વિષમ વાતાવરણે કેરી પકવતા ખેડૂતોની આશા પર ફેરવ્યુ પાણી, મહુવાની પ્રખ્યાત જમાદાર કેરીને ભારે નુકસાન- Video
આ વર્ષે વિષમ વાતાવરણની અસર કેરીના ઉત્પાદન પર જોવા મળી રહી છે. ક્યારેક ગરમી, ક્યારેક ઠંડક અને ક્યારેક કમોસમી વરસાદવાળા વાતાવરણને કારણે કેરી પકવતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વાતાવરણ સંતુલિત ન રહેતા મોટા પ્રમાણમાં ફ્લાવરીંગ આંબા પરથી ખરી પડ્યુ છે. જેના કારણે ઉત્પાદન ઘટ્યુ છે.
ઉનાળાની કાળજાળ ગરમીમાં પણ જો કોઈ આશાના કિરણ કોઈ હોય તો એ કેરીનું આકર્ષણ હોય છે. ઉનાળાનુ લાંબુ વેકેશન હોય છે. એ દરમિયાન નાનાથી લઈને મોટેરાઓ પણ કેરીની મજા માણવાનુ ચુકતા નથી. જો કે આ ઉનાળે આ કેરીની મજા થોડી ફિક્કી પડી શકે છે. જેનુ કારણ છે વિષમ વાતાવરણ. વાતાવરણમાં અવારનવાર થતા ફેરફારને કારણે કેરીના ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે. અને ઉત્પાદન ઘટ્યુ છે. બીજી તરફ માર્ચ મહિનામાં પડેલી અતિશય ગરમીને કારણે આંબા પરના ફ્લાવરીંગને પણ નુકસાન થયુ છે અને મોર ખરી પડ્યા છે.
વડોદરાના શિનોર તાલુકામાં કેરીના પાકને નુકસાન
વડોદરાની વાત કરીએ તો વડોદરાના શિનોર તાલુકામાં 500 એકરથી વધુ વિસ્તારમાં આંબાવાડી આવેલી છે અને ખેડૂતો કેરીનો પાક લે છે. પરંતુ આ વર્ષે બરાબર કેરી પાકવાનો સમય આવ્યો એ સમયે જ મોટાપ્રમાણમાં ફ્લાવરીંગ ખરવા માંડ્યુ હતુ. જેના કારણે અહીંની વખણાતી બદામ, રાજાપુરી, લંગડો, તોતાપુરી જેવી કેરીની જાતોને ભારે નુકસાન થયુ છે. અસહ્ય ગરમીને કારણે કેરીઓ પાક્તા પહેલા જ ખરી રહી છે.
મહુવાની પ્રખ્યાત જમાદાર કેરીનું ઘટ્યુ ઉત્પાદન
ભાવનગરના મહુવામાં એ જ સ્થિતિ જોવા મળી રહી છે. મહુવાની જમાદાર કેરી ખૂબ વખણાય છે. પરંતુ શરૂઆતમાં થયેલા કમોસમી વરસાદને કારણે આંબા પરથી મોટાપ્રમાણમાં ફ્લાવરીંગ ખરી પડ્યુ છે જેના કારણે જમાદાર કેરીનો હાલ માત્ર 20 ટકા જ ફાલ તૈયાર થયો છે.
હાલ ખેડૂતો સરકાર પાસે મદદની માગ કરી રહ્યા છે. એક તરફ બજારમાં કેરીની પુષ્કળ માગ છે જેની સામે ઉત્પાદન ઘણુ ઓછુ છે. ત્યારે કેરીએ માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ કેરીના રસીયાઓને પણ નિરાશ કરી શકે છે. કેરી રસીયાઓએ આ વખતે કેરી ખાવા માટે ખીસ્સા ખાલી કરવાનો વારો આવી શકે છે.
આ પણ વાંચો: કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની આગાહી, કેરીના પાકને નુકસાનની ભીતિ