Rathyatra 2023: ભાવનગરમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 38મી રથયાત્રા નીકળશે, તૈયારીઓને આખરી ઓપ અપાયો
ભાવનગરમાં 38મી રથયાત્રાને લઈને સરકારી તંત્ર, વિવિધ સંગઠનો તેમજ રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. તો ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રાને લઈને આજે શહેરના મુખ્ય રાજમાર્ગ પર ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.
Bhavnagar: ભાવનગરમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 38મી રથયાત્રા (Rath Yatra 2023) નીકળશે. જેને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પોલીસે રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજી હતી. રથયાત્રા સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. શહેરમાં પોલીસ પ્રથમ વખત બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરશે. 125થી વધુ પોલીસકર્મીઓ બોડીવોર્ન કેમેરાથી સજ્જ હશે. તેમજ 3 ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે.
રથયાત્રાની સુરક્ષાને લઈને પોલીસ સજ્જ
ભાવનગરમાં 38મી રથયાત્રાને લઈને સરકારી તંત્ર, વિવિધ સંગઠનો તેમજ રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. તો ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રાને લઈને આજે શહેરના મુખ્ય રાજમાર્ગ પર ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. આ સિવાય રથયાત્રાની સુરક્ષાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે સુરક્ષાને લઈને અને રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પૂર્ણ થાય તેના માટે ભાવનગર પોલીસ દ્વારા આયોજન કરાયું છે.
આ પણ વાંચો Ahmedabad : આવતીકાલે ભગવાન જગન્નાથની નીકળશે ભવ્ય રથયાત્રા, સુરક્ષાને લઇને યોજાઇ ઉચ્ચ સ્તરીય બેઠક
ભાવનગરમાં રથયાત્રાની સુરક્ષાને લઈને 10 જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ
ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રામાં સુરક્ષાને લઈને 10 જિલ્લાની પોલીસ ફોર્સ પણ બોલાવવામાં આવી છે. પોલીસ કર્મચારીઓને નોકરીના પોઇન્ટ તેમજ રહેવાની વ્યવસ્થા ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત SRPની ટુકડીઓ તેમજ CISFના જવાનો ભાવનગર પહોંચી ગયા છે. ભાવનગર પોલીસ દ્વારા બહારથી આવેલા પોલીસ જવાનોને તેમની નોકરીઓની વહેંચણી તેમજ પોઈન્ટની જવાબદારી આપી દેવામાં આવી છે.
ભાવનગર શહેરમાં અમરેલી, બોટાદ, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ તેમજ પીટીસી જુનાગઢ સહિત 10 જિલ્લાની પોલીસ ફોર્સને બોલાવવામાં આવી છે. આ ટીમો સઘન પેટ્રોલિંગ હાથ ધરશે, 38મી રથયાત્રામાં પેરામિલિટરી, સીઆરપીએફ, સીઆઇએસએફ, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ તેમજ પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડ સુરક્ષામાં ખડે પગે રહેશે.
અમદાવાદમાં પણ 146મી રથયાત્રાને લઈને ચુસ્ત બંદોબસ્ત
આવતીકાલે યોજાનારી અમદાવાદની 146મી રથયાત્રાને લઇને પ્રશાસન સજ્જ છે. ભગવાનની રથયાત્રા પહેલા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતુ. પોલીસે યાત્રાના 22 કિલોમીટર સુધીના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. ભગવાન જગન્નાથજીની યાત્રામાં ભક્તોનું ધ્યાન રાખવા 25 વોચ ટાવર પર પોલીસ તહેનાત રહેશે.
અમદાવાદમાં રથયાત્રાના રુટ સહિતના વિસ્તારોમાં ડ્રોન, થ્રિડી મેપિંગ, CCTV કેમેરા અને એન્ટી ડ્રોન ગન સાથે પોલીસ ખડેપગે રહેશે અને 15 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તહેનાત રહેશે. રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને માટે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.