિવાર્ય છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય. યુનિવર્સિટી પોલીસ હાલમાં આ કેસની વધુ તપાસ ચલાવી રહી છે અને જવાબદારો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે. આ ઘટનાએ જાહેર સ્થળોએ આયોજિત કાર્યક્રમોની પરવાનગી પ્રક્રિયા અને સલામતી પ્રોટોકોલની સમીક્ષા કરવાની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો છે.